ભારતને હચમચાવી નાખનાર શેર કૌભાંડ

સોની લિવ પર પ્રસારિત વેબ સિરીઝ "સ્કેમ 1992" હમણાં ભારતમાં ચર્ચાનો વિષય છે. હંસલ મેહતાના દિગ્દર્શનમાં બનેલ અને પ્રતીક ગાંધીની એક જબરજસ્ત અદાકારીએ હર્ષદ મહેતાનું પાત્ર જીવંત કરી દીધું છે. આ એક સત્યઘટના આધારિત હર્ષદ મહેતાનું જીવનચરિત્ર રજુ કરતી સિરીઝ છે. નેવુંના દસકા ની આસપાસ અને ત્યારબાદ જન્મેલા (હાલ ના યુવાનો ) માટે આ એક અજાયબી જન્માવે એવું પાત્ર છે. લેખમાં એ બતાવવાની કોશિશ કરીશ કે ભારતના ઇતિહાસમાં હર્ષદ મેહતા બિગ બુલ તરીકે સૌપ્રથમ કેવી રીતે ઓળખાયા અને સિસ્ટમ નો કેવો મજાક કરી ગયા.


નેવુંના દસકા પહેલાની ભારતીય અર્થવ્યવસ્થા લાઇસન્સ રાજ અને ઇન્સ્પેક્ટર રાજ આધારિત હતી. એંસીના દસકની મધ્ય કે અંતમાં ભારતે ધીરે ધીરે પોતાની અર્થવ્યવસ્થા સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવાની શરુ કરી. લગભગ એજ અરસામાં ગુજરાતના રાજકોટના પાનેલી મોટી ગામમાં જન્મેલ હર્ષદ મેહતા પોતાની નાની નાની નોકરીઓથી કંટાળી મુંબઈમાં શેરબજારમાં કિસ્મત અજમાવવા કુદે છે. આ એ જમાનો હતો જયારે શેરબજાર માટે કોઈ સ્વતંત્ર રેગ્યુલેટરી સંસ્થા( હાલ સેબી) નોહતી. એંસીના દશકમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં મનુ માણેકનું નામ મોટું હતું. બ્લેક કોબ્રાના નામે ઓળખાતા મનુ માણેકના બેર કાર્ટેલ- મારવાડી મોનોપોલી વાળા ગ્રુપ સામે પોતાની બુલ સ્ટ્રેટેજી સાથે હર્ષદ મેહતા શેર માર્કેટમાં આગળ વધે છે.


શું છે બેર માર્કેટ?



શેર બજાર જયારે લાંબા સમય સુધી ભાવમાં ઘટાડો અનુભવે અને બજારમાં એક નિરાશાવાદ અને નકારત્મક ભાવ ઉભો થાય ત્યારે તેને બેર (bear- રીંછ) માર્કેટ કહેવામાં આવે છે. જેમાં સિકયુરિટિઝના ભાવમાં લગભગ 20% જેટલો ઘટાડો નોંધાય છે. રીંછ જયારે પોતાના શિકાર પર હુમલો કરે ત્યારે નીચે નમીને જોરથી હુમલો કરે છે, આ સ્ટ્રેટેજી બજાર પ્રવૃત્તિ માટે એક રૂપક બની જાય છે. મનુ માણેક આ પદ્ધતિ અનુસાર કામ કરતા. તેમના બેર કાર્ટેલ-સંગઠનમાં કેટલાક સાથીઓ પણ હતા જેની વાત લેખમાં આગળ જતા કરીશ.


બેર માર્કેટમાં શોર્ટ (ટૂંકું) સેલિંગ કરવામાં આવે છે. જયારે તમારી પાસેના કોઈ શેરના ભાવમાં અચાનક મોટો વધારો(ફુગાવા રૂપી) જોવા મળે ત્યારે તમે આવા શેરને ઊંચા ભાવે વેચી નાખો છો. ત્યારબાદ આ શેરના ભાવમાં ઘટાડાની રાહ જુઓ છો અને જયારે તેમાં ઘટાડો નોંધાય ત્યારે ફરી એજ શેરને ફરી નીચા ભાવે ખરીદો છો. આ ભાવમાં આવેલ તફાવત એ તમારો નફો છે.


ઉદાહરણ તરીકે ,

મનુ માણેક બ્લેક કોબ્રા તરીકે કેમ ઓળખાતા?



1980 ના દાયકામાં, શેર ખરીદવા માટે લેવામાં આવતી ક્રેડિટ પર 20-30% વ્યાજ ચૂકવવું સામાન્ય બાબત હતી. બુલિશ પોઝિશન અપનાવવા માટે, વેપારીઓ આ અત્યંત ખર્ચાળ ક્રેડિટનો ઉપયોગ કરતા અને પ્રચંડ ખરીદીનો પ્રારંભ કરતા.


તેથી, વધેલી માંગને પગલે શેરના ભાવમાં પણ વધારો થાય.


કોબ્રા આ સમયગાળા દરમિયાન ગુચળું બની ને ઝેરીલો હુમલો કરવાની રાહ જોઈને બેઠો હોય.


એક વાર શેર નો ભાવ ઊંચાઈએ પહોંચે ત્યારે મનુ માણેક (બ્લેક કોબ્રા) દાખલ થતાં . તેઓ વેચાણની ગતિ ઝડપી બનાવતા, અને બજારમાં એક પોતે ઘડી કાઢેલું મનોવિજ્ઞાનિક દબાણ ઉભું કરતા. સ્ટોકની સપ્લાય વધતા શેરના ભાવમાં ઘટાડો શરુ થાય.


પરિણામે, બુલિશ-તેજીવાળા વેપારીઓ તેમના બધા પૈસા ગુમાવતા, અને કોબ્રા તકનો લાભ ઝડપી ડંખ મારી હત્યા કરતો (અલંકારિક રૂપે).


મનુ માણેક એ ઉભા કરેલ આ બેર કાર્ટેલ- સંગઠનમાં તેમના અન્ય સાગરીતો પણ હતા. તેમાં રાકેશ ઝુનઝુનવાલા અને રાધાકિશન દામાણીનું નામ પ્રમુખ છે.


આનાથી વિપરીત બજારની સ્થિતિ ને બુલ બજાર(તેજીવાળું) કહેવાય છે. અને હર્ષદ મેહતા આ બજાર ના ખિલાડી હતા.


શું છે બુલ માર્કેટ?

બુલ માર્કેટ એ બજારની સ્થિતિ છે જેમાં ભાવ વધતા રહે છે. બુલ-આખલો તેના શીંગનો ઉપયોગ બજારને ઉપરની દિશામાં લઇ જવા માટે કરે છે. બજારની આ સ્થિતિ મહિનાઓ સુધી કે વર્ષો સુધી ચાલુ રહી શકે છે.


અહીં રોકાણકર શેરના રોકાણ ઉપર કમાય છે કારણકે ખરીદેલ કિંમતના શેર કરતા શેરના ભાવ વધુ ને વધુ ઊંચા જાય છે.


બોન્ડસ 1980ની સાલથી બુલિશ રહ્યા છે. રોકાણકારો એમાં રોકાણ કરીને પૈસા ગુમાવ્યા નથી.


મનુ માણેક વિ. હર્ષદ મેહતા


આ બુલ (આખલો ) અને બેર(રીંછ) નું યુદ્ધ હતું.


ઈંડરોલ કંપનીના શેર માટે બંને સામસામે આવી ગયા હતા.


હર્ષદ મેહતા પોતાની બુલ સ્ટ્રેટેજી પ્રમાણે સતત સ્ટોકની ખરીદી કરી રહ્યા હતા અને માર્કેટમાં એક હકારાત્મક માહોલ ઉભો કર્યો હતો. આજ સમયે બેર કાર્ટેલના બ્લેક કોબ્રા(મનુ માણેક) એ શેરના ભાવ ઘટાડવા બજારમાં અફવા ઉડાવી કે હર્ષદ મહેતા એ સ્ટોક માર્કેટમાં 1 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે.


પરંતુ આ ઘટનામાં હર્ષદ મેહતા પોતાનું બધું દેવું ચૂકવીને બજારમાં પોતાની હકારાત્મક સ્થિતિ જાળવવામાં સફળ રહે છે.



મનુ માણેક વિ. ધીરુભાઈ અંબાણી


એંસીના દાયકામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઝડપથી તેજી કરી રહેલી કંપની હતી. ધીરૂભાઇએ રોકાણકારોમાં એક અનેરો વિશ્વાસ ઉભો કર્યો હતો.


આ વિશ્વાસ જોખમાયો જયારે કોબ્રાની નજર રિલાયન્સ ના શેર પર પડી.


મનુ માણેકને એવું લાગ્યું કે વધેલા ભાવના રિલાયન્સ ના શેર વેચવાથી પોતે મોટો નફો ઉભો કરી શકશે. તેથી, તેઓ રિલાયન્સનું શોર્ટ સેલિંગ(વેચાણ) ચાલુ કરે છે. બેર કાર્ટેલ ભાવ તોડવા મોટા પ્રમાણમાં શેરનું વેચાણ શરુ કરે છે.જયારે ભાવ ઘટશે ત્યારે ફરીથી ખરીદી કરવાના ઈરાદા સાથે તેમણે ઊંચા ભાવે શેર વેચ્યા કે જેથી સારો એવો નફો અંકે કરી શકે.


અહીં કોબ્રા(મનુ માણેક) થાપ ખાઈ જાય છે કારણકે સામે ધીરુભાઈ છે.


ધીરુભાઈ કોબ્રા- મનુ માણેક સામે મુકેશ અંબાણીના સ્કૂલના સાથી રહી ચૂકેલા આનંદ જૈનને ઉતારે છે.


આનંદ જૈન પોતાની ટીમ સાથે રક્ષણાત્મક પોઝિશન લે છે. તેઓ પોતાની યોજના હેઠળ મનુ માણેક જે રિલાયન્સના શેરનું વેચાણ કરી રહ્યા હતા તેની ખરીદી ચાલુ કરે છે. બેર કાર્ટેલ જેટલા શેર વેચતા એટલા શેરની ખરીદી આનંદ જૈન ટીમ કરી લેતી આ રીતે આનંદ જૈન બજારમાં રિલાયન્સનના શેરની માંગને ફરીથી ઉભી કરવામાં સક્ષમ રહ્યા હતા.


આનંદ જૈન દ્વારા થઇ રહેલી સતત ખરીદીને લીધે રિલાયન્સ ના શેરના ભાવ ફરીથી વધવા લાગે છે.


અહીં બેર કાર્ટેલ પાસે હવે બે જ વિકલ્પો બચે છે. બજારમાં ઊંચા ભાવના શેરની ફરી ખરીદી કરે અથવાતો વધુ ભાવ વધવાની રાહ જુએ. આ એક ચેકમેટ પોઝિશન હતી. અને મનુ માણેકના બેર કાર્ટેલને મોટું નુકસાન ઉઠાવવું પડ્યું હતું કેમકે એમનું શોર્ટ સેલિંગ બજારમાંથી ઉપાડેલ મૂડીને આધારિત હતું.


આ સામસામી તકરાર વખતે બોમ્બે સ્ટોક એક્સચેન્જને થોડા દિવસો માટે બંધ કરવું પડ્યું હતું.


આખરે મનુ માણેકના બેર કાર્ટેલે ધીરુભાઈ અને આનંદ જૈન ની શરણાગતિ સ્વીકારી હતી અને તેમની બાકી નીકળતી રકમ ચૂકવી દીધી હતી.



શું હતું આ કૌભાંડ?



23 એપ્રિલ 1992ની સાલમાં હર્ષદ મેહતા એ કરેલ કૌભાંડ લેખ લખી ઉજાગર કરનાર ફાઇનાન્શિઅલ એડિટર સુચેતા દલાલ હતા.


90 ના દાયકાની શરૂઆતમાં, ભારતમાં બેન્કોને ઇક્વિટી બજારોમાં રોકાણ કરવાની મંજૂરી નહોતી. બેંકોની આ જરૂરિયાતને પહોંચી વળવા મહેતાએ ચાલાકીપૂર્વક બેન્કિંગ સિસ્ટમમાંથી મૂડી નિચોવી અને આ નાણાં શેર બજારમાં ઉતાર્યા.


અન્ય બેંકો પાસેથી તેમના માટે સિક્યોરિટીઝ ખરીદવાની આડમાં તેઓએ તેમના વ્યક્તિગત ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહ્યું ત્યારે તેમણે બેન્કોને ઊંચા વ્યાજના દરની ખાતરી પણ આપી હતી. તે સમયે, અન્ય બેંકમાંથી સિક્યોરિટીઝ અને ફોરવર્ડ બોન્ડ ખરીદવા માટે બેંકને બ્રોકર(મેહતા) દ્વારા પસાર થવું પડતું હતું.


તે સમયે નાણાં ઉધાર લેવા માટે મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતું બીજું સાધન હતું બેંકની રસીદ (બીઆર). સોદામાં, સિક્યોરિટીઝને વાસ્તવિકતામાં ઉપયોગમાં લેવામાં આવતી નોહતી.


તેના બદલે, નાણાં ઉધાર લેનાર, એટલે કે સિક્યોરિટીઝના વેચનાર(હર્ષદ મેહતા), સિક્યોરિટીઝના ખરીદનારને(સ્ટેટે બેંક) બેન્ક રસીદ(BR) આપતા. બેન્ક રસીદ સિક્યોરિટીઝના વેચાણની પુષ્ટિ કરતી. તે વેચાણ કરતી બેંક(મેહતાની સાંઠગાંઠ વાળી કૌભાંડી બેંક) દ્વારા પ્રાપ્ત નાણાંની રસીદ તરીકે કાર્ય કરતી. તે ખરીદનારને(સ્ટેટ બેંક) સલામત ડિલિવરી આપવાનું વચન આપતી. તે એમ પણ પ્રસ્થાપિત કરે છે કે , વેચનાર(મેહતા અને કૌભાંડી બેંક) ખરીદદાર(સ્ટેટ બેન્ક) માટે ખરેખર સિક્યોરિટીઝ ધરાવે છે.


આ બનાવટી બેન્ક રસીદ(BR) માટે મેહતા બે નાની છતાં જાણીતી બેન્કસ , બેન્ક ઓફ કરાડ (બીઓકે) અને મેટ્રોપોલિટન કો-ઓપરેટિવ બેંક (એમસીબી) ના ડિરેક્ટર્સ સાથે સાંઠગાંઠ કરી તેમને ઉપયોગમાં લે છે.


એકવાર આ બનાવટી બેન્ક રસીદ(BR) જારી કરવામાં આવતી, પછી તેને સ્ટેટ બેંક સામે રજુ કરવામાં આવતી અને એના બદલામાં સ્ટેટ બેંક હર્ષદ મેહતાના વ્યક્તિગત ખાતામાં(પર્સનલ એકાઉન્ટ) નાણાં આપતી. મેહતા આ નાણાંનો ઉપયોગ પોતાના સ્ટોકની ખરીદી માટે કરતા. ત્રણ મહિનાની અંદર ACCના શેરનો ભાવ તેઓ 200 રૂપિયાથી 9000 રૂપિયા સુધી લઇ ગયા હતા. આ 4400 ટકાનો વધારો હતો. અને પોતે પ્રોફિટ બુક કરી, વેચાણ કરતા માર્કેટમાં ભારે કડાકો સર્જાયો હતો.



ઇન્વેસ્ટિગેશન, ટ્રાયલ અને આરોપનામું


સુચેતા દલાલ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના પોતાના લેખમાં હર્ષદ મેહતા દ્વારા આચરવામાં આવતી ગેરકાયદેસર નાણાકીય પદ્ધતિ ઉજાગર કરે છે.


આ લેખ બાદ દેશની વિવિધ એજન્સીઓ જેવી કે આયકર, સિબીઆઈ તથા એન્ફોર્સમેન્ટ ડિરક્ટોરેટ પોતાની તાપસ પ્રારંભે છે. સાથોસાથ સંસદમાં હંગામો થતા હર્ષદ મહેતાને જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટી સમક્ષ પણ હાજર થવું પડે છે. ત્યાં તેઓ મલ્ટીનેશનલ બેન્ક "સિટી બેંક" વિરુદ્ધ પણ આરોપ લગાવે છે.


એકવાર કૌભાંડ ઉજાગર થતા, એવું પ્રકાશમાં આવ્યું કે ઘણી બધી બેન્કો પાસે BR હતાજ નહિ અથવા તો બનાવટી BR હતા જેનું કોઈ મૂલ્ય નોહતું. બેન્કિંગ સિસ્ટમને લગભગ 4000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.


સિટીબેંક, પલ્લવ શેઠ અને અજય કયાન જેવા દલાલો, કેટલાક ઉદ્યોગપતિઓ, ઘણા રાજકારણીઓ અને આરબીઆઈના ગવર્નર એસ. વેંકિતારામન, આ બધાએ મહેતાની શેરબજારમાં ધાંધલીને સુવિધા આપવામાં ભૂમિકા ભજવી હતી.


મેહતા બેન્કિંગ સિસ્ટમના નાણાં ચાલાકીપૂર્વક પોતાના સ્ટોકની ખરીદીમાં લગાવી રહ્યા હતા અને કૌભાંડ ઉજાગર થતા બેન્કોએ પોતાના પૈસાની ઉઘરાણી ચાલુ કરતા માર્કેટ તૂટી પડે છે. મેહતા ઉપર 72 જેટલા જુદા જુદા ફોજદારી કેસો તથા 600 જેટલા દીવાની કેસો ફાઈલ કરવામાં આવે છે.


CBI દ્વારા હર્ષદ મેહતા તથા તેમના નાના ભાઈ અશ્વિન મેહતાની ધરપકડ કરવામાં આવી હતી.


હર્ષદ મેહતાના ભાઈ અશ્વિન મહેતાને નિર્દોષ જાહેર કરાયા હતા. તેમના ઉપરાંત નિર્દોષ જાહેર થયેલા લોકોમાં સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયા ના સિક્યોરિટીઝ વિભાગના પ્રભારી રામા સીતારામન અને ભૂષણ રાઉત, સી રવિ કુમાર, એસ સુરેશ બાબુ, પી મુરલીધરન, અશોક અગ્રવાલ, જનાર્દન બંધોપાધ્યાય અને શ્યામ સુંદર ગુપ્તા હતા.


બોમ્બે હાઈકોર્ટ દ્વારા હર્ષદ મહેતાને આરોપી ઠેરવાવમાં આવ્યા હતા અને પાંચ વર્ષની સખત કેદની સજા થઇ હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ સજા મંજુર કરાઈ હતી.

સિરીઝ ના પાત્રો વિ. વાસ્તવિક લોકો : હાલમાં શું સ્થિતિ છે?

હર્ષદ મેહતા:

હર્ષદ મેહતાના રોલમાં પ્રતીક ગાંધી

મહેતા થાણે જેલમાં ક્રિમિનલ કસ્ટડીમાં હતા. મોડી રાત્રે મહેતાને છાતીમાં દુખાવો થવાની ફરિયાદ થતાં તેમને થાણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 31 ડિસેમ્બર, 2001 ના રોજ, 47 વર્ષની વયે, હૃદયરોગની ટૂંકી બિમારી બાદ તેમનું અવસાન થયું હતું. તેમના પછી તેમના પત્ની અને એક પુત્ર હયાત છે. કુલ મળીને તેની સામે 28 કેસ નોંધાયા હતા. એક સિવાય બધાની સુનાવણી દેશની વિવિધ અદાલતોમાં હજી ચાલુ છે. , સિક્યોરિટીઝ અને એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયાએ તેમના પર શેર બજાર સંબંધિત પ્રવૃત્તિઓ ઉપર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો.

અશ્વિન મેહતા:

અશ્વિન મેહતા

હેમંત ખેર અશ્વિન મેહતાની ભૂમિકામાં

અશ્વિન મહેતાએ 50 વર્ષની ઉંમરે કાયદાની ડીગ્રી મેળવી હતી અને તે મુંબઈ હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરતા હતા. તે હર્ષદ મહેતાની પેઢીમાં સ્ટોક બ્રોકર પણ હતા. હર્ષદ વિરુદ્ધ કાનૂની કેસ તેમની મૃત્યુ પછી તરત જ શમી ગયો હતો. જો કે, અહેવાલ મુજબ 2018 સુધી અસ્વિન મેહતા કાનૂની લડત લડી રહ્યા હતા. તેમને એક ખાસ અદાલતે નિર્દોષ જાહેર કર્યા.

જ્યોતિ મેહતા:

જ્યોતિ મેહતા

અંજલિ બારોટ જ્યોતિ મેહતાની ભૂમિકામાં

કલંકિત સ્ટોક બ્રોકર હર્ષદ મહેતાના વિધવા જ્યોતિ મહેતાએ મુંબઇ સ્થિત દલાલ સામે કાનૂની લડત જીતી હતી. હર્ષદ મેહતાના 6કરોડ રૂપિયા આ બ્રોકેરો પાસે બાકી નીકળતા હતા. સાલ 2018માં સ્પેશ્યલ કોર્ટના આદેશ પ્રમાણે બ્રોકર કિશોર જણાની અને ફેડરલ બેન્ક એ 18 ટાકા વ્યાજ સાથે આ રકમ જ્યોતિ મહેતાને ચુકવવાની હતી.

સુચેતા દલાલ:

શ્રેયા ધન્વંથરી - સુચેતા દલાલની ભૂમિકામાં

રાષ્ટ્રપતિના હાથે પદ્મ શ્રી લેતા સુચેતા દલાલ

સ્ટેટેસ્ટિક્સ અને લૉ ની ડિગ્રી ધરાવનારા સુચેતા દલાલ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના બીઝનેસ અને ઇકોનોમિક્સ શાખામાં પત્રકાર રહી ચુક્યા છે. હર્ષદ મેહતા સીક્યુરીટી સ્કેમ, એનરોન સ્કેમ તથા આઈડીબીઆઈ સ્કેમ અને કેતન પારેખ સ્કેમ જેવા કૌભાંડો બહાર લાવવાનો શ્રેય એમને જાય છે.


2006ની સાલમાં પત્રકારત્વમાં ઉત્કૃષ્ટ સેવા બદલ તે સમયના રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામના હાથે પદ્મ શ્રી નો અવૉર્ડ મેળવી ચુક્યા છે.


2006ની સાલથી તેઓ મનીલાઇફ મેગેઝીનમાં પોતાના લેખ લખે છે.


દેબાશીશ બાસુ:


1992 માં હર્ષદ મહેતા કૌભાંડની તપાસ કરનારા પત્રકારોમાંના તે એક હતા. હાલમાં તેઓ મનીલાઇફ મેગેઝીન ચલાવે છે, જે રોકાણ અંગેનું પખવાડિયું સામયિક છે. સુચેતા દલાલ તેમના ધર્મપત્ની છે. અને સ્કેમ 1992 એ તેમનુ અને સુચેતા દલાલ દ્વારા લિખિત પુસ્તક છે.




મનુ માણેક:


સતીશ કૌશિક, મનુ માણેક મુન્દ્રા -બ્લેક કોબ્રાની ભૂમિકામાં


તે સૌથીમોટા મારવાડી કાર્ટેલ બેર કાર્ટલનું નેતૃવ કરતા હતા. ધીરુભાઈ અંબાણી સાથેની સ્પર્ધામાં તેમનું પતન થયું હતું. તેમના વિરુદ્ધ એક પણ કૌભાંડ નો આરોપ નથી. શેર માર્કેટમાં કોમ્પ્યુટર યુગ આવતા તેમણે માર્કેટમાંથી વિદાય લીધી હતી. પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં તેમનો વાસ્તવિક ફોટો ઉપલબ્ધ નથી.



રાધાકિશન દામાણી:

પરેશ ગણાત્રા - રાધાકિશન દામાણી ની ભૂમિકામાં

રાધાકિશન દામાણી

રોકાણકાર અને ડી માર્ટ ના માલિક એવા રાધાકિશન દામાણી બેર કાર્ટેલના મનુ માણેક તથા હર્ષદ મેહતા એમ બંને સાથે સબંધ ધરાવતા. તેમણે 2000ની સાલમાં સ્ટોક માર્કેટને અલવિદા કર્યું હતું.આજે તેમની પાસે 17.8 બિલિયન ડોલરની સંપત્તિ છે અને દેશના મુખ્ય 10 અમીરોની યાદીમાં સ્થાન પામ્યા છે.

રાકેશ ઝુનઝુનવાલા:

કેવિન દવે - રાકેશ ઝુનઝુનવાલા ની ભૂમિકામાં

હાલમાં હર્ષદ મેહતાના સ્કેમ પછી સ્ટોક માર્કેટમાં બોલાતું સૌથી મોટું નામ રાકેશ ઝુનઝુનવાલા છે. રાધાકિશન દામાણી સ્ટોક ને લગતા જ્ઞાન માટે ઘણીવાર તેમને ક્રેડિટ આપે છે તો સામે ઝુનઝુનવાલા દામાણી ને પોતાના ગુરુ ગણે છે. રેર એન્ટરપ્રાઈઝ નામની એસેટ મનેજમેન્ટ કંપની ધરાવે છે અને 2.5 બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે દેશના અમીરોની યાદીમાં 34મુ સ્થાન ધરાવે છે.



આતુર મેહતા:


બિઝિનેસ સ્ટાન્ડર્ડ અને મનીકંટ્રોલ પોર્ટલના જણાવ્યા પ્રમાણે, 2018ના વર્ષમાં હર્ષદ મેહતા ના પુત્ર આતુર હર્ષદ મેહતા, બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિસ્ટેડ ટેક્સટાઇલ કંપની ફેરડીલ ફિલામેન્ટ્સમાં 3 કરોડ રૂપિયામાં 7.25 લાખ શેર એટલેકે લગભગ 12 ટકા હિસ્સો ખરીદી ચુક્યા છે.


"સ્કેમ 1992: ઘી હર્ષદ મેહતા સ્ટોરી" એક અદભુત સિરીઝ છે અને IMBD ઉપર 9.2/10 નું ઊંચું રેટિંગ ધરાવે છે.

રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી, કરંટ અફેર્સ વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature