વાત એક ચીની યાત્રી ની

હ્યુએન ત્સાંગ

હ્યુએન ત્સાંગ એક ચિની બૌદ્ધ સાધુ હતા જેણે 627 સાલમાં બૌદ્ધ શાસ્ત્રો મેળવવા માટે ચીનથી ભારતની ભૂમિ પર પ્રવાસ કર્યો. હુંએન ત્સાંગ તેની યાત્રાઓની વિગતવાર માહિત પુરી પાડી છે, અને પ્રારંભિક તાંગ રાજવંશ દરમિયાન ચાઇનીઝ બૌદ્ધ ધર્મ અને ભારતીય બૌદ્ધ ધર્મ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા વિશે પણ લખ્યું છે. તેનું પુસ્તક “ગ્રેટ તાંગ રેકોર્ડ્સ ઓન વેસ્ટર્ન રીજન્સ” એક ઉત્તમ નમૂનો છે, અને તે 7 મી સદીમાં સિલ્ક રોડની આ પથરાયેલી જમીન અને લોકો વિશેની ઘણી બધી માહિતી આપી જાય છે. તેનો જન્મ ગોશી નગરના ચેન્હે ગામમાં 602 ની સાલમાં. માં થયો હતો અને યુહુઆ પેલેસમાં 664ની સાલમાં અવસાન થયું. આમ 62 વર્ષના એના જીવનમાં એ 14 વર્ષ જેટલો સમયગાળો ભારતમાં બૌદ્ધ ધર્મગ્રંથોની શોધમાં વિતાવે છે.




હ્યુએન ત્સાંગ નો જન્મ કોન્ફુશીયશ ધર્મ પાળનાર પરિવારમાં થયો હતો. કન્ફ્યુશિયનિઝમ એ સામાન્ય રીતે કોઈ ધર્મને બદલે સામાજિક અને નૈતિક દાર્શનિકોની પ્રણાલી કહેવાય છે. તેની રચના પ્રાચીન ધાર્મિક આધાર પર થઇ હતી, જેમાં સામાજિક મૂલ્યો, સંસ્થાઓ અને પરંપરાગત ચિની સમાજના ગુણાતીત આદર્શોનો વિકસ સમાવિષ્ટ હતા. પરંતુ યુવાન હ્યુએન ત્સાંગની રુચિ બૌદ્ધ ધર્મ તરફ વધુ હતી અને એ પોતે બૌદ્ધ ભિક્ષુ બનવાનું પસંદ કરે છે. વીસ વર્ષની ઉંમરે, તે સંપૂર્ણ રીતે બૌદ્ધ સાધુ તરીકે નિયુક્ત થયા. તેમણે અધ્યયન કરેલા ગ્રંથોમાં ઘણા તફાવતો અને વિસંગતતાઓને લીધે હ્યુએનને ભારતમાં જઈને બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવાની પ્રેરણા આપી. આ માટે તે ચગાન,ચીન માં સંસ્કૃત ભાષાનો અભ્યાસ શરુ કરે છે. ઉપરાંત, તેને બૌદ્ધ ધર્મની મેટાફિઝિકલ શાખા "યોગાચાર" માં પણ વિશેષ રુચિ હતી અને એને લગતા ગ્રંથો તેણે ભારત માંથી મેળવવા હતા.




તાંગ રાજા તરફથી તેને ભારતમાં જવાની પરવાનગી મળતી નથી પરંતુ તે, પરવાનગીની અવગણના કરીને ભારત જવાનું નક્કી કરે છે.





ચીનથી ભારત તરફ (સિલ્ક રોડ )


હ્યુએન ત્સાંગ ની યાત્રા

સાલ 627 માં તે સિલ્ક રોડ પર જમીન માર્ગે પોતાની યાત્રાનો ચગાન (હાલ ઝીઆન ) થી પ્રારંભ કરે છે.



તે સમયમાં ભારતમાં પ્રવેશ માટેનો પ્રચલિત માર્ગ તિબેટ બાજુથી નોહતો પરંતુ માધ્ય એશિયા થઇ ખૈબર ઘાટથી હતો. ધ્યાન રહે અન્ય બે ચીની યાત્રીઓ ફા-યાન અને ઈ-ચિંગની યાત્રામાં દરિયાઈ માર્ગનો સમાવેશ છે, જયારે હ્યુએન ત્સાંગ જમીનમાર્ગ ઉપરજ પસંદગી ઉતારે છે.



સાલ 629 માં લીઆંગઝુ (ગાંસુ) અને કીંઘાઈ થઈને તાંગ સામ્રાજ્યમાંથી બહાર નીકળી ગયા.ત્યારબાદ તે ગોબી રણથી કુમુલ (આધુનિક હમી સિટી) તરફ પહોંચે છે, ત્યાંથી તે ટિયેન શાન પવર્તમાળાથી પશ્ચિમ તરફ(માધ્ય એશિયા) આગળ વધે છે.



યાત્રામાં તે માં તુર્પન/તુર્ફાન પંહોચે છે. અહીં તે તુર્ફાનના રાજાને મળે છે, જે બૌદ્ધ હતા જેણે તેને પરિચયના પત્રો અને જરીરિયાતની અન્ય ચીજો આપી આગળની મુસાફરી સુનિયોજિત કરી. ચીનમાં સૌથી ગરમ પર્વત, ફ્લેમિંગ પર્વત, તુર્ફાનમાં સ્થિત છે અને તેના પુસ્તક "ગ્રેટ તાંગ રેકોર્ડ્સ ઓન વેસ્ટર્ન રીજન્સ " માં તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.



માર્ગમાં આવતા લૂટારોથી બચીને ત કુચા પહોંચે છે. જ્યાં તે એક બુદ્ધ મઠની મુલાકાત લે છે. ટિયેન શાન પર્વતનો બેડલ ઘાટ ઓળંગીને તે અક્ષુ થઈને આજના કીર્ગીઝ્સ્તાનમાં પ્રવેશે છે. હ્યુએન ત્સાંગ દક્ષિણ પશ્ચિમમાં આગળ વધતા તાશ્કંદ ( આધુનિક ઉઝબેકિસ્તાનની રાજધાની ) પહોંચે છે. અહીંથી તે પશ્ચિમમાં સમરકંદ પહોંચે છે. ફારસના પ્રભાવ હેઠળ સમરકંદમાં તે ત્યજી દેવાયેલા બૈદ્ધ મંદિરોની નોંધ લે છે. વધુ આગળ વધી તે પામીર ને પાર કરે છે. ત્યારબાદ તેમરેઝ પહોંચી અમુ દરિયા નદી ઓળંગીને તે હાલ ના અફઘાનિસ્તાન પહોંચે છે. તેમરેઝમાં તેને એક હજારથી પણ વધુ બૌદ્ધ સાધુઓનો સમુદાય મળે છે.



પૂર્વ તરફ કુન્દુઝ પસાર કરી તે બલ્ખ(અફઘાનિસ્તાન) પહોંચે છે. અહીં તે "નવા વિહાર" તરીકે ઓળખાતા બૌદ્ધ વિહારની મુલાકાત લે છે. અહીં તે બૌદ્ધ સાધુ ધર્મસિંહા સાથેની મુલાકાત પણ નોંધે છે. અન્ય એક બૌદ્ધ સાધુ પ્રજ્ઞાકર પાસેથી તેને મહવિભાનું મહત્વનું હસ્તપ્રત મળે છે. જેને તે પાછળથી ચીની ભાષામાં ભાષાંતરીત કરે છે.



પ્રજ્ઞાકર સાથે તે દક્ષિણ તરફ બામિયાન પહોંચે છે. ત્યાં તે પથ્થરની શિલામાંથી કંડારેલી બુદ્ધની ઊંચી પ્રતિમા જુએ છે. આગળ પૂર્વમાં કાપસી પહોંચતા તે 100 જેટલા બૌદ્ધ મઠો હોવાનું દર્શાવે છે. અહીં તે ધાર્મિક ચર્ચામાં પણ ભાગ લે છે.



ત્યારબાદ સાલ 630માં હિંદુકુશ પવર્તમાળામાં ખૈબર પસાર કરી તે પુરુષપુર ( પેશાવર, હાલ પાકિસ્તાન) તે ભારત પહોંચે છે. અહીંથી આગળની તેની યાત્રા ભારતભ્રમણ જેવી છે.




ભારતભ્રમણ

હ્યુએન ત્સાંગ પ્રવાસની શરૂઆતથી એક વર્ષમાં અફઘાનિસ્તાન થઈને ભારતના પેશાવરથી તક્ષશિલા પહોંચ્યો. ત્યારબાદ લગબાગ ચૌદ વર્ષ સુઘી તેને ભારતમાં પ્રવાસ કર્યો. તેણે મથુરા, કન્નૌજ, સ્રાવસ્તી, અયોધ્યા, કપિલવસ્તુ, કુશીનગર , સારનાથ, વૈશાલી , પાટલીપુત્ર, રાજગીર, બોધા-ગયા અને નાલંદાની મુલાકાત લીધી.

હ્યુએન ત્સાંગ મેમોરિયલ હોલ, નાલંદા, બિહાર

તેઓ નાલંદા યુનિવર્સિટીમાં લગભગ પાંચ વર્ષ રહ્યા હતા જ્યાં તેમણે તર્ક, વ્યાકરણ, સંસ્કૃત અને બૌદ્ધ ધર્મના યોગાચાર નો અભ્યાસ કર્યો હતો. તેઓ શાલિભદ્ર ને પણ મળ્યા જે નાલંદા યુનિવર્સિટીના કુલપતિ હતા.



તેમના ભારતમાં રોકાણ દરમિયાન, તેમને કામરૂપ (હાલ આસામ) ના રાજા ભાસ્કરવર્મન દ્વારા તેમના મહેમાન બનવા અને તેમના મહેલમાં રહેવા આમંત્રણ આપવામાં આવ્યું. આ આમંત્રણ સ્વિકારીને હ્યુએન ત્સાંગએ અસમની મુલાકાત પણ લીધી હતી.



તે સમયે ભારત વર્ષ રાજા હર્ષવર્ધનના આધિપત્યમાં હતું. સમ્રાટ હર્ષ હ્યુએન ત્સાંગનુ સન્માન કરવા માંગતા હતા. હર્ષવર્ધન હિંદુ રાજા હતા, પરંતુ તેમના શાષનમાં બૌદ્ધ ધર્મને પણ વિશેષ આશ્રય હાંસલ હતો. તેમને કન્નૌજ ખાતે ધર્મસભાનું આયોજન કર્યું હતું જેમાં હ્યુએન ત્સાંગ એ હાજરી આપી હતી. અન્ય એક ધર્મસભા પ્રયાગ ખાતે પણ યોજાઈ હતી જેમાં પણ ત્સાંગે ભાગ લીધો હતો.



ઓરિસ્સાના તામ્રલિપ્ત બંદરની પણ મુલાકાત લે છે. અને દક્ષિણમાં કાંચીપુરમ સુધીની યાત્રા ખેડે છે. મહારાષ્ટ્રમાં અંજતાની ગુફાઓ નાસિક અને ત્યાંથી તે ગુજરાતમાં પ્રવેશે છે.

ગુજરાત ખાતે હ્યુએન ત્સાંગની મુલાકાત

ગુજરાતમાં નાલંદા સમાન ખ્યાતિ પામેલ વલભી યુનિવર્સિટીની મુલાકાત લે છે. તે ભૃગુ-કચ્છ (ભરૂચ), ઇડર, માળવા, સુરાષ્ટ્ર, ગિરનાર, અનાદિપુર વિગેરે સ્થળોની મુલાકાત લે છે. ભરૂચ વિષે એ નોંધે છે કે ત્યાં 10 જેટલા બૌદ્ધ વિહારો હતા અને 300 જેટલા બૌદ્ધ ભિક્ષુઓ નો ત્યાં વસવાટ હતો. અને એ નગરની અવાક દરિયાઈ વેપાર ઉપર આધારિત હતી. વલભી વિષે એ નોંધે છે કે ત્યાં, રાજ્યાશ્રય મેળવતી તે સમયની સૌથી સમૃદ્ધ લાઈબ્રેરી હતી, જેનું સંચાલન સ્થિરમતી અને ગુણમતિ નામની વ્યક્તિઓ દ્વારા થતું. તે ગિરનાર શિખરની પણ મુલાકાત લે છે.

ભારત વિશેની નોંધ



હ્યુએન ત્સાંગે ભારતના શહેર-જીવનનું વર્ણન કરે છે. તે જે માહિતી આપે છે તે એ છે કે ઘરો વૈવિધ્યસભર પ્રકારના હતા અને લાકડા, ઇંટો અને માટીથી બનાવવામાં આવ્યા હતા. શહેરની શેરીઓ ગોળ હતી. ઘણા જુના શહેરો ખંડેર હતા(શ્રાવસ્તી, પાટલીપુત્ર) જ્યારે નવા શહેરો મોટા થયા હતા.



પ્રયાગ એક મહત્વપૂર્ણ શહેર હતું જ્યારે પાટલીપુત્રનું મહત્વ કન્નૌજ દ્વારા લેવામાં આવ્યું હતું. સ્રાવસ્તી અને કપિલવસ્તુ પોતાનું ધાર્મિક મહત્વ ગુમાવી ચૂક્યા હતા. તેના બદલે, નાલંદા અને વલભી બૌદ્ધ શિક્ષણના કેન્દ્રો હતા. હ્યુએન સાંગે કન્નૌજને એક સુંદર શહેર તરીકે વર્ણવે છે.



તે જણાવે છે કે ભારતીયો તેમના કપડા માટે કપાસ, રેશમ અને ઉનનો ઉપયોગ કરતા. તેમણે ભારતીયોને શિક્ષણ, સાહિત્ય અને લલિત કળાના પ્રેમી તરીકે વર્ણવ્યા હતા.



તેમના કહેવા મુજબ, ભારતીયો નવથી ત્રીસ વર્ષની વયની વચ્ચે શિક્ષણ પ્રાપ્ત કરતા અને, કેટલાક કિસ્સાઓમાં, તેઓ આખું જીવન. શિક્ષણને સમર્પિત રહેતા. મોટે ભાગે શિક્ષણ ધાર્મિક હતું અને મૌખિક રીતે આપવામાં આવતું. ઘણા ગ્રંથો લેખિતમાં હતા અને તેમની લિપિ સંસ્કૃત હતી. સંવાદ અને ચર્ચાઓ શિક્ષણ પ્રદાન કરવાના અને જ્ઞાનમાં હરીફો પર શ્રેષ્ઠતા સ્થાપિત કરવાના સૌથી મહત્વપૂર્ણ માધ્યમ હતા.



હ્યુએન ત્સાંગે સમ્રાટ હર્ષ અને તેના વહીવટની ખૂબ પ્રશંસા કરી છે. તેને એક મહેનતી રાજા તરીકે વર્ણવ્યા છે જેણે દૂર-દૂર પ્રવાસ કર્યો અને તેમના પ્રજાના કલ્યાણની સંભાળ રાખતા અને વહીવટની દેખરેખ માટે વ્યક્તિગત રીતે સંપર્કમાં રહેતા. તેમના કહેવા મુજબ હર્ષ રાજ્યની આવકનો 3/4 ભાગ ધાર્મિક હેતુ માટે ખર્ચ કરતો હતો.



જોકે, તે વર્ણવે છે કે તે સમયે મુસાફરી સલામત નહોતી. રાજ્યની આવકનો મુખ્ય સ્રોત જમીન-આવક હતો. ઉત્પાદનનો 1/6 ભાગ કર રૂપે લેવામાં આવતો. હ્યુએન ત્સાંગે વર્ણવ્યું કે હર્ષે તેની આવકને ચાર ભાગોમાં વહેંચી હતી. પેહલો ભાગ રાજ્યના રોજિંદા વહીવટ માટે, બીજો ભાગ રાજ્યના અમલદારો વચ્ચે, ત્રીજો ભાગ શિક્ષણવિદો પર અને ચોથો ભાગ બ્રાહ્મણ તથા બૌદ્ધ ભિક્ષુઓમાં વહેંચવામાં આવતો.



તેણે હર્ષને બુદ્ધના એક ઉત્તમ ભક્ત ગણાવ્યા . તે જણાવે છે કે બૌદ્ધ ધર્મની તુલનામાં તે સમયે ભારતમાં હિન્દુ ધર્મ વધુ વ્યાપકપણે લોકપ્રિય હતો.



તે નોંધે છે કે તે સમયે ભારતમાં એક જડ પ્રકારની વર્ણ વ્યવસ્થા હતી. સ્ત્રીઓમાં પુરદાહ પ્રથા (ચેહરો ઢાંકવો તે) નોહતી અને તેમને શિક્ષણ પણ આપવામાં આવતું.



ભારતે તે સમયે શ્રેષ્ઠ સુતરાઉ, રેશમ અને ઉનના કાપડનું ઉત્પાદન કરતુ અને તેમાંથી તમામ પ્રકારના વસ્ત્રો તૈયાર થતા. તેમણે ભારતીય મોતી અને હાથીદાંતની ગુણવત્તાની ખૂબ પ્રશંસા કરી છે.



ભારતીય લોકો તમામ પ્રકારના ઝવેરાત અને આભૂષણો તૈયાર કરી તેનો ઉપયોગ કરતા.. તેમણે લખ્યું છે કે ભારતનો વિદેશી દેશો સાથે વેપાર હતો અને પૂર્વ અને પશ્ચિમમાં બંને સમુદ્રતટ પર સમૃદ્ધ બંદરો હતા. ભારત કાપડ, ચંદન, ઔષધીય વનસ્પતિઓ, હાથીદાંત, મોતી, મસાલા વગેરે વિદેશી દેશોમાં નિકાસ કરતો અને સોના, ચાંદી અને ઘોડાની આયાત થતી. હ્યુએન ત્સાંગે ભારતને એક ને સમૃદ્ધ દેશ ગણાવ્યો હતો.



આમ, હ્યુએન ત્સાંગે ભારતના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક જીવનનું આટલું વિગતવાર વર્ણન આપ્યું છે જેવું અન્ય કોઈ ચીની મુસાફર દ્વારા આપવામાં આવ્યું નથી. ત્સાંગે જીવનમાં પોતાની 17 વર્ષની યાત્રામાં આશરે 16,000 કિલોમીટરનું અંતર પગપાળા કાપ્યું હતું. ત્સાંગે આપેલ યાત્રાના સંદર્ભ ઇતિહાસકારો માટે ખુબ જ અગત્યના માનવામાં આવે છે.



ત્સાંગે સાલ 644 માં જે રસ્તો અપનાવીને ભારત માં દાખલ થયો હતો તે જ રસ્તે ચીન પાછો ફરે છે. તેની સાથે તેણે બુદ્ધની ઘણી છબીઓ અને વિવિધ અભ્યાસના સંદર્ભમાં વિવિધ બૌદ્ધ ધાર્મિક ગ્રંથોની નકલો લીધી. સાલ 645 માં જ્યારે તે ચીન પાછો પહોંચ્યો ત્યારે તત્કાલીન ચિની સમ્રાટ દ્વારા તેનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજાના કહેવાથી તેણે ભારતના તેના અનુભવ વિશે લખ્યું અને સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાના ગ્રંથોનું ચીની ભાષામાં ભાષાંતર કર્યું.



રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી, કરંટ અફેર્સ વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature