કર્મનો સિધ્ધાંત

कर्म એ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ "ક્રિયા" થાય છે. પરંતુ દક્ષિણ એશિયાના તમામ પ્રમુખ ધર્મોમાં કર્મનો આ અર્થ માર્યાદિત નથી પરંતુ એક બહોળા સ્વરૂપે લેવામાં આવે છે. કર્મ એ મૂળ હિન્દૂ ધર્મની વિભાવના છે. જેમાં ભૂતકાળની હાનિકારક ક્રિયાઓ અને ફાયદાકારક ક્રિયાઓનો પ્રભાવ વર્તમાન અને ભવિષ્ય ઉપર થાય એ રીતે જોવામાં આવે છે. ઉપરાંત, કર્મ ને પુનર્જન્મ તથા મૃત્યુ ચક્ર (saṃsāra) સાથે પણ સાંકળવામાં આવે છે. કાર્યકારણતાના શબ્દો, વિચારો, કાર્યો અને એવી ક્રિયાઓ કે જે લોકો આપણી સૂચના હેઠળ કરે છે તે પણ લાગુ પડે છે. ઉદાહરણ તરીકે, તમે જો સારું કાર્ય કરો છો, તો કઈંક સારું થવાની અપેક્ષા રાખો છો અને જો ખરાબ કૃત્ય કરો છો તો પણ આજ નિયમ લાગુ(ખરાબ અસર) પડે છે. વધુમાં આ જીવનમાં અનુભવાયેલી સારી અને ખરાબ ઘટનાઓ આ અને પાછલાં જીવનના કાર્યોના એકંદર પરિણામો છે. આમ હિન્દૂ ધર્મમાં કર્મ માટે "કર્મનો સિદ્ધાંત" શબ્દ વપરાય છે. આ કર્મના સિદ્ધાંતનો પ્રભાવ આપણને બુદ્ધ, જૈન અને શીખ ધર્મ ઉપર પણ જોવા મળે છે.


કર્મની સાંકળ(કર્મની એકબીજા સાથે જોડાયેલી કલ્પના), રાણકપુર જૈન મંદિર

નિષ્ક્રિયતા/અકર્મણ્યતા શું છે?


ક્રિયા અને નિષ્ક્રિયતા બંનેના પરિણામો હોય છે. તેથી કર્મનો સિદ્ધાંત આપણે આપણા જીવનમાં ઇરાદાપૂર્વક શું કરીએ છીએ અને શું નથી કરતા બંને ઉપર લાગુ પડે છે. આપણે જે કાર્યો કરીએ છીએ કે નથી કરતા તે આપણા ભવિષ્ય માટે મહત્વનું છે. આપણે સારા પરિણામો મેળવવા જે હેતુઓની પસંદગી કરીએ છીએ એ પણ મહત્વપૂર્ણ છે. આપણે જાણી જોઈને કેટલીક ક્રિયાઓ ટાળીએ છીએ, જીવનમાં ચાલતી દુષ્ટતા માટે ન્યાયી અથવા પૂરતા પ્રમાણમાં પ્રતિક્રિયા ના આપીએ તો ગુંચવણ અને કાયરતાના પરિણામોથી પીડાઈ શકીએ છીએ. ભગવદગીતા આ વિષે સ્પષ્ટતા કરે છે.


कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मण: |

अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गति: ।। (ગીતા, અધ્યાય -4, શ્લોક 17 )


અર્થાત, કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મ (શાસ્ત્ર વિરૃદ્ધનું કર્મ) નું સ્વરૂપ પણ જાણવું જોઈએ તથા દુષ્ટ કર્મોનું સ્વરૂપ પણ જાણવું, કારણ કે કર્મની ગતિ ગહન છે.


कर्मण्यकर्म य: पश्येदकर्मणि च कर्म य: |

स बुद्धिमान्मनुष्येषु स युक्त: कृत्स्नकर्मकृत् || (ગીતા, અધ્યાય -4, શ્લોક 18 )


અર્થાત, જે મનુષ્ય કર્મમાં અકર્મ (શાસ્ત્ર વિરૃદ્ધનું કર્મ, એટલે કે મનુષ્ય સમજે છે કે આ કર્મ કરવા જેવું નથી) જુવે છે અને અકર્મમાં કર્મ ને જુએ છે, એ મનુષ્ય બુદ્ધિમાન છે અને તે યોગી સમસ્ત કર્મો(યોગ્ય) કરનારો છે.



કર્મના પ્રકાર:


માનવી ચાર રીતે કર્મ ઉત્પન્ન કરે છે એમ કહેવામાં આવે છે:


  • વિચારો દ્વારા

  • યોગ્ય શબ્દો દ્વારા

  • ક્રિયાઓ દ્વારા કે જે આપણે પોતે કરીએ છીએ

  • ક્રિયાઓ દ્વારા જે અન્ય લોકો આપણી સૂચનાઓ હેઠળ કરે છે.


હિન્દૂ શાસ્ત્રો પ્રમાણે કર્મના ત્રણ પ્રકાર છે.


સંચિત કર્મ: એક જીવનકાળમાં બધા કર્મોનો અનુભવ કરવો અને ભોગવવું અશક્ય છે. આ સંચિત કર્મના જથ્થામાંથી, એક જીવનકાળ માટે મુઠ્ઠીભર ક્રિયાઓનો જ સમાવેશ થાય છે, કારણકે બધા ફળો એક સાથે પાકતા નથી તે જમા થતા રહે છે અને સમય આવતા પાકે છે. ઉદાહરણ, યુવાનવયે તમે તમારા માતા પિતાને દુઃખ આપો છો જે તમારા બાળકો શીખે છે અને મોટા થઇ તમને દુઃખ આપી (કર્મ ફળ) શકે.


પ્રારબ્ધ કર્મ: આ પાકેલા ફળ સમાન એવું કર્મ છે જે વર્તમાન જીવનમાં સમસ્યા તરીકે દેખાય છે. ભાગ્ય, નસીબ, નિયતિ વિગેરે તરીકે આપણે પ્રારબ્ધથી આ ફળો મેળવીએ છીએ. ઉદાહરણ, અસાધ્ય બીમારીથી પીડાતી વ્યક્તિ જ્યાંસુધી આ પ્રારબ્ધ કર્મોને સંપૂર્ણપણે ભોગવે નહિ ત્યાં સુધી તે પોતાનું શરીર છોડી શકતો નથી. વર્તમાન જીવનમાં આ પ્રારબ્ધ કર્મો પૂર્ણ થઇ જતા તે પોતાનું શરીર છોડે છે અને ફરીથી નવા પ્રારબ્ધ કર્મો માણવા નવું શરીર મેળવે છે.


ક્રિયમાણ કર્મ: વર્તમાન જીવનમાં મનુષ્ય જે કર્મ કરે છે તે તમામ ક્રિયમાણ કર્મ છે. અહીં ફળ તરત જ મળી જાય છે. સંચિત કર્મની જેમ જમા નથી થતું. ઉદાહરણ, તમને ભૂખ લાગી છે તમે આહાર લીધો અને હવે તમારી ભૂખ સંતોષાઈ(કર્મ ફળ) ગઈ.




પ્રાચીન સંદર્ભો:

બ્રિહદકારણ્યક ઉપનિષદમાં આપણને કર્મના સિદ્ધાંત વિશેની માહિતી મળે છે.


“માણસ હવે, બે પ્રકારનો હશે,

જેમ તે કર્મ કરે છે અને તે જેવું વર્તે છે, તેવો જ તે બનશે;

સારા કાર્યોનો માણસ સારો બનશે, ખરાબ કાર્યોનો માણસ ખરાબ;

તે શુદ્ધ કાર્યો દ્વારા શુદ્ધ બન્યો છે, ખરાબ કાર્યોથી ખરાબ બન્યો છે;”


“અને અહીં તેઓ કહે છે કે વ્યક્તિમાં ઇચ્છાઓ શામેલ હોય છે,

અને જેમ તેની અભિલાષા છે, તેમ તેની ઇચ્છા પણ છે;

અને જેમ તેની ઇચ્છા છે તેમ તેમનું કાર્ય પણ છે;

અને તે જે કંઈ કર્મ કરશે, તે (ચોક્કસ) ભોગવશે.” (બ્રિહદકારણ્યક ઉપનિષદ 4.4.5-4.4.6)


કર્મ કેવા હોઈ શકે એ વિષે પણ બ્રિહદકારણ્યક ઉપનિષદ નિર્દેશ કરી જાય છે.


तदेतत्त्रयँ शिक्षेद् दमं दानं दयामिति (બ્રિહદકારણ્યક ઉપનિષદ, V.ii.3)


અર્થાત, ત્રણ મુખ્ય ગુણ જાણો, સમગ્ર જીવન માટે સંયમ, દાન અને કરુણા.


પતંજલિ યોગસૂત્ર આ વિષે વધુ પ્રકાશ પાડે છે. જેને યમ (બાહ્ય શિસ્ત ) તરીકે ઓળખાય છે. કર્મ કરતી વખતે નીતિનું પાલન થવું આવશ્યક છે.



अहिंसा: ક્રિયા, શબ્દો દ્વારા અથવા વિચારો દ્વારા અન્ય જીવંત લોકોને હિંસા, નુકસાન, ઇજા ન પહોંચાડવી

सत्य: સત્યનો આગ્રહ

अस्तेय: ચોરી ન કરવી

ब्रह्मचर्य: વ્યભિચારી ન બનવું

अपरिग्रहः અધિકારત્વ પર નિયંત્રણ


કર્મના સિદ્ધાંતનું વધુ સરળીકરણ,


ઉદાહરણ તરીકે, જયારે કોઈ ભૂખ્યા ને જોઈએ છીએ ત્યારે એવું વિચારીએ કે તે એના કર્મોનું પરિણામ ભોગવી રહ્યો છે. જે તદ્દન ખોટું અર્થઘટન થાય.


પરંતુ, જયારે તમે તેને ભૂખ્યો જોઈ, જો તમે તેને મદદ(અન્નદાન ) કરો છો તો તમે અવશ્ય એક સારું કામ કરી રહ્યા છો.



ભગવદગીતામાં કર્મ પર એક સંપૂર્ણ આધ્યાય છે. અહીં ઇચ્છાઓથી થયેલ ક્રિયાઓની બંધનકારી પ્રકૃતિ ઉપર ભાર મુકવામાં આવ્યો છે અને આવી ક્રિયાઓના પરિણામોથી આપણે કેવી રીતે મુક્ત થઇ શકીએ એ જણાવાયું છે.



नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मण: |

शरीरयात्रापि च ते न प्रसिद्ध्येदकर्मण: ।। ( ગીતા અધ્યાય 3, શ્લોક 8 )



અર્થાત, તું તારું નિયત કર્મ કર, કારણકે કર્મ નહિ કરવા કરતાં કર્મ કરવું વધુ સારું છે. કામ કાર્ય વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી.


यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रित: |

मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ सर्वश: || ( ગીતા અધ્યાય 3, શ્લોક 23 )



જો હું નિયત કર્મો સાવધાનીપૂર્વક ન કરું, તો હે પાર્થ બધા મનુષ્યો જરૂર મારા માર્ગનું અનુસરણ કરશે.


એટલેકે, નીતિ પ્રમાણે કર્મ કરવું આવશ્યક છે.


આમ ઉપરના શ્લોક દ્વારા સ્પષ્ટ થાય છે, કે નિષ્ક્રિયતા એ સમાધાન નથી.(No action is no solution)


કર્મયોગ દ્વારા મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય છે?


જ્ઞાન એ મોક્ષનો એકમાત્ર રસ્તો છે. કર્મ તેનો અહેસાસ કરવા માટેનું એક સાધન છે.


કર્તૃત્વ બુદ્ધિ ત્યાગ - કર્તાભાવ નો ત્યાગ એટલે કે "હું કરનાર છું" નો ત્યાગ

મમત્વ ત્યાગ - અધિકારત્વનો ત્યાગ

ફળ ત્યાગ - ક્રિયાના ફળનો ત્યાગ


તે વ્યક્તિને સ્વ-પૂછપરછ તરફ દોરી જાય છે કે કેવી રીતે કોઈ વ્યક્તિ કર્તાભાવ વિના કાર્ય કરી શકે છે? અને જો તે સાચું છે કે કોઈ વ્યક્તિ કર્તાભાવ વિના કાર્ય કરી શકે છે તો તે કરનાર કોણ છે? હું કોણ છું ? અને અંત માં બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ.




કર્મ ના સિદ્ધાંત વિષે મહર્ષિ ચાર્વાક નો શું અભિપ્રાય છે ?

મહર્ષિ ચાર્વાક

બૃહસ્પતિ, ચાર્વાક કે લોકાયત તરીકે ઓળખતા મહર્ષિ ચાર્વાક હિન્દૂ ધર્મની નાસ્તિક શાખામાં પોતાના વિચારો રજુ કરે છે.


મહર્ષિ ચાર્વાક વેદો ને નકારે છે અને તેમાં રજુ થયેલ કર્મના સિદ્ધાંત ને પણ નકારે છે.


यावत् जीवेत सुखम् जीवेत |


જીવો ત્યાં સુધી ખુશ રહો. આ વાક્યમાં ચાર્વાક આપણને ખુશ રહેવાની સલાહ આપે છે, જીવનમાં ખુશીથી મોટો કોઈ હેતુ હોતો નથી.


ऋणं कृत्वा घृतं पिवेत |


તમારી પાસે ઘી ખરીદવાના પૈસા નથી તો પણ ઉધાર પૈસા લઈને લાવો. એટલેકે ઉધાર લઈને પણ સુખ ભોગવો.


भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः |


સ્મશાન માં શરીરના બળવા પછી કોણે તેને પાછું આવતા જોયું છે?



મહર્ષિ ચાર્વાક કહે છે સ્વર્ગ-નર્ક જેવું કઈં નથી, ના કોઈ પરલોકમાં જતી આત્મા છે અને ન કોઈ કર્મફળ છે, જે પણ કઈં છે એ અહીં જ છે. આમ મહર્ષિ ચાર્વાક કર્મ સિધ્ધાંત આધારિત પુનર્જન્મ અને મૃત્યુ ચક્રને નકારે છે.



બુદ્ધ ધર્મમાં કર્મનો સિદ્ધાંત?

બુદ્ધ ધર્મમાં કર્મનો સિદ્ધાંત હિન્દૂ ધર્મ ના પ્રભાવ હેઠળ જણાય છે. વિવિધ જાતક કથાઓમાં તેના વિષે ઉલ્લેખ મળે છે.


ઇન્ડોનેશિયાના જાવા દ્વીપ પર આવેલ પ્રાચીન બુદ્ધ ગુફાઓ(બોડોબુદૂર) બુદ્ધ ધર્મમાં પ્રચલિત કર્મના સિદ્ધાંત/ સ્વર્ગ નર્ક વિષે પ્રત્યક્ષ માહિતી આપી જાય છે.


આ ગુફાઓમાં કર્મના સિદ્ધાંત જ્યાં દર્શાવાયા છે એ વિભાગને "કર્મવિભાગ" તરીકે ઓળખાય છે.


વ્યભિચાર (કાર્ય) કરવા માટે માણસને તલવારના જંગલમાં સજા કરવામાં આવે છે અને ઉકળતા પાણીના પ્રવાહમાં ફેંકી દેવામાં(અસર) આવે છે. બોડોબુદૂર બુદ્ધ ગુફાઓ

મંદિરના દીવાનો નાશ કરનારા લોકો (કાર્ય) કદરૂપા દેખાવા લાગે છે (અસર)

બોડોબુદૂર બુદ્ધ ગુફાઓ

રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી, કરંટ અફેર્સ વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature