ગુજરાતી ભાષાનું સંવર્ધન કરનારા બે મિત્રોની વાત



ભારતમાં આઝાદી પછી રાજ્યોના વિભાજન નો આધાર "ભાષા" હતો. અને એ રીતે આપણું ગુજરાત અસ્તિત્વમાં આવ્યું. 11મી સદીમાં વિદ્વાન જૈનાચાર્ય હેમચંદ્ર "સિદ્ધહેમશબ્દાનુશાશન" આપણને આપી ગયા. આ અપભ્રંશ ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ હતો. અપભ્રંશ ગુજરાતી એટલા માટે કે આજે આપણે જે ગુજરાતી બોલીએ કે લખીએ છીએ એ મોડર્ન ગુજરાતી એનાથી ઘણું જુદું છે. અપભ્રંશમાં લખાતું "કવણ” સમય જતા "કોણ" થયું. 14-15મી સદીના ગુજરાતના કવિઓ પોતાની ભાષાને “ગુજરાતી” એવું નામ ઘણી વાર આપતા ન હતા અને “પ્રાકૃત” કે “અપભ્રંશ” નામ આપતા હતા. મધ્યયુગીન ગુજરાતી કાવ્ય રચનાઓમાં નરસિંહ મેહતા અને મીરાંબાઈનો ભક્તિ રસ જોવા મળે છે. ત્યારે પ્રકૃતિ, પ્રેમ, વિલાપ જેવા વિષયો પર રચનાઓ ઓછી કે ન બરાબર જોવા મળે છે. આ ગ્રંથના લગભગ 800 વર્ષ પછી બે મિત્રો ગુજરાતી ભાષાને એક નવું સ્વરૂપ આપવાનું બીડું ઝડપે છે.


ગ્લોબલાઇઝેશન , ડાઇસપોરા એન્ડ બિલોન્ગિન્ગ પુસ્તકમાં 17મી સદીનો ભાષાનો વંશવેલો વ્યંગ કવિતા સ્વરૂપે રજુ કરવામાં આવ્યો છે. "ઇધર ઉધર કા સોલહ આના(હિન્દી નું મૂલ્ય 16 આના-એક રુપીયો) ઊથે કત્થે કા બારહ આના (મરાઠીના બાર આના) ઈકડમ તિકડમ કા આઠ આના (મારવાડી ના આંઠ આના) શું શા ના પૈસા ચાર (ગુજરાતી ના 4 પૈસા).


પ્રખ્યાત બાલ કવિતા "ઊંટ કહે આ સભામાં......" ના રચયિતા કવિ શિરોમણી દલપતરામ, મૂળ વઢવાણના અને એમની શરૂની રચનાઓ સંસ્કૃત કે બ્રીજભાષમાં કરતા કેમકે, 19મી સદીમાં ગુજરાતી ભાષા એટલી પ્રચલનમાં નોહતી. ચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા અને વેદ શાસ્ત્રોનું જ્ઞાન ધરાવતા યુવાન દલપતરામ પોતાને ધાર્મિક લેખન કે પ્રવચનો સુધી મર્યાદિત કરવા માંગતા ન હતા. પોતના સમાજીક સુધાર વિચારોમાં કાર્યરત કવિ દલપતરામની મુલાકાત સાલ 1848માં એલેકઝાન્ડર કિનલોચ ફાર્બસ સાથે થાય છે. આ મુલાકાત ગુજરાતી ભાષાને આવનારા સમયમાં નવું રૂપ આપવા જઈ રહી હોય છે.


મૂળ બ્રિટિશ એલેકઝાન્ડર ફાર્બસ એ સમયની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ખૂબ જ પ્રતિષ્ઠિત ગણાતી ઇન્ડિયન સિવિલ સર્વિસ માં નિમણુંક પામી મુંબઈ રાજ્યમાં પોતાની ફરજ શરુ કરે છે. સાલ 1846માં અમદાવાદ ખાતે આસિસ્ટન્ટ જજ તરીકે તેમની નિમણુંક થાય છે.


કવિ દલપતરામની મુલાકાત ફાર્બસ સાહેબ સાથે પોતાના એક વિદ્યાર્થી ભોળાનાથ દ્વારા થાય છે. ફાર્બસ સાહેબનો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ અને કવિ દલપતરામની ગુજરાતી ભાષા પરની પકડ બંનેની મિત્રતા વધુ ગાઢ કરે છે. સાલ 1848 ના ડિસેમ્બર મહિનામાં ફાર્બસ સાહેબ ગુજરાતી ભાષા અને સાહિત્યને પ્રોત્સાહન આપવાના હેતુથી તથા શિક્ષણ નો વિકાસ થાય એ હેતુથી કવિ શ્રી દલપતરામની મદદથી “ગુજરાત વર્નાકયુલર સોસાયટી” ની સ્થાપના અમદાવાદ ખાતે કરે છે, જે ગુજરાતી ભાષાના પ્રોત્સાહન માટે ગઠિત પ્રથમ સંસ્થા બની રહે છે.



બંને મિત્રો રોજના 2 કલાક જેટલો સમય ગુજરાતી ભાષા માટે આપતા. કવિ શ્રી દલપતરામ ની મદદથી ફાર્બસ સાહેબ ગુજરાતીમાં નિપુણતા હાંસલ કરે છે. તેજ રીતે ફાર્બસ સાહેબના પ્રોત્સાહનથી કવિ શ્રી દલપતરામ ગુજરાતીમાં "ભૂત નિબંધ" ની રચના કરે છે, જે તે સમયમાં ચાલતી ભૂત, પિશાચ જેવી અંધશ્રદ્ઘા જેવા સામાજિક વિષય પર ની પ્રથમ ગદ્ય રચના છે. આજ રીતે ફાર્બસ સાહેબ કવિ શ્રી દલપતરામને સાલ 1849માં ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક "લક્ષ્મી નાટક" રચવા પ્રેરે છે, જે ગ્રીક નાટક પ્લુટુસ પર આધારિત છે. આ પહેલાં પ્રાચીન કે મધ્યયુગીન ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારની સુધારાવાદી રચનાઓ જોવા મળતી નથી.


સાલ 1850 થી 1856 દરમિયાન ફાર્બસ સાહેબ ગુજરાતના પ્રાચીન ઈતિહાસને લગતી માહિતી, વહીવટીય પુસ્તકો, રાસના ભંડાર, જૈન દેવાલયો, વાવ, કુવા તથા છત્રીઓ ઉપરના લેખો, પ્રાચીન ગ્રંથો જેવાકે પ્રબંધચિંતામણી, દયાશ્રય, શત્રુંજય માહાત્મ્ય, કુમારપાળચરિત્ર વિગેરે ગ્રંથો એકત્ર કરી એની વિસ્તૃત તવારીખ (કાળક્રમાનુસાર બનાવોની યાદી) તૈયાર કરે છે. એમાં એમને કવિ શ્રી દલપતરામનો પૂર્ણ સહયોગ મળી રહે છે. સાલ 1856માં ફાર્બસ સાહેબ દ્વારા રચિત ગુજરાતના ઇતિહાસ પર આધારિત રાસમાળા બે ગ્રંથોમાં પ્રકાશિત થાય છે. રાસમાળામાં 4 વિભાગો છે. વિભાગ-1 માં પ્રાચીન સમયનો ઇતિહાસ, વિભાગ-2 માં સલ્તનતકાળનો અને વિભાગ-3 માં મરાઠા અને બ્રિટિશકાળનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. વિભાગ-4 માં શહેરોનો નિવાસ, જમીન વહીવટ, લગ્ન, ઉત્તરક્રિયા, શ્રાદ્ધ વગેરે વિશેની માહિતી આપવામાં આવી છે. સાલ 1869માં મુંબઈની ફાર્બસ ગુજરાતી સભા, આ પુસ્તકનું ગુજરાતી અનુવાદ કરી પ્રકાશિત કરે છે.





સાલ 1855માં ફાર્બસ સાહેબ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ના સેક્રેટરી પદે કવિ શ્રી દલપતરામની નિમણુંક કરે છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા પ્રથમ સાપ્તાહિક ગુજરાતી વર્તમાનપત્ર "વરતમાન" શરુ થાય છે. તે દર બુધવારે પ્રકશિત થતું હોવાથી "બુધવારિયુ" પણ કહેવાતું. તેજ રીતે સોસાયટી દ્વારા પ્રથમ ગુજરાતી માસિક મેગેઝીન "બુદ્ધિપ્રકાશ" શરુ કરવામાં આવે છે. કવિ શ્રી દલપતરામ આ બંને પ્રકાશનોમાં તંત્રી લેખ તેમજ કાવ્યો લખતા રહે છે અને 33 વર્ષ સુધી સક્રિય રીતે સોસાયટીની સેવા કરે છે.



સાલ 1863માં ગુજરાતી ભાષાને અપનાવવાની અને પ્રોત્સાહન આપવાની સત્તાવાર અરજી બરોડા સ્ટેટ કોર્ટમાં કરવામાં આવે છે. જેમાં અંગ્રેજ અધિકારી કુર્ટીસ તરફથી શ્રી દલપતરામને મોકલવામાં આવે છે. તેઓ પોતાને મહારાજા ખંડેરાવ ગાયકવાડ સમક્ષ “રુડી ગુજરાતી વાણી રાણીના વકીલ” તરીકે રજુ કરે છે અને સત્તાધીશને ગુજરાતી ભાષાને પ્રોત્સાહન અને ઉત્તેજન આપવા માટે કહે છે.


સાલ 1852માં ઇડર સ્ટેટમાં ફાર્બસ સાહેબ ગુજરાતી કવિઓનું સંમેલન યોજે છે. જેનું વર્ણન કવિશ્વર શ્રી દલપતરામ પ્રખ્યાત કાવ્યસંગ્રહ "ફાર્બસવિલાસ" માં કરે છે.


1865ની સાલમાં ફાર્બસ સાહેબનું અકાળે અવસાન થાય છે અને પોતાના મિત્રને ગુમાવાના દુઃખમાં કવિ શ્રી દલપતરામ વિલાપ કાવ્ય "ફાર્બસવિરહ" ની રચના કરે છે.


ગુજરાતી ભાષાને એક અનેરા મુકામે લઇ જવા માટે આ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર.



રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ રાઇટર

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ટેક્નોલોજી વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature