પ્રાચીન ભારતની કર વ્યવસ્થા (ટેક્સ સિસ્ટમ)


તે (રાજા દિલીપ) તેની પ્રજાના કલ્યાણ માટે જ તેની પાસેથી કર વસુલતા, જેમ સૂર્ય હજાર ગણું પાણી આપવા પૃથ્વી પરથી બાષ્પ ખેંચે છે.


---------------------કાલિદાસ ("રઘુવંશમ" માં રાજા દિલીપની પ્રશંશા કરતા)



કરવેરા એ દેશના દરેક નાગરિક માટે ફરજીયાત હોય છે. કર થી થતી આવકથી સરકાર રાષ્ટ્રના લોકો માટે ચાલતી કલ્યાણ યોજનાઓ, સરંક્ષણ યોજનાઓ, ઇન્ફ્રાસ્ટ્રકટચર વિગેરેને લગતા કામો પાર પાડતી હોય છે. આમ નાગરિક માટે કર ની ચુકવણી રાષ્ટ્ર માટે અનિવાર્ય છે. ભારતની કરવેરા પદ્ધિતના મૂળ પ્રાચીન ભારતમાં છુપાયેલા છે. હમણાં આપણે જે પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા ચૂકવીએ છીએ એ વિષયક માહિતી આપણને ચાણક્ય રચિત અર્થશાસ્ત્ર તથા અન્ય ગ્રંથો જેવા કે મનુસ્મૃતિ, મહાભારત, રામાયણ, યજ્ઞવલ્ક્યાસ્મૃતિ, ગૌતમધર્મસુત્ર, વશિષ્ટધર્મસુત્ર, સુક્રાન્તિ, નીતિપ્રક્ષિકા વિગેરેમાંથી મળી આવે છે.


વેદિક સમયમાં કર વ્યવસ્થા:



રિગ્વેદમાં બલિ(અહીં ભેટ સોગાદ) શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. આ સમયે કોઈ સ્પષ્ટ કર પદ્ધતિનો ઉલ્લેખ જોવા મળતો નથી.


બલિ:સ્વૈચ્છિક રીતે રાજાને અપાતી ભેટ. જોકે આ ભેટ સોગાદો એ સમયે નિયમિત નોહતી અને તેની કોઈ નિશ્ચિત માત્રા પણ નક્કી કરવામાં આવી નોહતી.


ઈસ્વીસન પૂર્વે 4થી સદીમાં આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય(કૌટિલ્ય) એ સમયે ચાલતી કર પધ્ધતિ વિષે વિસ્તૃત માહિતી આપી જાય છે.


પ્રાચીન સંદર્ભો:


પ્રાચીન ભારતમાં ચુકવવામાં આવતો કર એ ખરેખર રાજાને શાશન ચલાવવા માટે મળતું વેતન હતું. જે આ શ્લોક દ્વારા સ્પષ્ટ થાય છે.



बलिश्ष्टेन शुल्केन दण्डेनाथापराधिनाम |

शास्त्रानितेन लिप्तेथा वेतनेन धनागमम || ( મહાભારત, શાંતિપર્વ )


અર્થાત, 1/6 જેટલી બલી(કર), આયાત અને નિર્યાત કર, અપરાધીઓ પાસેથી વસુલવામાં આવતો દંડ - નિયમ પ્રમાણે ભેગો કરવામાં આવેલ હોય, જે તમારું વેતન છે, જે તમારી આવક(revenue- મહેસુલ) છે.


स्वभागभृत्या दास्यत्वे प्रजानां च नृपः कृतः|

ब्रह्मणा स्वामीरूपस्तु पालनाथं हि सर्वदा || ( શુક્રાન્તિસાર )


અર્થાત, ભગવાને રાજ્યના વડા તરીકે રાજાને બનાવ્યા છે, કે જે રાજ્યના લોકોનો સેવક છે, કે જે (લોકોના અને રાજ્યના) રક્ષણ અને ઉન્નતિ માટે કર રૂપી વેતન મેળવે છે.


હિન્દુ કર પદ્ધતિના કેટલાક નિયમો હતા અને એ રીતે કર વસુલવામાં આવતો.


આચાર્ય વિષ્ણુગુપ્ત (કૌટિલ્ય) મુખ્યત્વે ત્રણ સિદ્ધાંત ઉપર ભાર મૂકે છે.


- કર ઉઘરાવવાનો અધિકાર સીમિત છે.

-કરવેરા ભારે હોવાનો અનુભવ(પ્રજા દ્વારા) થવો જોઈએ નહીં.

-કર માં વધારો ધીમે ધીમે હોવો જોઈએ.



1) नोच्छिद्यादातमनो मूल परेषां चापि तृष्णया (મહાભારત)


અર્થાત, કર વસૂલીની લાલચમાં રાજાએ પોતાનું તથા પ્રજાનું પતન કરવું જોઈએ નહિ. અહીં કર ના દર સામાન્ય(મોડરેટ) રાખવા તરફ નિર્દેશ કરાયો છે.


2) मधुदोहम दुहेराष्ट्रम भ्रमरा इव पापदम (મહાભારત )


અર્થાત, રાજાએ મધમાખી(કર વસૂલાતમાં)ની જેમ વર્તવું , મધમાખી જેમ પુષ્પને હાનિ પહોંચાડયા વગર મધ એકઠું કરે છે એમ. આ શુભાષિત દ્વારા સમજી શકાય કે કર વસુલાત પ્રજાને પીડાકારક હોવી જોઈએ નહિ.



3) જેમ જળો લોહી , વાછરડું દૂધ અને મધમાખી મધ ધીમે ધીમે અને ખુબ જ ઓછી માત્રમાં ચૂસે છે, તેમ રાજાએ આદેશો દ્વારા, તેની પ્રજા પાસેથી ખૂબ જ ઓછી માત્રામાં કર લેવો જોઈએ. ( મનુસ્મૃતિ )



4) તેણે (રાજા એ) બગીચા(રાજ્ય ) માંથી પાકા ફળ(યોગ્ય સમયે લેવાતો કર ) જ લેવા જોઈએ, કાચા ફળો(ઉતાવળે લેવાતો કર) લેવા જોઈએ નહિ, આ તેના(રાજા) વિરિદ્ધ બળવો કરનારું અને સ્વયં-વિનાશકારી સાબિત થાય. ( મનુસ્મૃતિ )



5) अलपेनाल्पेन देयेन वर्धमानं प्रदापयेत |

ततो भूयस्ततो भूयः क्रमवृद्धिम समाचरेत ||


અર્થાત, જયારે રાજ્ય સમૃદ્ધિના માર્ગે હોય ત્યારે કર નો વધારો ધીમે ધીમે કરવો જોઈએ. અહીં મંદ અને હળવાશથી વધારા માટે સૂચવાયું છે જેનું કારણ એ છે કે રાજ્યમાં આ વધારાનો વિરોધ ના થાય. એકસાથે મોટો વધારો કરવાથી પ્રજા આક્રોશિત થાય એ સ્વાભાવિક છે.



6)

न चास्थाने न चाकाले करांस्तेभ्यो निपातयेत |

आनुपूर्णवेय सांतवेन यथाकालं यथाविधि || (મહાભારત )


અસ્થાને, અકાળે કરની વસૂલી કરવી નહીં, યોગ્ય સમયે, અનુશાષિત અને યોગ્ય વિધિથી વસૂલી કરવી



7) राष्ट्रपीड़ाकरं भाण्डामुछिन्द्यादफलं च यत

महोपकारमुच्छुल्कम कुर्यादबीजं तू दुर्लभम (ચાણક્ય નું અર્થશાસ્ત્ર )

આયાત(ઈમ્પોર્ટસ) રાજ્ય માટે હાનિકારક છે અને વૈભવી મોજશોખને કર દ્વારા કાબુમાં(discourage) લેવો. આ શુભાષિતમાં આચાર્ય વિષ્ણુગુપ્ત સ્પષ્ટ રીતે વૈભવી મોજશોખને રાષ્ટ્ર માટે વિશેષ આવકનું સાધન માને છે.



8) રાજ્ય માટે ઉપયોગી વસ્તુઓને આયાત કરમાંથી મુક્તિ આપવી



9) शास्त्र-कचव-लोह-रथ-रत्न-धान्य-पशूनामन्यतममनिर्वाह्यम (ચાણક્ય નું અર્થશાસ્ત્ર)


કેટલીક સામગ્રીઓની નિકાસ(એક્સપોર્ટ) કરવી જોઈએ નહિ, આવી વસ્તુઓની આયાતને કરમુક્ત કરી પ્રોત્સાહન આપવું. જેવી કે શસ્ત્રો, કવચ, ધાતુ, યુદ્ધ રથ, અનાજ, પશુધન તથા કેટલીક દુર્લભ ચીજ વસ્તુઓ.



ચાણક્ય ના અર્થશાસ્ત્ર દ્વારા માહિતી મળે છે કે રાજ્યનો વિકાસ તેના પ્રજા દ્વારા ચુકવાતા કર ની અવાક પર આધારિત છે કે જે લોકો પોતાના વિવિધ કામો (ખેતી, પશુ વેપાર વિગેરે ) માંથી આજીવિકા મેળવી કરે છે.


સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા प्रणय નામનો કર વસુલવામાં આવતો.


प्रणय જેનો અર્થ છે લાગણીમાં અપાએલ ભેટ સોગાદ. આપત્કાળ સમયે આ કરની વસૂલી કરવામાં આવતી। આ શબ્દ વિષે પ્રથમ માહિતી રિશી પાણિની આપી જય છે તો એનો પ્રથમ ઉપયોગ અર્થશાસ્ત્રમાં સુચવાયો છે. प्रणय મોટે ભાગે કુલ ઉપજના એક તૃતીયાંશ (1/3) જેટલો હતો જે જમીનના પ્રકાર ઉપર પણ આધાર રાખતો.



મૌર્ય કાળમાં અસ્તિત્વમાં આવેલ કેટલાક બીજા કર.


बलि: રિગ્વેદ કાળમાં આ ફરજીયાત કર નોહ્તો પરંતુ મૌર્યકાળમાં આ એક સંયોજિત અને ફરજીયાત કર ગણાતો. અર્થશાસ્ત્ર પ્રમાણે કૃષિ અને પશુ ઉપજના 1/6 જેટલો હતો. દુશ્મન રાજ્યને જીત્યા પછી ત્યાંની પ્રજા ઉપર પણ લગાવવામાં આવતો.


पिण्डिकरा રાજ્યની સેના જયારે ગામ પાસેથી પસાર થાય ત્યારે ગામના ખેડૂતોએ આપવો પડતો કર.


शुल्क સીમા શુલ્ક(કસ્ટમ ડ્યૂટી)


प्रवेश्य આયાત કર(ઇંપૉર્ટ)

निस्क्रमय નિકાસ કર (એક્સપોર્ટ)

द्वाराबहीरिकदया (ઓકટ્રોય)


व्याजी લેવડદેવડ કર (Transaction tax)


येशिवा સેનાનો પુરવઠો


वर्तानी માર્ગ ઉપકર (રોડ સેસ)


परिघा ઇજારા ઉપર લાગતો કર (મોનોપોલી)


प्रक्रिया રોયલ્ટી


प्रसवम સરચાર્જ


કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નાશવંત(perishable) ખાદ્ય પદાર્થો થી લઇ સુતરાઉ કાપડ, યુદ્ધ સાધનો, ધાતુ, હાથી દાંત, જાજમ, અનાજ, મીઠું, મદિરા વિગેરે માટે અલગ અલગ शुल्क / સીમા શુલ્ક(કસ્ટમ ડ્યૂટી) સૂચવેલા છે(1/6 થી લઇ 1/25 સુધીના દર). બજારમાં થતા દરેક વ્યવહાર ઉપર व्याजी લગાવવામાં આવતો. કયા શ્રમિક વર્ગ જોડે કેટલો કર વસૂલવો એ પણ અર્થશાસ્ત્રમાં માં સૂચવવામાં આવ્યું છે. જેમકે માછીમાર, સોની, કપડાના વેપારી, કલાકાર, શિલ્પકાર, ગણિકા, પશુપાલક વિગેરે.


ઉદાહરણ ,


प्रवृत्तिहिंसानामपरीगृहरीतानां षडभागं गृहणियात |

मतस्यापरीक्षणम दशभागम वाधिकम, मृगपशुनां शुल्कं वाधिकम || (ચાણક્ય નું અર્થશાસ્ત્ર )


પ્રાણીઓ (1/6 ), મત્સ્ય અને પક્ષીઓ(1/10 કે તેથી વધુ), હરણ અને અન્ય ઢોર( આગળ સૂચવ્યા તેથી વધુ)

કર મુક્તિ:



કરમુક્તિ માટે યોજનાબદ્ધ પદ્ધતિ અસ્તિત્વમાં હતી.


લગ્ન વિષયક સામગ્રી ઉપર છૂટછાટ, ધાર્મિક વિધિ માટે કરમાંથી મુક્તિ


બ્રાહ્મણ, યોગી-તપસ્વીઓ, બાળકો, વૃદ્ધ લોકો, માંદા, રાજદૂત, ગર્ભવતી મહિલા વિગેરેને કરમુક્તિ મળતી.


એવી વસ્તુ જે ખુબજ ઉપયોગી હોય અને એવા બીજ(અનાજ) જે સહેલાઈથી મળી શકે એમ ના હોય તેને કર મુક્ત કરાતા.


આમ આપણે આજે જે આધુનિક ભારતમાં કર પદ્ધતિ જોઈએ છીએ એના મૂળ પ્રાચીન ભારતમાં જ છુપાયેલા છે, જ્યાં એક યોજનાબદ્ધ પદ્ધતિ અસ્તિત્વમાં હતી.




प्रजासुखे सुखम यज्ञः प्रजानां च हिते हितम |

नात्मप्रियं हितम यज्ञः प्रजानां तू प्रियं हितम || (ચાણક્ય નું અર્થશાસ્ત્ર )


અર્થાત, પ્રજાના સુખમાં જ રાજાનું સુખ રહેલું છે, પ્રજાના કલ્યાણમાં જ ખરેખર રાજાનું કલ્યાણ રહેલું છે; પોતાને(રાજા) જે સારું લાગે એમાં રાજાનું હિત નથી, રાજાનું હિત તો પ્રજાને જે સારું લાગે એમાં છે.



આચાર્ય વિષ્ણુગુપ્ત (કૌટિલ્ય) સૂચવે છે એમ કર નો સર્વોચ્ચ હેતુ પ્રજા કલ્યાણ જ હોવો જોઈએ.



રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી, કરંટ અફેર્સ વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature