હાં...પ્રતિષ્ઠા જાળવવી મહત્વપૂર્ણ છે!!

ભારતીય અર્થવ્યવસ્થામાં વધી રહેલ નોન પર્ફોર્મિંગ એસેટ્સ ની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. નોન પર્ફોર્મિંગ એસેટ્સ એ લોન અથવાતો એડવાન્સિસ છે જે ડિફોલ્ટ અથવાતો બેન્કને તેની ચુકવણી કરવાની બાકી હોય. જયારે લોન ડિફોલ્ટ થાય એટલે કે લોન લેનાર તેની લોન ભરપાઈની જવાબદારીમાં અસમર્થ હોય ત્યારે દાતા માટે આ લોન કરારનો ભંગ કહેવાય. ભારતમાં છેલ્લા દાયકામાં આવી વ્યાપારિક પેઢીઓમાં ઉછાળો આવ્યો છે. આ પરિસ્થિતિનો અભ્યાસ કરતા જણાય છે કે, કેરલાક વેપારીઓ ભારતીય કાયદાની ખીલ્લી ઉડાવી અર્થવ્યવસ્થાને ચૂનો ચોપડી ગયા. એમાના કેટલાકને ભારત છોડવાનો વારો આવ્યો છે. આવા વ્યાપારીઓ પોતાની વર્ષોથી અર્જિત શાખ ગુમાવી બેસે છે. વિવિધ ભારતીય એજન્સીઓ આવા વ્યાપારીઓને પાછા લાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે.


આવી પરિસ્થિતિમાં એક ઉમદા વ્યક્તિનું નામ યાદ આવે એ સ્વાભાવિક છે જે પોતાના વ્યાપારમાં સતત ગ્રોથ પ્રાપ્ત કરે છે અને બજારમાં પણ તેમનું નામ આદરથી લેવામાં આવે છે. આજથી લગભગ 50 વર્ષ પહેલાં, 21 વર્ષનો યુવાન સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં ઈજનેરીનો અભ્યાસ અધૂરો મૂકી, પોતાના પિતાના આકસ્મિક અવસાનને લીધે ભારત પાછો ફરે છે. તે પોતાના પિતા દ્વારા છોડી ગયેલા વ્યાપારને પોતાના હાથમાં લે છે. આજે આ વ્યક્તિ એફએમસીજી અને આઈટી પાવરહાઉસ (વિપ્રો લિ.) ના સર્જક તેમજ સાર્વત્રિક શિક્ષણ પૂરું પાડતી બિન-નફાકારક 'અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન એન્ડ યુનિવર્સિટી' ના સ્થાપક પણ છે. ઉપરાંત, તે 30 વર્ષ પછી પાછા સ્ટેનફોર્ડ જાય છે અને પોતાની અધૂરી રહી ગયેલી ડિગ્રી પૂર્ણ કરે છે. અહીં વાત અઝીમ હાશમ પ્રેમજીની છે. તેઓ વ્યવસાયિક દિગ્ગજ, પરોપકારી અને વિશ્વના સૌથી પ્રેરણાદાયી કોર્પોરેટ આગેવાનોમાંના એક છે.


અઝીમ પ્રેમજી અને વિજય માલ્યા બંનેની વ્યવસાયિક પૃષ્ઠભૂમિ બંગાલુરુ રહી છે, પરંતુ બંનેની દૂરંદેશીતા અને દ્રષ્ટિકોણમાં આસમાન જમીન નું અંતર રહ્યું છે. આ લેખમાં બંને વચ્ચેના તફાવત દર્શાવાની કોશિશ કરી છે.



અઝીમ પ્રેમજી

તમારા ઘડતર માટે ફક્ત અને ફક્ત તમે જ જવાબદાર છો.


અઝીમ પ્રેમજી 21 વર્ષની યુવાન વયે પોતાના પિતાને ગુમાવે છે અને ફેમિલી બિઝિનેસ સાંભળવાનું શરુ કરે છે. પિતાની છત્રછાયા વગર નાની ઉંમરે ધંધાની આંટીઘૂંટી જાતે શીખે છે. પહેલાં કોમ્પ્યુટર્સ હાર્ડવેર અને પછી સોફ્ટવેરમાં પોતાની પકડ મજબૂત બનાવે છે. સમયની સાથે આગળ જતા વિપ્રો ટેક્નોલોજી દેશ વિદેશમાં પોતાના નામનો ડંકો વગાડે છે. આજ રીતે વિજય માલ્યા પણ યુવાન વયે પોતાના પિતા તરફથી વારસામાં મળેલ યુબી ગ્રુપ ની જવાબદારી પોતાના હાથમાં લે છે. તેઓ પણ પોતાની વિવિધ બ્રાન્ડ્સને દેશ વિદેશ સુધી પહોંચાડે છે. પરંતુ પોતે જ કરેલી ભૂલોના પરિણામે આજે તેઓ દેવાદાર છે અને રાતો રાત દેશ છોડી ભાગવાનો વારો આવ્યો છે.



મુશ્કેલીમાંથી બહાર આવવા કરતાં મુશ્કેલીથી દૂર રહેવું વધુ સરળ છે.


અઝીમ પ્રેમજીને વારસામાં મળેલ વેસ્ટર્ન ઇન્ડિયા વેજિટેબલ પ્રોડક્ટસ લી. (વિપ્રો) મૂળ અમલનેર, મહારાષ્ટ્રમાં વનસ્પતિ ઘી તથા અન્ય ખાદ્ય પદાર્થ તથા સાબુ જેવા ઉત્પાદ બનાવતી કંપની હતી. 1977માં અમેરિકાની આઇટી ક્ષેત્રની વિશાળ કંપની આઇબીએમ ભારતમાંથી વિદાય લે છે. અઝીમ પ્રેમજી આ ઘટનાને પોતાના માટે એક મોટી તક તરીકે લે છે. તેઓ ગણતરીપૂર્વકનું જોખમ ખેડી આઇટી ક્ષેત્રમાં ઝંપલાવે છે. આગળ જતા વિપ્રો સોફ્ટવેર અને આઉટસોર્સિંગ માં કામ કરતી વિશ્વની ટોચની કંપની બને છે. તેઓ ભારતના સૌથી ધનિકોની યાદીમાં સ્થાન પામે છ. તેઓ પોતાના જીવનમાં પોતાના માટે મુશ્કેલ પરિસ્થિતિ ઉભી નથી કરતા કે જેમાંથી બહાર આવવું અઘરું બને. બીજી તરફ વિજય માલ્યા એવા ધંધા માં આગળ વધવાનું પસન્દ કરે છે કે જે વ્યાપારને ભારતમાં માનની દ્રષ્ટિએ જોવામાં નથી આવતો. ગુજરાત, બિહાર તથા અન્ય રાજ્યો દારૂબાંધી ધરાવે છે. ઉપરાંત ભારતમાં લીકર એડવર્ટિઝમેન્ટ પર પ્રતિબંધ છે. સાથો સાથ તેઓ કિંગફિશર એરલાઇનમા ઝંપલાવે છે. એના માટે ભારતીય બેંકો પાસેથી કરોડો રૂપિયાની લોન લે છે. અને શરૂઆતી દિવસોમાં જ એમને ખબર પડે છે કે આ એક ખોટ કરતો બિઝનેસ છે પરંતુ તે બેંકોની સાંઠગાંઠથી વધુ જંગી લોન મેળવે છે. આ સાથો સાથ એમના અન્ય શોખ પણ ભારતીય ધનિક વર્ગને પણ આશ્ચર્ય પમાડે એવા હતા. દેશ વિદેશમાં અલગ અલગ જગ્યાએ આલીશાન ઘરો(Villas) ખરીદે છે. 2006માં એમણે કતારી શેખ પાસેથી 100 મિલિયન ડોલરમાં મેગયોટ(વહાણ) ખરીદ્યું હતું. એક તરફ કિંગફિશર એરલાઇન ખોટ કરી રહી હતી ત્યારે તેઓ 2008માં આઈપીએલની રોયલ ચેલેન્જર ટીમ 111 મિલિયન ડોલરમાં ખરીદે છે. બીજી તરફ તેમને કિંગફિશર એરલાઇનના કર્મચારીઓના પગાર ચૂકવવાના ફાંફા પડે છે. મીડિયામાં આ વાત બહાર આવવા છતાં પોતાના જન્મદિવસ પર ભવ્ય બર્થડે પાર્ટીનું આયોજન કરે છે. જેના લીધે તેઓ વધુ અપ્રિય બને છે. તેઓ પોતાના માટે પોતેજ એક ગંભીર પરિસ્થિતિ સર્જી દે છે જેમાંથી બહાર કઈ રીતે આવવું એ તેમને સમજાતું નથી, અને છેવટે ભારત છોડીને ભાગવું પડે છે. આજે ભારતની વિવિધ એજન્સીઓ તેમને ભારત પાછા લાવવા માટે લંડનમાં કેસ લડી રહી છે. અને અહીં તેઓ ભાગેડુ જાહેર છે. આશારે 9 હાજર કરોડ રૂપિયાની લોન એમના માથે બાકી બોલે છે. શરૂઆતી વર્ષના ખોટના આંકડા જોઈએ તો તેઓ વધુ દેવા માંથી બચી શક્યા હોત અને મુશ્કેલીમાંથી બચી શક્યા હોત. પરંતુ તેઓ ડગલે ને પગલે પોતાના માટે વધુ મુશ્કેલીઓ ઉભા કરતા ગયા.



પ્રતિષ્ઠા મહત્વપૂર્ણ છે.


અઝીમ પ્રેમજી ફોર્બ્સ ના વિશ્વના ધનિકોની યાદી તથા ભારતના પ્રથમ દસ ધનિકોમાં સ્થાન પામે છે. 2011 ની સાલમાં ભારત સરકાર તેમને પ્રતિષ્ઠિત પદ્મ વિભૂષણ થી પુરસ્કૃત કરે છે. તેઓ મુંબઈની પેજ-3 પાર્ટીઓમાં જોવા નથી મળતાં. અઝીમ પ્રેમજી ફોઉંડેશન છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, નોર્થ ઇસ્ટ, તેલંગાણા તથા ઝારખંડના અત્યંત ગરીબ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણક્ષેત્રે ગ્રાસરૂટ લેવલ પર કામ કરી રહ્યું છે. કોરોના મહામારીમાં પીએમ કેયર ફંડ્સમાં મોટું દાન આપી ચુક્યા છે. તેમના દરેક કામો તેમના પ્રત્યે માન અને પ્રતિષ્ઠા વધારે એવા છે. જયારે બીજી તરફ વિજય માલ્યા પોતાના કર્મચારીઓના પગાર સમયસર નથી ચુકવતા. ભવ્ય પાર્ટીઓનું આયોજન કર્યા કરે છે. સમયસર પગાર ન મળવાને લીધે તેમના એક કર્મચારી ના પત્ની આત્મહત્યા કરે છે, તે સમયે તેઓ પોતાની ભવ્ય બીચ બર્થડે પાર્ટીનું આયોજન કરે છે. જેના પરિણામે લોકોમાં વધુ આક્રોશ અને તિરસકાર પેદા થાય છે. તેઓ પોતે જ પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવા દરેક કામો સતત કાર્ય કરે છે.


સાદગી, કરકસર, પરોપકાર એ શીખવું જરૂરી છે.


અઝીમ પ્રેમજી પોતાના જીવનમાં સાદગી અને કરકસર પર ભાર મૂકે છે. તેઓ મોંઘી મોંઘી કારના શોખીન નથી. સ્ટ્રીટ ફૂડનો સ્વાદ પણ સહજ રીતે માણી લે છે. તેમના વિષે એક કિસ્સો યાદ કરતા તેમના મિત્ર જમશેદ ગોદરેજ કહે છે -"એક સાંજે અમે માંડવાના ઘરે ડિનર માટે અજીમને બોલાવ્યા. ડિનર પછી જ્યારે અમે ગેટ પર ગયા ત્યારે તેમની કોઈ મોટી કાર નજરે નોહતી પડી પરંતુ તે ઓટો રીક્ષા થી આવ્યા હતા." તેઓ પ્લેનના ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી લે છે. શરૂઆતી વનસ્પતિ ઘીનો વ્યાપાર મહારાષ્ટ્રના જે ગામમાં હતો તે ગામ આજે કરોડપતિઓનું ગામ કહેવાય છે. વિપ્રોના અંદાજે 4800 કરોડ રૂપિયાના શેર આ ગ્રામજનો પાસે છે. આ લોકો વિપ્રોનો 3% હિસ્સો ધરાવે છે. વિપ્રોના શરૂઆતી વર્ષોમાં સસ્તા ભાવે તેમને શેર આપવામાં આવ્યા હતા. આ લોકોમાં ખેડૂત, દુકાનદારો તથા રિટાયર્ડ લોકોનો સમાવેશ થાય છે. પોતે અર્જિત કરેલી સંપત્તિ માંથી તેઓ 1.45 લાખ કરોડની જંગી રકમનું દાન આપી ચુક્યા છે જે તેમને બિલ ગેટ્સ થતા વોરન બફેટની શ્રેણીમાં મૂકે છે. આથી વિપરીત, વિજય માલ્યા સાદગી અને કરક્સરમાં નથી માનતા. તેઓ ફોર્મ્યુલા વન રેસિન્ગ, આલીશાન ઘરો, ખર્ચાળ પાર્ટીઓ માં વ્યસ્ત રહે છે, અને અંતે એના ગંભીર પરિણામો ભોગવી રહ્યા છે.


અઝીમ પ્રેમજી ભારતીય યુવાનોમાટે સફળ વ્યતિઓમાંનું એક સર્વોચ્ચ ઉદાહરણ પૂરું પાડે છે.


તમે જયારે પ્રગતિના પથ પર આગળ વધી રહ્યા હોવ, ત્યારે કેટલીક જગ્યાએ તમે જાતે એહસાસ કરશો કે અહીં આગળ વધવું હિતાવહ નથી અથવા તો કોઈક બીજો માર્ગ લઈએ, તો એવા સમયે તમારે ચેતી જવું જોઈએ, તો કદાચ વિજય માલ્યા જેવી સ્થિતિમાંથી બચી શકાય.


રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature