જીવન વિશેના બોધપાઠ આપતો મહાગ્રંથ



મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ દ્વારા રચિત મહાકાવ્ય ‘મહાભારત’ એ ભારતની આખા વિશ્વને એક અદભૂત ભેટ છે. અઢાર અધ્યાયમાં વિભાજીત આ મહાગ્રંથ લગભગ એક લાખ થી વધુ શ્લોક ધરાવે છે. કુટુંબની બે શાખાઓ કૌરવો - પાંડવો વચ્ચેનું ઘર્ષણ ઉપરાંત કથામાં ગૂંથાયેલા પાત્રો, દાર્શનિક પ્રવચનો અને ભક્તિસામગ્રી ધરાવતો ગ્રંથ છે. મહાભારત સ્મૃતિ સંહિતા છે અને એનો જ એક ભાગ ભગવદ ગીતા શ્રુતિ રચના છે.


મહાભારત વર્ષો પહેલાં લખાયો હોવા છતાં આજે પણ એટલો જ યથાર્થ છે અને આપણને ઘણું શીખવી જાય છે, એવા ગુણો કે જે વ્યક્તિ પોતાના વ્યક્તિગત આચાર, શૈક્ષણિક અને વ્યવસાયિક જીવનમાં આત્મસાત કરી શકે છે.


વ્યક્તિગત જીવનના પરિપ્રેક્ષ્યમાં જોઈએ, તો મહાભારતમાં ઘણા એવા પાત્રો છે જે ઘણું બધું શીખવી જાય છે પરંતુ મારા ધ્યાનમાં આવતી કેટલીક અગત્યની બાબત - બદલો લેવાની વૃત્તિ મોટેભાગે પોતાનું જ પતન નિશ્ચિત કરે છે. મહાભારત એક યુદ્ધ કથા છે. કૌરવો દ્વારા પાંડવોને થતો સતત અન્યાય અને દુર્યોધનમાં જન્મેલી એક ઉગ્ર ઘૃણા બંને પક્ષોને યુદ્ધ તરફ લઇ જાય છે અને અંતે કૌરવોની કારમી હાર થાય છે. આપણે પણ આપણા જીવનમાં બિનજરૂરી રાગ, દ્વેષ, ઈર્ષ્યા ને પોતાનામાંથી બની શકે તો દૂર રાખવા કેમકે એમાં સતત રચ્યા પચ્યા રહેવાથી આપણે જે કરવા જેવા બીજા હકારાત્મક કામો છે એમાં ધ્યાન નથી આપતા અને બિન જરૂરી તણાવ વધારી આપણી જાતનું જ નુકસાન કરી બેસીએ છીએ.


સારા અંગત મિત્રો સંઘર્ષમય જીવનમાં વરદાન રૂપી છે. મહાભારતમાં સારા મિત્રોનું જીવનમાં હોવું એ આપણને દુર્યોધન-કર્ણ કે શ્રીકૃષ્ણ-અર્જુનની યુતિમાં જોવા મળે છે. અર્જુન જીવનમાં જયારે જયારે પણ દુવિધા અનુભવે છે ત્યારે શ્રીકૃષ્ણ એના માટે એક મિત્ર ઉપરાંત મોટીવેશનલ ગુરુ સાબિત થાય છે. શ્રીકૃષ્ણ ને સખા તરીકે સંબોધતી દ્રૌપદી જયારે વસ્ત્રાહરણ નો સામનો કરે છે ત્યારે પ્રભુ સ્વયં મદદે આવે છે. એ જ રીતે કર્ણ અને દુર્યોધન એકબીજા માટે મિત્રતા નિભાવવા હંમેશા આતુર રહેતા. તમારી પાસે પણ આવા અંગત મિત્રો હોય તો તમે પોતાની જાતને નસીબદાર સમજજો, કેમકે મિત્રોનો નૈતિક આધાર દરદ - મૂંઝવણ મટાડનાર સાબિત થાય છે.


સમાધાનકારી તક ઝડપી લેવી. એમાં થતું સામાન્ય નુકસાન લાંબા ગાળે ફાયદારૂપ જ નીવડે છે.

યુદ્ધ પેહલા શ્રીકૃષ્ણ પાંડવોના શાંતિદૂત બનીને હસ્તિનાપુર જાય છે અને ત્યાં ધૃતરાષ્ટ્ર આગળ એક સમાધાનકારી પ્રસ્તાવ મૂકે છે. પ્રસ્તાવ આ મુજબનો હૉય છે કે પાંડવો હસ્તિનાપુરની ગાદી અને સમગ્ર રાજ્ય પર પોતાનો દાવો જતો કરવા તૈયાર છે જો એમને ફક્ત પાંચ ગામ આપી દેવામાં આવે - ઇન્દ્રપ્રસ્થ, સોનપ્રસ્થ, પાણપ્રસ્થ, વ્યાગ્રપ્રસ્થ અને તિલપ્રસ્થ. હઠીલો દુર્યોધન પ્રસ્તાવ પર વિચાર કરવા સુધ્ધાનું યોગ્ય સમજતો નથી અને આખરે પોતાનું પતન સુનિશ્ચિત કરે છે. જયારે પણ કોઈ સમસ્યાનો ઉકેલ સમાધાનથી થતો હોય તો એ તક હંમેશા ઝડપી લેવી. હમણાંજ તમે જોયું હશે બ્રિટન નું એક ભારતીય મૂળ નું ઉધોગગૃહ સંપત્તિ અંગેના ઝગડા લઇ ત્યાંની કોર્ટમાં પહોંચ્યું છે. સમાધાનકારી વલણથી આવા લાંબા અને સમયની બરબાદી કરતા ઝગડામાંથી બંને પક્ષ મુક્તિ મેળવી શકે.




વ્યાવસાયિક દ્રષ્ટિકોણની વાત કરીએ,


પ્રેરણા એ સફળતાની ચાવી છે. યુદ્ધની શરૂઆત થવા પહેલાંજ અર્જુન ભારે દ્વિધા અનુભવે છે અને શ્રીકૃષ્ણ ને પૂછે છે કે એક જમીન ના ટુકડા માટે હું મારા પિતામહ પર બાણ કેવી રીતે ચલાવું! ત્યારે શ્રી કૃષ્ણ એને પ્રેરણાત્મક પ્રવચન આપે છે જે ભગવદ ગીતા ના સ્વરૂપે આપણને બોધપાઠ આપી જાય છે. તમે પણ જયારે તમારા વ્યાપારિક લક્ષ હાસિલ કરવામાં મુશ્કેલી અનુભવો ત્યારે આવી પ્રેરણા લઇ શકો છો, એ ઘણા બધા સ્વરૂપોમાં હોઈ શકે, જેવી કે પુસ્તકો, મોટીવેશનલ સ્પીચ વિગેરે જે હંમેશા ફાયદાકારક નીવડે છે.



ગેરકાયદેસર રસ્તાઓ પર આગળ વધવું હિતાવહ નથી કૌરવો શકુનિની ખોટી સલાહો પર ચાલી પાંડવો વિરુદ્ધ ષડયંત્રો કરે છે. દુર્યોધનને ગાદીએ બેસાડવા એમણે લાક્ષાગૃહ, ઝેરની ભેળસેળ , દ્યૂતક્રીડા તથા વસ્ત્રાહરણ જેવી નિમ્ન હરકતો કરી, પરંતુ આખરે ફાવતાં નથી. બીજી તરફ પાંડવો પાસે શ્રી કૃષ્ણ જેવા સલાહકાર છે જે તેમનું સતત યોગ્ય માર્ગદર્શન કરતા રહે છે. હમણાં કોરોના સમયમાં ભારતમાં નકલી દવા વેચવા વાળી ટોળકીઓ ફાટી નીકળી જેમણે કદાચ ઘણો નફો કરી લીધો પરંતુ જેવી સરકારની નજર હેઠળ આવી તો આજે જેલ ભેગા થવાનો વારો આવ્યો છે.



ઉત્પાદનમાં ગુણવત્તામાં બાંધછોડ સ્વીકાર્ય નથી. યુદ્ધ શરુ થવા પેહલા દુર્યોધન અને અર્જુન પાસે બે વિકલ્પો હોય છે. સેંકડો સૈનિકો ધરાવતી નારાયણી સેના અથવા તો સ્વયં નારાયણ. અર્જુન શ્રીકૃષ્ણને પોતાના પક્ષે લેવાનું પસંદ કરે છે અને દુર્યોધન નારાયણી સેનાને. આગળ જતા કૌરવોની હાર થતા અર્જુનનો નિર્ણય યોગ્ય પુરવાર છે. વૈશ્વિક બજારમાં ચીન એક મોટો ઉત્પાદક દેશ ગણાય છે. પરંતુ ગુણવત્તાની વાત આવે ત્યારે જાપાન અને જર્મનીના ઉત્પાદ ગુણવત્તાની દ્રષ્ટિએ ઉત્તમ માનવામાં આવે છે અને એ જ છાપ આજે પણ બજારમાં પ્રવર્તે છે. જાપાન અને જર્મની એમાં બાંધછોડ કરતા નથી.



વિદ્યાર્થી તરીકે શીખતાં રેહવું હંમેશા ફાયદાકારક છે. અર્જુન પોતે દ્રોણશિષ્ય હતો. અને ધનુર વિદ્યામાં એકદમ પારંગત. પરંતુ યુદ્ધ શરુ થવા પેહલા પૂર્વ તૈયારી રૂપે શ્રીકૃષ્ણ એને મહાદેવ નું ધ્યાન ધરી પાશુપશાસ્ત્ર મેળળવા કહે છે. તે ઇન્દ્ર પાસેથી પણ શસ્ત્ર મેળવે છે. ભીમ પવનપુત્ર હનુમાનનો સાથ મેળવી પોતાની શક્તિમાં વધારો કરે છે અને યુદ્ધનીતિના અગત્યના પાઠ શીખે છે. અજ્ઞાતવાસમાં પણ વિવિધ કાર્યોમાં એમનું સતત ઘડતર થતું જ રહે છે. પાંડવો કૈંક ને કૈંક શીખે છે અને તેનો ફાયદો તેમને યુદ્ધમાં થાય છે. આજ રીતે, તમે પણ તમારા વ્યાપારને આગળ વધારવા નવી નવી ટેક્નોલોજી શીખતાં રહો અને અપનાવતા રહો.



જુગારી વૃત્તિ બધુજ ગુમાવવાનું કારણ બને છે. દ્યૂતક્રીડામાં યુધિષ્ઠિર રાજ્ય, સંપત્તિ, ભાઈઓ અને પત્ની દ્રૌપદી સહિત દરેક વસ્તુ દાવ પાર લગાવે છે. યુધિષ્ઠિર એક ગુણી રાજા છે પણ લાલચ ની સામે એ વિચારશૂન્ય બની ન કરવાનું કરી બેસે છે. આ યુવા પેઢીએ ખાસ સમજવા જેવી વસ્તુ છે. ત્વરિત વધુ કમાણી મેળવવા આપણે શેરબજારમાં આપણી મેહનતથી કમાયેલી મૂડી લગાવીએ છીએ. પરંતુ પોતે શેરબજાર વિષે કઈ સમજ ધરાવતા નથી અને શરૂઆતી દેખાતા થોડા ફાયદા પછી એમાં વધુને વધુ રોકાણ કરતા જઈએ છીએ એ પણ બ્રોકરના ભરોસે. અંતે અચાનક "બજાર નેગેટિવ છે" એ કારણ સામે આપણે મોટું નુકસાન કરી બેસીએ છીએ. આપણને મૂડીનું સર્જન કરતા વર્ષો લાગ્યા છે તો ડાહપણ એમાજ છે કે સમજી વિચારીને મૂડી રોકાણ કરવામાં આવે.



અધૂરું જ્ઞાન વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ અવરોધે છે. યુદ્ધમાં અભિમન્યુ ચક્રવ્યૂહમાં દાખલ થવા વિશેનું જ્ઞાન ધરાવતો હતો. પરંતુ એની પાસે એમાંથી બહાર નીકળવાનું જ્ઞાન નોહતું જે તેની મૃત્યુનું કારણ બને છે. આ ઘટના આપણને પાઠ આપે છે કે જો તમારે સફળ થવું હોય તો તમારે કાર્ય માટે સારી રીતે તૈયાર રહેવાની જરૂર છે. જેટલા જ્ઞાન રૂપી તૈયાર હશો એટલા અવરોધો ઓછા થતા જશે.







રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ રાઇટર

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ટેક્નોલોજી વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature