મુઘલ રાજવંશનું એક અનોખું વ્યક્તિત્વ

દારા શિકોહ

અજમેર ખાતે દારાનો જન્મ. માતા મુમતાઝ મહેલ

છેલ્લા કેટલાક સમયથી વખતોવખત સમાચાર સાંભળતા હોઈએ છીએ કે સરકાર એક વ્યક્તિની કબર શોધી રહી છે. અને તે માટે સાંસ્કૃતિક મંત્રાલય ભારત સરકારે ગત વર્ષ સાત સભ્યોની ( આર્કિઓલોજિસ્ટ) ની કમિટી પણ બનાવી હતી. જેના રિપોર્ટની રાહ હજી જોવાઈ રહી છે.



આ લેખમાં હું એ જણાવવાની કોશિશ કરીશ કે આ વ્યક્તિ આખરે છે કોણ જેમાં સરકાર આટલો રસ લઇ રહી છે. અને આ માટે મારે તમને આશરે પાંચસો વર્ષ પહેલાના ઇતિહાસમાં લઇ જવા પડશે.



અહીં વાત છે મુઘલ શેહજાદાની જે તેના પિતાની અન્ય સંતાનોની સરખામણીમાં અત્યંત નિકટનો માનવામાં આવે છે. એ છે દારા શિકોહ.

કોણ હતો દારા શિકોહ ?


મુઘલ શાશનની શરૂઆત બાબરથી થઇ. બાબર બાદ તેનો પુત્ર હુમાયુ. ત્યારબાદ જલાલુદ્દીન અકબર. તે પછી જહાંગીર , ત્યારબાદ શાહજહાં.



શાહજહાંની સંતાનોમાં મોટો પુત્ર દારા શિકોહ.( જન્મ 20 માર્ચ, 1615 )



પિતાની વધુ નિકટ હોવાને લીધે તે સ્વાભાવિક રીતે પસંદગીનો વારસદાર હતો અને તેને પાદશાહે-એ-બુઝુર્ગ મર્તબા (Prince of High Rank) ના ખિતાબથી સન્માનવામાં આવ્યો હતો.



દારા તેના રૂઢિવાદી અને ક્રૂર નાના ભાઈ આલમગીર ઔરંગઝેબની સરખામણીમાં ઉદારવાદી અને બિન રૂઢિવાદી મુસ્લિમ હતો. અને આ ગુણ તેના આચરણમાં પણ જોવા મળતા.



દારા તેના પિતા શાહજહાં સાથે

દારા તેના પિતા અને અન્ય ભાઈઓ સાથે, હવેલી- યમુના કિનારે

શાંહજહાંના કાળમાં મુઘલ સામ્રાજ્ય

દારા શિકોહ અને હિન્દૂ ધર્મ

અકબર ના દરબાર ના ઇતિહાસકાર અબુ ફઝલે મહાભારતનું ફારસી ભાષામાં સૌપ્રથમ અનુવાદ કર્યું. ત્યારે મકતાબ ખાના ( ટ્રાન્સલેશન બ્યુરો ) અસ્તિત્વમાં હતું.



શાહજહાં ને કલા અને સંસ્કૃતિ પ્રત્યે અનેરો પ્રેમ હતો. અને એની ઝાંખી તેના મોટા પુત્ર દારા માં સ્પષ્ટ રીતે જોવા મળતી હતી.



શાહજંહાના કાર્યકાળમાં દિલ્હીમાં જે ગ્રંથાલયનું નિર્માણ થયું તેની દેખરેખ દારા શિકોહ દ્વારા થતી.



દારા શિકોહ લાઈબ્રેરી, દિલ્હી

દારાએ ઇસ્લામ અને હિન્દુ ધર્મ વચ્ચેની સામાન્ય રહસ્યવાદી ભાષા શોધવા તરફ ખૂબ પ્રયત્નો કર્યા. હિન્દુ દર્શનમાં એકેશ્વરવાદ માટે તેની આધ્યાત્મિક ખોજ એક સતત પ્રક્રિયા હતી.



આ કુતુહલતાને વશ તે 15મી સદીમાં સંસ્કૃત ભાષામાં લખાયેલા ઉપનિષદોનું બનારસના 50 બ્રાહ્મણોની મદદ લઇ ફારસી ભાષામાં ભાષાતર કરે છે કે જેથી મુસ્લિમ વિદ્વાનોને ઉપનિષદોનો ગહન અર્થ સમજાઈ શકે. તેણે કરેલ અનુવાદ સિર-એ-અકબર કહેવામાં આવે છે (ધ ગ્રેટેસ્ટ મિસ્ટ્રી, જે 1657 માં પૂર્ણ થયું હતું). જેમાં તે હિંમતભેર જણાવે છે કે કુરાનમાં આવેલ એકેશ્વરવાદની પરિકલ્પના કિતાબ-અલ-મકનૂન, મૂળ ઉપનિષદ સિવાય બીજું કઈ નથી. તેની સૌથી પ્રખ્યાત કૃતિ મજમા-ઉલ-બેહરીન (બે સમુદ્રોનો સંગમ ) પણ સૂફી અને વેદાન્તિક દર્શનોની રહસ્યવાદી વાતો બહાર લાવવા માટે સમર્પિત હતી.



દારા સંસ્કૃતનો વિદ્વાન હતો. તેમણે પ્રથમ "ઈશાવાસ્યઉપનિષદ" નું ફારસીમાં ભાષાંતર કર્યું. તે સત્યનો શોધક હતો, અને સત્યની શોધમાં, કુરાન, ઓલ્ડ ટેસ્ટામેન્ટ, ન્યુ ટેસ્ટામેન્ટ અને કેટલાક પંડિતોની મદદથી વેદનો અભ્યાસ કર્યો.



દારા મંદિર નિર્માણમાં મદદ કરતા, અને આજ ચિત્રમાં ઔરંઝેબ મંદિરને ઘ્વસ્ત કરતો.

ઔરંગઝેબે ગોલકુંડાના રાજ્ય પર અપમાનજનક શરતો લાદી દીધી. દારાએ તુરંત શાહજહાં પાસે દુશ્મનાવટ બંધ કરવાના આદેશો મેળવ્યા

તેની શોધના પરિણામ રૂપે, તેણે નીચેની ટિપ્પણી કરી, 'ક્રમિક સંશોધન પછી, હું આ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે કુરાન, ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને ન્યુ ટેસ્ટામેન્ટ વગેરે જેવા સ્વર્ગીય પુસ્તકોના ઘણા સમય પહેલા, બ્રહ્મ ચાર પુસ્તકો રિગ્વેદઃ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદના માધ્યમથી હિંદુઓ માટે સર્વોચ્ચ હતા. કોઈ નસીબદાર વ્યક્તિ, જેણે પોતાના પ્રદૂષિત મનના સ્વાર્થનો ત્યાગ કર્યો છે, અને બ્રહ્મ માટે થઇ, પક્ષપાતી વલણ રાખ્યા વગર, ઈશોપનિષદ ના મારા અનુવાદનો અભ્યાસ કરશે, તે મુક્તિ પ્રાપ્ત કરશે અને મૃત્યુ, ભય અને દુખથી મુક્ત થશે.'



તે વધુમાં જણાવે છે, 'સત' એ કોઈ એક ધર્મ કે જાતિની જાગીર નથી, પરંતુ તે બધા ધર્મો અને અને દરેક ને મળી શકે છે (દારા શિકોહ, શાથિયત).



દારાએ અન્ય ધર્મોનું સાહિત્ય જ વાંચ્યું ન હતું, પરંતુ તે ધર્મની વિદ્વાન માણસો સાથે વાતચીત કરી આદર પણ આપ્યો હતો.



દારા પંડિતો અને સન્યાસીઓની સંગમાં ઉપનિષદનો અનુવાદ કરતા

દારા પાદરીઓ સાથે ચર્ચા કરતાં


‘મુકાલીમા-એ-દારા શિકોહ વ બાબા લાલ’ દારા શિકોહ અને બાબા લાલ વચ્ચે આધ્યાત્મિક ચર્ચા કરે છે, બાબા લાલ પંજાબના એક હિન્દૂ આદ્યાત્મિક સંત હતા.



દારાએ બનારસના પંડિતોની મદદથી વેદો અને ઉપનિષદો માં છુપાયેલ "ઐક્ય નું હોવું" વહાદત-એ-વજૂદ નું પ્રચંડ કાર્ય હાથમાં લીધું હતું. આમાં, તે દલીલ કરે છે કે હિન્દુઓ એકેશ્વરવાદને નકારતા નથી, ઉપનિષદ એક પ્રાચીન કૃતિ છે જે એકેશ્વરવાદના સમુદ્રનો ફુવારો છે.



કેટલાક ઇતિહાસકારોના માટે પ્રમાણે ભગવદ ગીતાનું નું ભાષાંતર પણ દારા શિકોહે કર્યું હતું.



દારાની સંત બાબા લાલ સાથે ચર્ચા

દારાનો કઈ રીતે અંત થયો?


સાલ 1658 માં સમુગઢના યુદ્ધમાં આ સૂફી રાજકુમારનો તેના જ નાના ભાઈ ઔરંઝેબનાં હાથે પરાજય થયો. દારાએ અફઘાનિસ્તાનના દાદરમાં આશરો લેવો પડ્યો. પરંતુ યજમાન શાશકે દારાને દગો આપ્યો.



દારાને ફક્ત હરાવવો તેના ભાઈ માટે પૂરતું નોહતું. પરંતુ ઔરંગઝેબ શાહજનાબાદ (દિલ્હી) ના લોકોની " ઉચ્ચ નસીબ ધરાવતા યુવરાજ (દારા) પ્રત્યેની આરાધના/ ભક્તિ ને પણ નેસ્તનાબૂદ કરવા માંગતો હતો. દારાને સાંકળમાં બાંધી ને હાથી પર સવાર કરીને શહેરની ગલીઓમાં ફેરવાવમાં આવે છે.

દારા નું કપાયેલું માથું નિરીક્ષણ કરતો ઔરંગઝેબ

દારા નું ધડથી અલગ માથું તેના પિતા શાહજહાં ને અપાયું


દારા શિકોહના ફ્રેન્ચ ફૂઝિશ્યન ફ્રેંકોસિસ બર્નિયર આ ઘટનાના સાક્ષી હતા. તેઓ પોતાના પુસ્તકમાં નોંધે છે કે "આ એક દ્વેષપૂર્ણ અને ધ્રુણાષ્પદ નજારો હતો જે જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. લોકો રડી રહ્યા હતા અને શોક વ્યક્ત કરી રહ્યા હતા. પુરુષો, મહિલાઓ અને બાળકો એવી રીતે રડતા હતા કે આ દુઃખદ ઘટના એમની સાથે જ ઘટિત થઇ હોય.




ઔરંઝેબનાં ઉલેમાઓ દ્વારા તેના પર "ધર્મત્યાગ" નો આરોપ ઘડવામાં આવે છે. સાલ 1659 માં તેની કતલ કરવામાં આવી. તેના મૃત શરીને હાથીની પીઠ પર મૂકી દિલ્હીના દરેક બજાર અને ગલીઓમાં ફેરવવામાં આવ્યું.




ઇતિહાસકારો ઘણીવાર દારા શિકોહને કરુણ વ્યક્તિ તરીકે ચિત્રિત કરે છે. આ એક એવું પાત્ર હતું કે જે તેના ક્રૂર ભાઈના ઇતિહાસમાં ક્યાંક છુપાઈ ગયું.




ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિદ્ધ થયેલ ખબરને આધારે, ડિસેમ્બરમાં કમિટી સામે રિપોર્ટ મુકાય ગયો છે. અને હુમાયુ મકબરા, દિલ્હી ખાતે જ દારા શિકોહની કબર હશે એવું માનવામાં આવી રહ્યું છે,



દારાની કહેવાતી કબર, હુમાયુ મકબરો દિલ્હી

રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી, કરંટ અફેર્સ વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature