મનુષ્ય તેની ઉત્પત્તિ પછી ઓસ્ટ્રેલોપિથેક્સ થી હોમો સેપિયન્સ બન્યો અને બુદ્ધિગમ્ય રીતે વિચારતો થયો. આ ઉત્ક્રાંતિ સાથે પેહલા ચિત્રલિપિ અસ્તિત્વમાં આવી અને ત્યારબાદ ભાષા ધીરે ધીરે વિકસિત થઇ. અને આ ભાષા અન્ય પેટાભાષાઓમાં વિકસિત થઇ.
ભાષાઓની ઉત્પત્તિ અને પરિવારોમાં તેમના વર્ગીકરણનો અભ્યાસ પરંપરાગત રીતે ફિલોલોજી તરીકે ઓળખાય છે. વિવિધ કારણોસર વિશ્વમાં કુલ વપરાશમાં આવતી ભાષાઓની સંખ્યા વિશે ચોક્કસ કેહવું શક્ય નથી, પરંતુ મોટાભાગના ફિલોલોજિસ્ટ્સ સંમત થયા છે કે હાલ 6,000 - 7,000 જીવંત ભાષાઓ છે.
આ ભાષાઓને લગભગ 100 ભાષા પરિવારોમાં વહેંચવામાં આવી છે; ચોક્કસ સંખ્યા વર્ગીકરણના રૂપ પર આધારિત છે. મુખ્ય ભાષા પરિવારોને ભાષાઓના જૂથોમાં વહેંચી શકાય છે. દુનિયાની કેટલીક ભાષાઓનું અધ્યયન કરતા ફિલોલોજિસ્ટ્સ એ સાબિતી ઉપર આવ્યા છે કે ભાષાઓના શબ્દપ્રયોગો વર્ષો પેહલાના કોઈ એક સર્વસામાન્ય મૂળ તરફ ઈશારો કરે છે.
ભાષામાં વપરાશમાં આવતું વ્યાકરણ, પ્રત્યયો અને કેટલાક શબ્દોના અર્થો સંશોધકોને પુત્રી ભાષા (daughter language) ના મૂળ સુધી લઇ જાય છે. ઉદાહરણ તરીકે, અંગ્રેજી ભાષાના મૂળ જર્મેનિક(જર્મન કૂળ) છે, અને હિન્દીનું કૂળ સંસ્કૃત ભાષા છે. આ અર્થમાં કેટલાક ભાષા પરિવારોનું અસ્તિત્વ નિર્વિવાદ છે. જેમકે, ઈન્ડો-યુરોપિયન, મોંગોલિયન, દ્રવિડિયન, એફ્રો-એશિયાટિક વિગેરે.
અહીં 10 મુખ્ય ભાષાના પરિવારોની સૂચિ છે ( વિશ્વભરમાં તે ભાષા બોલનારાની સંખ્યા / તેમાં સમાયેલા પેટા-કુટુંબ / ભાષાઓની સંખ્યાની દ્રષ્ટિએ.)
એફ્રો-એશિયાટિક : સેમિટિક , અરેબિક
અલ્ટાઇક: તુર્કીક, તુર્કીશ
ઓસ્ટ્રો-એશિયાટિક: ખ્મેર
ઓસ્ટ્રોનેસિઅન: મલય, પોલિનેસિઅન
ઈન્ડો-યુરોપિયન: સંસ્કૃત, ફારસી, જર્મેનિક
દ્રવિડિયન: તમિલ, કન્નડા
નાઈજર-કોંગો: વોલ્ટા, કોંગો, ડોગોન
યુરલિક: હંગેરિયન
સાઈનો-તિબેટીયન: ચીની, મેન્ડેરીન
નીચેની આકૃતિ જુઓ. અહીં કયો ભાષા સમુહ કુલ કેટલી ભાષા ધરાવે છે એ દર્શાવાયું છે.
સંદર્ભ: એથનોલોગ
નીચેની આકૃતિ જુઓ. અહીં કયા ભાષા સમૂહનો ઉપયોગ વિશ્વમાં કેટલા લોકો કરી રહ્યા છે એ દર્શાવાયું છે.
સંદર્ભ: એથનોલોગ, વસ્તી મિલિયનમાં
ભારતને વિશ્વમાં બહુભાષી, બહુસાંસ્કૃતિક, બહુ ધાર્મિક અને પ્લુરલ સોસાયટી તરીકે ઓળખવામાં આવે છે. આ વાસ્તવિકતા તેની રાજ્ય નીતિઓમાં પણ પ્રતિબિંબિત થાય છે, ખાસ કરીને, જ્યારે દેશના તમામ નાગરિકોને, કોઈ ભેદભાવ વિના સમાન તકો આપવાની લોકશાહી પદ્ધતિ મળી છે.
નીચેની આકૃતિમાં બતાવેલ વૃક્ષના રૂપકથી તમને ઈન્ડો-યુરોપીઅન ભાષા વિષે નો ખ્યાલ આવશે. આજ સમૂહમાં ઈન્ડો-આર્યન પેટ સમૂહ સ્થાન પામ્યું છે. અને એમાંથી વેદિક સંસ્કૃત બાદ સમયાંતરે વિવિધ ભારતીય ભાષાઓએ જન્મ લીધો.
વક્તાઓની સંખ્યા અનુસાર, ભારતીય ભાષાઓને વ્યાપકપણે 4 મુખ્ય જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવી છે.
ઈન્ડો-આર્યન
દ્રવિડિયન
ઓસ્ટ્રિક
સાઈનો-તિબેટીયન
ઈન્ડો-આર્યન ભાષાઓ મધ્ય એશિયાથી ભારતમાં દાખલ થઈ. તે આર્યન લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી. જેમને ઈરાન અને ઉત્તર ભારતમાં સ્થાયી થયા હોવાનું માનવામાં આવે છે. ભાષાશાસ્ત્રીઓ સામાન્ય રીતે ઈન્ડો-આર્યન ભાષાઓના ત્રણ મોટા વિભાગોની ઓળખ આપે છે : પ્રાચીન, મધ્યયુગીન અને આધુનિક.
પ્રાચીન ઇન્ડો-આર્યનમાં વિવિધ બોલીઓ અને સંસ્કૃત ભાષા શામેલ છે. સૌથી પ્રાચીન ભાષા હિન્દુ પવિત્ર ગ્રંથો વેદમાં જોવામાં આવે છે. વૈદિક અને ઉત્તર વૈદિક સંસ્કૃત વચ્ચે સ્પષ્ટ તફાવત છે.
મધ્યયુગીન ઇન્ડો-આર્યન વૈદિક કાળ પછી અસ્તિત્વમાં આવી હશે. આ સામાન્ય જનમાનસની ભાષા હતી. બુદ્ધિસ્ટ ગ્રંથો પાલી તેમજ પ્રાકૃત ભાષામાં જોવા મળે છે. અપભ્રંશ બોલી મધ્યયુગીન ઇન્ડો-આર્યન ભાષાના વિકાસના નવીનતમ તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે.
આજે આપણે જે બોલીએ છીએ તેવી ઘણી ભાષાઓને સંસ્કૃતે જન્મ આપ્યો છે. હિન્દી, ભારતમાં મોટાભાગે ઉપયોગમાં લેવાતી ભાષા છે, અને આ જૂથની બધી ભાષાઓમાં પ્રભુત્વ ધરાવે છે. મરાઠી, ગુજરાતી, પંજાબી, બંગાળી, સિંધી અને બીજી ઘણી ભાષા જે સમાન ભાષા જૂથ હેઠળ આવે છે.
દ્રવિડિયન ભાષા પરિવારને સૌ પ્રથમ 1816 માં સ્વતંત્ર ભાષા પરિવાર તરીકે માન્યતા આપવામાં આવી હતી. દ્રવિડિયન શબ્દની શરૂઆત રોબર્ટ એ. કેલ્ડવેલ દ્વારા તેમના દ્રવિડિયન અથવા સાઉથ ઈન્ડિયન ફેમિલી લેંગ્વેજિસ (1856) ના તુલનાત્મક વ્યાકરણમાં કરવામાં આવી હતી. દ્રવિડિયન ભાષા પરિવાર, જેમાં લગભગ 80 ભાષાઓનો (બંને ભાષાઓ અને બોલીઓ) નો સમાવેશ થાય છે, તે મોટાભાગે દક્ષિણ અને મધ્ય ભારત અને આસપાસના દેશોમાં લગભગ 22 કરોડ લોકો દ્વારા બોલાતી ભાષા છે.
દ્રવિડિયન ભાષાઓના સૌથી પ્રાચીન સ્વરૂપો દક્ષિણ ભારતમાં જોવા મળે છે, જે 5મી સદી સુધી સંસ્કૃતના સંપર્કમાં આવી હોવાનું જણાતું નથી. જે સૂચવે છે કે અર્યોનાં આગમન પહેલાજ દક્ષિણ ભારતમાં દ્રવિડિયન ભાષા વપરાશમાં આવી ગઈ હશે.
તેમ છતાં, દ્રવિડ ભાષાની ઉત્પત્તિ કે સમયગાળો હજી ચોક્કસ રીતે જાણી શકાયો નથી.
તેને 4 વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે ..
ભારતની ઑસ્ટ્રિક ભાષાઓ ઓસ્ટ્રોએશિયાટિક પેટા-કુટુંબની છે, જેમાં મુંડા અથવા કોલ જૂથની ભાષાઓ, મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં બોલાતી અને ખ્મેર જૂથની ભાષાઓ નો સમાવેશ થાય છે. આ ખૂબ જ પ્રાચીન ભાષાઓ છે જે આર્યોના આગમન પહેલા અસ્તિત્વમાં આવી ચુકી હતી અને પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં નિષાદ તરીકે ઓળખવામાં આવે છે. મુંડા ભાષાઓ ઓસ્ટ્રિક જૂથોમાં સૌથી મોટી છે. તેમાં ચૌદ આદિવાસી ભાષાઓ શામેલ છે.
સાઈનો-તિબેટીયન ભાષા કુટુંબ, દેશના ઉત્તર-બિહાર, ઉત્તર બંગાળ, આસામ તથા હિમાલયના ભાગોમાં ફેલાયેલો છે. તેમાં બોડો, સિક્કિમીઝ, મણિપુરી વિગેરે જેવી ભાષાનો સમાવેશ થાય છે. તેને ચાર પેટ સમૂહમાં વિભાજીત કરવામાં આવે છે.
ઉપર દર્શાવ્યા સિવાય, આંદામાન અને નિકોબાર ટાપુ સમુહ ઉપર બોલાતી કેટલીક આદિવાસી ભાષાઓ: અંદમાની, ઓંગે, સેન્ટીનાલિ, નિકોબારી, જારવા
આ પ્રશ્ન થોડા થોડા સમયે ભારતમાં ચર્ચાનો વિષય બને છે. હકીકત શું છે એ જોઈએ.
સાલ 2001ની વસ્તી ગણતરીના આધારે, ભારતની તે વખતની 121 કરોડની વસ્તીમાંથી 52 કરોડ લોકો હિન્દી ભાષી હતા અને જેમાના 32 કરોડ લોકોએ હિન્દીને માતૃભાષા તરીકે જાહેર કરી હતી.
અગાઉ જણાવ્યું એમ ભારત વિવિધતા વાળો દેશ છે. બોલી પ્રદેશે પ્રદેશે બદલાય છે. આ કારણોસર ભારતીય બંધારણ રાષ્ટ્રીય ભાષાના મુદ્દે મૌન છે.
ભારતીય બાંધારણના અનુચ્છેદ 343 પ્રમાણે હિંદી એ ભારતીય સંઘની એક સત્તાવાર ભાષા (official language) છે. અને અનુચ્છેદ 348 પ્રમાણે સુપ્રીમ કોર્ટ, હાઈ કોર્ટ તેમજ સંસદ દ્વારા પસાર થયેલા ખરડાઓ અને ઠરાવોની ભાષા અંગ્રેજી છે.
રાષ્ટ્ર ભાષા મુદ્દે બંધારણ મૌન હોવાથી આ બાબતના કેટલાક કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા હતા. તેમાનો એક કેસ મધુ લિમયે વિ. વેદમૂર્તિના કેસમાં એક અરજીકર્તા એ હિન્દીમાં દલીલ કરવાનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ સામે પક્ષે વાંધો ઉઠાવતા, સુપ્રીમ કોર્ટે ત્રણ વિકલ્પો સૂચવ્યા હતા.
(1) કાં તો દલીલ અંગ્રેજીમાં કરવામાં આવે. અથવા
(2) દલીલ કરવા માટે કેસ વકીલને સોંપવામાં આવે
(3) લેખિત દલીલો અંગ્રેજીમાં આપવામાં આવે
પરંતુ અરજીકર્તા એ એમાંનો એકપણ વિકલ્પ સ્વીકાર્યો નોહતો અને કોર્ટે તેની અરજી રદ્દ કરી હતી.
ગુજરાત હાઈ કોર્ટ માં અમૃતલાલ વિ ચીફ સેક્રેટરી, 2013 ના કેસમાં અરજદારે હિન્દીને રાષ્ટ્રભાષા માનવ માટે દાદ કરી હતી જે કોર્ટે સ્પષ્ટ રીતે નકારી કાઢી હતી.
અનુચ્છેદ 346 પ્રમાણે, બે રાજ્યો વચ્ચે વ્યવ્હાર માટેની સત્તાવાર ભાષા(પરસ્પર સંમતિથી) તરીકે હિન્દી ને માન્ય રાખે તો તે માટે વાપરી શકાય.
અનુચ્છેદ 351માં હિંદી ભાષાના વપરાશને ઉત્તેજન આપવાનું સુચાવવામાં આવ્યું છે.
ભારતમાં બોલાતી અન્ય ભાષા , No. of persons (in million)
સાલ 2014માં રાજ્યસભામાં રજુ થયેલા જવાબના આધારે, ભારતમાં હાલમાં છ જેટલી ક્લાસિકલ લેન્ગવેજ છે.
1500 થી 2000 વર્ષ જુના પ્રાચીન ગ્રંથો અને સાહિત્ય તેમાંનું એક નિર્ણાયક પરિબળ છે.
તમિલ (વર્ષ-2004), સંસ્કૃત (2005), કન્નડ (2008), તેલુગુ (2008), મલયાલમ (2013), અને ઓડિયા (2014) હાલમાં ક્લાસિકલ લૅન્ગવેજનો દરજ્જો ધરાવે છે.
રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ
અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી, કરંટ અફેર્સ વિગેરે મારા ગમતા વિષયો છે.