વાત ખાદ્ય પદાર્થોની હજારો કિલોમીટરની યાત્રાની


આપણો પ્રાચીન ઇતિહાસ ભવ્ય છે. વિશ્વને આપણે ગણિત, શાસ્ત્રો- ગ્રંથો, ચિકિત્સા, નીતિ શાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર જેવા કેટલાય વિષયોમાં અદભુત સોગાદો આપી છે. તેજ રીતે ભારતની એક વિશિષ્ટ આબોહવામાં થતાં મરી મસાલા પણ વિદેશમાં ભારે માંગ ધરાવતા. આવા સમૃદ્ધ ભારત સાથે વેપારી ભાગીદારી અને મરી મસાલા મેળવવા ક્રિસ્ટોફર કોલંબસ અને વાસ્કો દ ગામા જેવા નૌકાસાહસિકો ભારતના દરિયાયી માર્ગની શોધમાં હજારો કિલોમીટરની યાત્રા એ નીકળ્યા.


ભારતમાં પેદા થતી આવી લોકપ્રિય ખાદ્ય વસ્તુઓ એ લોકો એ યુરોપના બજારો સુધી પહોંચાડી. તેજ રીતે ભારતે પણ વિદેશમાંથી કેટલીક ખાદ્ય ચીજો /પીણાં અપનાવ્યા. આ ચીજો હવે ભારતના સ્ટેપલ ડાઈટ (મુખ્ય આહાર) નો હિસ્સો છે જે આપણે વિદેશમાંથી મેળવી. આવી જ, 16મી સદી ની આસપાસ અથવા તો તે પછીની મારા ધ્યાનમાં આવતી મુખ્ય ત્રણ વિશ્વવ્યાપી ચીજોની વાત કરીશ જેના વગર આપણો દિવસ શરુ નથી થતો અથવા તો પૂરો નથી થતો.


મરચાં.

મુખ્યત્વે 6 પ્રકારના સ્વાદ પ્રવર્તમાન છે - ખારાશ, તીખાશ, કડવાશ, મીઠાશ, એસ્ટ્રિજન્ટ(ઔષધિય- દવા જેવો), ખટાશ. મરચાં એ તીવ્ર - તીખાશ માટે ભારતીય વ્યંજનોમાં વપરાતું મુખ્ય ઘટક છે. મૂળભૂત રીતે દક્ષિણ અમરિકામાં થતી આ વનસ્પતિ 15મી સદી સુધી દુનિયાથી અપરિચિત હતી. 1492ની સાલમાં ભારતીય ઉપમહાદ્વીપની શોધમાં નીકળેલા સ્પેનિશ નૌકાસાહસિક ક્રિસ્ટૉફર કોલંબસ ભૂલથી કૅરેબિયન ટાપુ સમૂહ પર પહોંચે છે. ત્યાં તે એશિયા અને યુરોપ માં ન જોવા મળતી કેટલીક વનસ્પતિઓ જુવે છે, અને મરચાં સહિતના કેટલાક છોડવા સાથે એ સ્પેન પાછો પહોંચે છે. ધીરે ધીરે તીખાશ માટે મરચાં યુરોપમાં વપરાશમાં આવે છે. 1498ની સાલમાં ભારત પહોંચેલા પોર્ટુગીઝ વાસ્કો દ ગામા પોતાની સાથે મરચાં પણ ભારતમાં લાવે છે. વાસ્કો દ ગામાના ભારત પહોંચ્યાના 30 વર્ષની અંદર જ ભારતના પશ્ચિમી કિનારા પર મરચાંની ખેતી શરુ થાય છે. તમને થતું હશે ભારતીય વ્યંજનોમાં મરચાંના આગમન પહેલાં તીખાશ માટે શું વાપરવામાં આવતું. એનો જવાબ 1590માં લખાયેલ પુસ્તક આઈન-એ-અકબરી પુસ્તકમાં મળે છે. અકબરના દરબારમાં તીખાશ માટે કાળા મરી નો ઉપયોગ થતો. સમગ્ર ભારતીય ઉપમહાખંડમાં તે વખતે કાળા મરીનો તીખા સ્વાદ માટે ઉપયોગ થતો. ભેજયુક્ત હવામાન જરૂરી હોઈ કાળા મરીની ખેતી કેરળ પુરતીજ સીમિત છે જયારે મરચાં ની ખેતી સમગ્ર દેશમાં જોવા મળે છે. વિદેશથી આવેલ તીખાશનું આ પર્યાય અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ જાતિઓના સ્વરૂપે જોવા મળે છે. આસામના પહાડી વિસ્તારો માં થતું "નાગા જોલોકિય" નામનું મરચું એ વિશ્વનું સૌથી વધુ તીખાશ ધરાવતું મરચું છે. ભારત આજે મરચાંનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક તથા નિકાસકર્તા દેશ છે. અમરિકા, જર્મની, યુકે, કેનેડા સાઉદી, સિંગાપોર વિગેરે દેશોમાં ભારત મરચાંની નિકાસ કરે છે. આજે ભારત વિશ્વની 25% જેટલી કુલ મરચાની માંગને પુરી કરે છે.



બટાકા.

મૂળ પેરુ નામના દેશમાં થતી પેદાશ છે. યુરોપના બજારમાં બટાકાનું આગમન કોલંબસ દ્વારા જ થાય છે. 15મી સદીમાં લખાયેલ “નિમતનામા” પુસ્તકમાંથી માહિતી મળે છે કે ખીલજીના શાહી રસોડામાં એક પણ વ્યંજનમાં બટાકાની હાજરી નોહતી. ભારતમાં બટાકાનું આગમન પોર્ટુગીઝ અને ડચ વ્યાપારીઓ દ્વારા લગભગ 16મી સદીમાં થાય છે. જો કે, તેમનો પ્રભાવ અથવા પહોંચ સમગ્ર ભારતીય ઉપખંડ સુધી નોહતી અને બટાકા પશ્ચિમના મલબાર કિનારા સુધી નાના નાના ભાગો માં સીમિત રહ્યા. તેથી તે ઘણા લાંબા સમય સુધી સ્ટેપલ ડાઈટ તરીકેનું સ્થાન નોહતું મેળવી શક્યા. 18મી સદીમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હેઠળ ભારતમાં બટાકાને નવો વેગ મળે છે. કંપનીની યોજના ભારતમાં બટાકાનું ઉત્પાદન કરી એમાંથી વ્યાપારિક ફાયદો ઉઠાવવાનું હોય છે. 19મી સદી સુધીમાં, બંગાળ તથા આખા ઉત્તર ભારતના તળેટી વિસ્તારોમાં બટાટાની ખેતી કરવામાં આવતી. ભારતીય વ્યંજનોમાં બટાકાએ ધીરે ધીરે પગ પેસરો કર્યો. બ્રિટિશરોએ ભારતમાં આ દક્ષિણ અમેરિકન ખાદ્ય વનસ્પતિ ઉગાડવાની ઝુંબેશ શરૂ કરી. સમયની સાથે સાથે તે અવઘી બિરયાનીમાં પણ સામેલ થયા અને ભારતની સ્ટેપલ ડાઈટની શ્રેણીમાં સ્થાન પામ્યા. હાલ ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી વધુ બટાકા ઉત્પન્ન કરતો દેશ છે જે વિશ્વનું કુલ 10% જેટલું ઉત્પાદન ધરાવે છે.


ચા.

ચા એ ચીનમાં 2000 વર્ષોથી પીવાતું પીણું છે. પ્રાચીન ભારતમાં ચા વિશેનો ઉલ્લેખ જોવા મળતો નથી. ડચ વેપારીઓ સાથે ચા લગભગ 16મી સદીની આસપાસ ચીન થી યુરોપ પહોંચે છે. ભારતમાં ચા નો ફેલાવો તથા એનું વિશાળ ઉત્પાદન કરવાનું શ્રેય બ્રિટિશ સામ્રાજ્યને જાય છે. 1774 ની આસપાસ, વોરેન હેસ્ટિંગ્સે ચીન ની ચાના કેટલાક પસંદ કરેલ બીજ ભૂટાનના તત્કાલીન બ્રિટીશ દૂત જ્યોર્જ બોગલને વાવેતર માટે મોકલ્યા હતા. પરંતુ આ પ્રયોગમાં કોઈ સફળતા સાંપડી નોહતી. સાલ 1833 ના ચાર્ટર એક્ટ પછી, ઇસ્ટ ઇન્ડિયા કંપની ચીન સાથેનો વેપાર ઈજારો ગુમાવે છે. સાલ 1834માં ભારતના ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક “ટી કમિટી” નિયુક્ત કરે છે. જેનો ઉદ્દેશ ચીનનો પ્રવાસ ખેડી ચાના બીજ લાવવાનો હોય છે. જોકે એમાં પણ જોઈએ એવી સફળતા મળતી નથી. 1848માં ફોરચ્યુન નામનો અધિકારી તેના ચીની નોકર વાન્ગ સાથે એક જાસૂસી કામ અંતર્ગત ચીનની મુલાકાત લે છે. તે અંતરિયાળ ચીનના ચા ના બગીચાઓની ગુપ્ત મુલાકાત લે છે અને 2000 વર્ષ જૂની મેનુફૅક્ચરિંગ પદ્ધતિ નો અભ્યાસ કરી એની નોંધ લે છે. ફોર્ચ્યુન આશરે 13,000 છોડના નમૂનાઓ અને 10,000 બીજ ને કાચની બોટલોમાં ભરી હોંગકોંગ થઇ કલકત્તા સુધી દાણચોરીમાં લાવવામાં સફળ થાય છે. સૌપ્રથમ અસમની બ્રહ્મપુત્રા પર્વતીય પ્રદેશમાં શરૂ થયેલ ચાની ખેતી ધીરે ધીરે દાર્જીલિંગ, કુમાઉં, કાંગરા, દેહરાદુન, નીલગીરી વિગેરે હિમાલયની તળેટી વિસ્તારોમાં શરુ થાય છે. 1878માં શરુ થયેલ દાર્જીલિંગ હિમાલયન રેલ યાત્રા ભારતમાં ચાના ઉત્પાદનની વિકાસગાથા રજુ કરવા માટે જ બનાવવામાં આવી હતી. 1853 સુધીમાં ભારતની ચાની નિકાસ 183.4 ટન પર પહોંચી ગઈ હતી જે 1870 સુધીમાં 6700 ટન થઇ અને 1885ની સાલમાં 35,274 ટન થઈ ગઈ હતી. 1901 સુધીમાં, ભારત પોતે ચા ના વિશાળ બજાર તરીકે વિકસી ચૂક્યું હતું. ભારત આજે વિશ્વમાં ચાનો બીજા નંબરનો પ્રમુખ ઉત્પાદક દેશ છે અને 13000 ચાના બગીચાઓ ધરાવે છે તથા એ ઉદ્યોગમાં લગભગ 20 લાખ લોકો રોજગારી મેળવી રહ્યા છે.


ખરેખર, ઉપરની ત્રણે ચીજોમાં ભારતે આત્મનિર્ભર થવાનું જ યોગ્ય સમજ્યું હોય એવું લાગે છે.



રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ રાઇટર

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature