ભારતના ખેડૂત આંદોલનો

ભારતમાં ખેડૂત આંદોલન હમણાં ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશના ભૂમિપુત્રો દિલ્લી ના સીમાડે ધામો નાખીને બેઠા છે. તેમના મત પ્રમાણે સરકારે જે ખેતી વિષયક નવો કાયદો બનાવ્યો છે એ કાયદો સરકાર પાછો ખેંચી લે. જયારે સરકાર નું કેહવું છે કે આ કાયદો ખેડૂતોના જ ભલા માટે છે. પરંતુ બંને પક્ષોની કેટલીય બેઠકો પછી હજી પણ કોઈ ઠોસ ઉકેલ આવી રહ્યો નથી.



આ લેખમાં જોઈશું કે, બ્રિટિશ ઇન્ડિયામાં જયારે આવા ખેડૂત સત્યાગ્રહો થતા ત્યારે બ્રિટિશ સરકાર તેનું કેવી રીતે નિરાકરણ લાવતી અથવાતો તે સમયે ખેડૂતો કઈ રીતે પોતાની માંગ માનવી લેતા.

સરદાર અજીતસિંહ (ભગતસિંહના કાકા) અને ભગતસિંહ

પઘડી સંભાળ જટ્ટ પઘડી સંભાળ આંદોલન

કાયદો શું હતો ?



સાલ 1879 માં, બ્રિટિશ સરકારે ચિનાબ નદીમાંથી લ્યાલપુર (હાલના ફૈસલાબાદ, પાકિસ્તાન) તરફ

બિન વસાહતી વિસ્તારમાં વસાહતો સ્થાપવા માટે 'અપર બારી દોઆબ કેનાલ' બનાવી અને ખેડુતોને મફત જમીન ફાળવવાનું વચન આપ્યું. આમ, ખેડુતો તેમને ફાળવવામાં આવેલી નવી જમીનોમાં સ્થાયી થયા ત્યાં ખેતી શરુ કરી.



ઉપર જણાવેલા કાયદાની અમલવારી સાથે, બ્રિટીશ સરકાર આ જમીનોની મુખ્ય માલિક બની અને ખેડુતોના માલિકીના અધિકારને નકારી દીધા, જેથી તેઓ ફક્ત પાકના ભાગીદાર બન્યા.



નવા કાયદાઓમાં પણ ખેડૂતોને તે જમીનો પર મકાનો બાંધવા અથવા ઝાડ ઉગાડવા પર પણ પ્રતિબંધ હતો. કાયદામાં એમ પણ જણાવાયું છે કે જો મોટા પુત્રનું પુખ્તાવસ્થામાં જતા પહેલા મૃત્યુ થાય, તો જમીન સરકારની મિલકત બની જશે અને નાના પુત્રને આપવામાં આવશે નહીં.



વિરોધ શું હતો?



આ કાયદાએ બ્રિટિશ શાસકો સામે વ્યાપક અશાંતિ પેદા કરી.



પંજાબ અને હરિયાણા આ વિરોધ પ્રદર્શનના નવા કેન્દ્ર તરીકે ઉભરી આવ્યા હતા અને સરદાર અજિતસિંહે આંદોલનના કેન્દ્ર તરીકે લ્યાલપુરની પસંદગી કરી હતી, કારણ તેમાં પંજાબના લગભગ તમામ ભાગોના લોકો હતા જેમાં સૈન્ય સેવાનિવૃત્તોનો સમાવેશ થતો હતો જે લશ્કરમાં બળવો કરવા ઉપયોગી સાબિત થઈ શકે તે ઉદ્દેશ ધ્યાનમાં લેવામાં આવ્યો હતો.



3 માર્ચ 1907ના રોજ બી કે દયાલ (જંગ સયાલ અખબારના તંત્રી) દ્વારા લ્યાલપુર (હાલના ફૈસલાબાદ , પાકિસ્તાન) માં ખેડૂત રેલીમાં પેહલીવાર "જટ્ટ પાઘડી સંભાળ ( ઓ ખેડૂત તારી પાઘડી સંભાળ ) ગીત ગાવામાં આવ્યું.



આ ગીત દોઆબ બારી એક્ટ, પંજાબ લેન્ડ કોલોનાઈઝેશન એક્ટ અને પંજાબ એલીએનેશન એક્ટ ના વિરોધનું ગીત બની ગયું.



આ રેલી સરદાર અજિત સિંહ (ભગતસિંહ ના કાકા ), કિશન સિંહ ( ભગતસિંહના પિતા ), ઘસીતા રામ અને સૂફી અંબા પ્રસાદ દ્વારા યોજવામાં આવી હતી.



આંદોલનનું પરિણામ શું આવ્યું ?



વ્યાપક રોષના સાક્ષી બન્યા પછી, બ્રિટિશ વહીવટીતંત્રએ વિરોધ પ્રદર્શન પર નિયંત્રણ મુકવા કાયદામાં સુધારા કરવાની ફરજ પડી હતી.






ચંપારણ સત્યાગ્રહ


ગાંધીજી - ચંપારણ સત્યાગ્રહ

ગાંધીજીના સાઉથ આફ્રિકાથી ભારત આગમન થયા પછી સાલ 1917માં બિહારના ચંપારણ ખાતે સત્યાગ્રહ કરવામાં આવ્યો.



શું હતો મુદ્દો?



બિહારમાં નીલ (indigo ) રોકડ પાક હોવાના લીધે તેની ખેતી શરુ થઇ. પરંતુ વધુ પાણીની માંગ અને જમીનને અફળદ્રુપ બનાવતી આ ખેતી ખેડૂતોમાં પસંદગીનું સ્થાન પામી નોહતી. ખેડૂત એના કરતા ધાન, કઠોળ વગેરે પાકોને મહત્વ આપતા. બ્રિટિશ સંસ્થાનવાદીઓ દ્વારા ખેડૂતો પર જુલમ કરીને નીલ ની ખેતી માટે ફરજ પાડવામાં આવતી તે માટે તેઓ સ્થાનિક નવાબો અને જમીનદારો સાથે જોડાણ કરતા અને અંતે જમીન વંધ્ય થતા ખેડૂત બરબાદ થતો.




સત્યાગ્રહ



રામપ્રસાદ શુક્લ તથા ડો. રાજેન્દ્રપ્રસાદ જેવા નેતાઓના નિમંત્રણથી ગાંધીજી ચંપારણ પહોંચે છે. તેમને બ્રિટિશ સરકાર તરફથી ત્યાં જવાની પરવાનગી નથી હોતી. પરંતુ તેની અવગણના કરી તેઓ પહોંચે છે જ્યાં તેમનું ભરપૂર સ્વાગત થાય છે. હજારોની સંખ્યામાં ખેડૂતો અને લોકો આ સત્યાગ્રહમાં જોડાય છે. ગાંધીજીને મિજિસ્ટ્રેટ 100 રૂપિયા દંડ લગાવે છે પરંતુ ગાંધીજી એ ભરવા માટે પણ તૈયાર થતા નથી. અને ધીરે ધીરે ચંપારણ સત્યાગ્રહ વ્યાપક બને છે. નાગરિક અસહકાર ચળવળનું આ એક ઉત્તમ ઉદાહરણ બની રહે છે.



પરિણામ



ચંપારણ સત્યાગ્રહ સામે બ્રિટિશ સરકારે ઝુકવુ પડ્યું અને ગાંધીજીના સૂચનો પ્રમાણે 135 વર્ષથી ચાલતી નીલની ખેતી સંપર્ણપણે બંધ કરવી પડી.




ખેડા સત્યાગ્રહ

ગાંધીજી સાથે સરદાર પટેલ - ખેડા સત્યાગ્રહ

સરદાર પટેલ અન્ય મહાનુભાવો સાથે - ખેડા સત્યાગ્રહ

ચંપારણ સત્યાગ્રહની સફળતા પછી ગુજરાતના ખેડા ખાતે 1918માં ગાંધીજી દ્વારા ખેડા સત્યાગ્રહ શરુ કરવામાં આવ્યો. જેમાં તેમની સાથે સરદાર પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક, મહાદેવભાઈ દેસાઈ વિગેરે પણ જોડાયેલા હતા.



સરદાર પટેલે ગામેગામ ફરી આકરા કર સામે વિદ્રોહ શરુ કર્યો. જેમાં તમામ જાતિ અને સમુદાયના ખેડૂતો એકઠા થયા. ખેડૂતોની માંગ એ હતી કે દુષ્કાળના પગલે આ વર્ષે વેરાને રદ્દ કરવામાં આવે. આ માંગ સાથેની અરજી પર ખેડૂતોએ હસ્તાક્ષર કર્યા. બોમ્બેની સરકારે આ અરજી નકારી કાઢી અને ધમકી આપી કે જો ખેડૂતો કર નહિ ભારે તો તેમની જમીન જપ્ત કરી લેવામાં આવશે અને તેમની ધરપકડ કરવામાં આવશે.



સરકારે કલેક્ટર અને નિરીક્ષકોને જમીન અને પશુઓ કબ્જે લેવા મોકલ્યા. બીજી તરફ, ખેડૂતોએ પોતાની ધરપકડનો સહેજપણ પ્રતિકાર ન કર્યો, કોઈ પ્રકારની હિંસા ન કરી અને ન તો કોઈ પ્રકારની ઉગ્રતા બતાવી.



આ એક શિસ્તબદ્ધ પ્રકારનું આંદોલન હતું જેમાં ખેડાના ખેડૂતોએ અભૂતપૂર્વ એકતા બતાવી હતી.



પરિણામ



આ સત્યાગ્રહના અંતે સરકારે ઝૂકવું પડ્યું, ચાલુ વર્ષ તથા આગલા વર્ષનો કર લેવાનું સરકારે મોકૂફ રાખ્યું અને જપ્ત કરેલી સંપત્તિ પણ પાછી આપવા સંમતિ દર્શાવી.





બારડોલી સત્યાગ્રહ

બારડોલી સત્યાગ્રહની જીત પછી સુરત ખાતે જાહેરસભા કરતા સરદાર પટેલ

બારડોલી સત્યાગ્રહની જીત પછી અમદાવાદ ખાતે સરઘસ - સરદાર પટેલ

બારડોલી સત્યાગ્રહ જૂન 1928માં ગુજરાતમાં થયેલું એક પ્રમુખ ખેડૂત આંદોલન હતું. જેનું નેતૃત્વ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું.



બ્રિટિશ સરકારે કર 22 ટકાની વૃદ્ધિ કરી દીધી હતી જેથી ખેડૂતો ત્રાહિમામ હતા. પટેલે બારડોલીમાં શિબિર ઉભો કર્યો અને તેમાં સેંકડો મહિલા અને પુરુષોને સંગઠિત કર્યા. દરેક સમુદાયમાંથી સ્વયંસેવકો જોડાયા. શિબિરમાં શિસ્તબદ્ધ અને અહિંસક આંદોલન વિષે વિશેષ માહિતી અપાતી. તેમણે આંદોલનનો વ્યાપ વધારવા ડોર-ટુ-ડોર પ્રચાર શરુ કર્યો. ખેડૂતોને કરની ચુકવણી ન કરવા માટે કટિબદ્ધ કરાયા. કે એમ મુન્શી અને લાલજી નારણજીએ બોમ્બે વિધાનસભામાંથી રાજીનામુ આપ્યું. આંદોલન સ્થાનિક હતું પરંતુ આખા દેશનું ધ્યાન પોતાના તરફ આકર્ષવામાં સફળ રહ્યું.



પરિણામ:



વસ્તુઓ હાથમાંથી નીકળી શકે તેના ડરથી બ્રિટિશ સરકારે આ મામલાની તપાસ માટે મેક્સવેલ-બ્રૂમફિલ્ડ કમિશનની રચના કરી. કર 22 ટકાથી ઘટાડીને 6.03% કરવામાં આવ્યો. ખેડુતોને તેમની જપ્ત થયેલી જમીન પરત કરવામાં આવી હતી. સરદાર પટેલ બારડોલી સત્યાગ્રહની સફળતા બાદ રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરી આવ્યા હતા.





રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી, કરંટ અફેર્સ વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature