એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા જહાજ પર ની એક મુલાકાત



કોરોનાકાળ પેહલાની મારી કોલકાતા યાત્રા વખતે દક્ષિણેશ્વર કાલી મંદિરે જવાનું થયું હતું. હુગલી નદીના કિનારે ગંગા ઘાટ થી વિવેકાનંદ સેતુ તથા નિવેદિતા સેતુ નિહાળી રહ્યો હતો. આ વાત એટલે કરી કેમકે આ બંને નામ આ લેખમાં આગળ ફરી આવવાના છે.



1893ની સાલ માં બે અલગ અલગ ક્ષેત્રોના મહાનુભાવો ‘એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા’ નામના કૅનેડિયન માલિકી ધરાવતા જહાજ પર એક યાત્રામાં ભેગા થવા જઈ રહ્યા હતા. તેમની આ મુલાકાત ભારતીય ઉપખંડ માટે મહત્વની સાબિત થવા જઈ રહી હતી. એમાની એક વ્યક્તિ આવનારા ભવિષ્ય માં હિન્દ ના સૌથી મોટા સફળ દૂરદૃષ્ટા ઉદ્યોગપતિ તરીકે અને બીજી વ્યક્તિ હિન્દ ની આધ્યાત્મિકતાને વિશ્વભરમાં ખ્યાતનામ કરવા માટે પ્રસિદ્ધ થવાના હતા.


1893ની સાલના ઉનાળા માં 30 વર્ષના યુવાન નરેન્દ્રનાથ દત્તા એટલે કે સ્વામી વિવેકાનંદ એમની જ્ઞાન પ્રાપ્તિ પછી વિશ્વ ધર્મ સંસદ માં ભાગ લેવા શિકાગો જવા નીકળે છે અને એ યાત્રામાં જાપાન પહોંચે છે. ત્યાં જ ભારતના જાણીતા ઉદ્યોગપતિ જમશેદજી ટાટા પોતાના ધંધાર્થે રોકાયા હોય છે. બંને પોતાની આગળની અમેરિકા ની યાત્રા માટે જાપાન ના યોકોહામા બંદરેથી ‘એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા’ નામના વૈભવી જહાજમાં કેનેડા ના વાનકુંવર બંદરે જવા નીકળે છે. આ યાત્રા પેહલા બંનેની અલ્પ મુલાકાતોમાં કઈ ખાસ ચર્ચા થઇ હોતી નથી. પરંતુ એ મોકો એમને આ યાત્રામાં મળવાનો હતો.


આ યાદગાર યાત્રા દરમ્યાન, સ્વામી વિવેકાનંદ પોતાના ભારતભ્રમણ વખતે ધ્યાનમાં આવેલી બાબતો પર જમશેદજીનું ધ્યાન ખેંચે છે. સરળ ટ્રેડિંગની પદ્ધતિનો અભિગમ છોડી ગરીબી દૂર કરવા અને રોજગાર વધારવા ભારતમાંજ ઉત્પાદન શરુ થાય એના પર જોર મૂકે છે. ત્યારે જમશેદજી એમને દમનકારી બ્રિટિશરાજમાં ઉત્પાદન માટે આવતી અડચણોથી વાકેફ કરે છે. તેમાં સ્વામી વિવેકાનંદ એમને વિદેશી ટેકનોલોજી ભારતમાં લાવવાનું સુઝાડે છે. આના માટે તેઓ ભારતીય ઉપખંડમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીની સંશોધન ક્ષેત્રે શિક્ષણ પૂરું પડતી સંસ્થા સ્થાપવાની જરૂરત પર જોર મૂકે છે. યુવાન સ્વામી વિવેકાનંદની આ સલાહ પરિપક્વ ઉદ્યોગ સાહસિક ધ્યાનથી સાંભળી ઘણા પ્રભાવિત થાય છે અને બંને પોતાના ગંતવ્ય પર પહોંચી છુટા પડે છે.


અહીં એક અગત્યની વાત નોંધવા જેવી છે. આપણા માંથી ઘણા લોકો સારા શ્રોતા નથી હોતા. આપણા વડીલો, ગુરુ કે અંગત મિત્રો તરફથી આપવામાં આવતી સલાહો આપણે સાંભળવા તૈયાર નથી હોતા અને એમાં ખરેખર આપણે આપણુંજ નુકસાન કરી બેસીએ છીએ. અહીં યુવાન નરેદ્રનાથની વાતો પરિપક્વ ઉદ્યોગ સાહસિક ધીરજથી સાંભળે છે. મહાનુભાવો સારા વક્તા હોવાની સાથે સારા શ્રોતા પણ હોય જ છે. આથી જરૂર છે હંમેશા સારા શ્રોતા બની રેહવાની. આ સફળ થવા માટેની ખુબજ પ્રાથમિક શરત છે.



આ ઘટના ના લગભગ 5 વર્ષ પછી જમશેદજી આજ વાત ના સંદર્ભમાં પોતાના જુના સહયાત્રી સ્વામી વિવેકાનંદને એક પત્ર લખે છે અને વિજ્ઞાન અને ટેક્નોલોજી ની સંસ્થા સ્થાપવા એમની મદદ માંગે છે. પત્રમાં જમશેદજી પોતે સંસ્થા માટે 30 લાખ રૂપિયાની ભેટ ફાળવી રહ્યા છે એ સંદર્ભ હોય છે જે રાષ્ટ્રીય સ્તરે એહવાલ પ્રગટ થઇ ચુક્યો હોય છે. સ્વામી વિવેકાનંદ પોતે રામકૃષ્ણ મિશનના કાર્ય માં વ્યસ્ત હોવાથી પોતે એમાં સીધો ભાગ લઇ શકતા નથી પરંતુ જમશેદજી જોડે પોતાના આઈરીશ મૂળના અનુયાયી સિસ્ટર નિવેદિતાને આ કામ સંદર્ભે જોડાવા કહે છે.



આ દરમિયાન, ટાટા પોતે એ સમયના વાઇસરોય અને બંગભંગ ના આરોપી લોર્ડ કર્ઝનને વિજ્ઞાન અને ટેક્નોલોજી સંસ્થાની સ્થાપના માટે મળે છે. પરંતુ, ધાર્યા પ્રમાણે જ વાઇસરોય જમશેદજીની દરખાસ્ત પાયા વગરના કારણો આગળ કરી નકારી કાઢે છે.


1899ની સાલમાં સ્વામી વિવેકાનંદ પોતે શરુ કરેલા મેગેઝીન "પ્રબુદ્ધ ભારત" માં આ કાર્ય સંદર્ભે એક લેખ પ્રકાશિત કરે છે. એ લેખનો અંશ: "કેટલાક લોકો આ યોજના માટે 74 લાખ રૂપિયા ક્યાંથી આવશે એવું વિચારીને કાલ્પનિક ગણે છે. એવા તમામ લોકો માટે એક જ જવાબ હોઈ શકે- જે વ્યક્તિ કે જે દેશનો સૌથી ધનિક પણ નથી જો એ 30 લાખની મદદ કરી શકતો હોય તો આખો દેશ કેમ ના કરી શકે? આ સિવાયનું વિચારવું હાસ્યાસ્પદ છે, કેમકે રજુ કરવામાં આવેલી યોજના સર્વોચ્ચ મહત્વની છે".


1901 માં સિસ્ટર નિવેદિતા આ કામનું બીડું ઝડપી તે સમયના લંડન સ્થિત શિક્ષણ મંત્રાલયના અધિકારી જ્યોર્જ બિરવુડને આ યોજનાની ભલામણ કરે છે અને બીજા કેટલાય લોકોને મળી આ કામ પાર પડે એ માટે ના અથાગ પ્રયત્નો કરે છે. જેમાં ઘણા લોકો તરફથી હા અને ઘણા લોકો તરફથી હતાશા હાથ લાગે છે.


જમશેદજી ટાટા આ ઇન્સ્ટિટ્યૂટ મુંબઈમાં ઇચ્છતા હતા પણ સંસ્થા માટે વિશાળ જમીનની જોગવાઈ કરવી એ પ્રશ્ન હતો. તેમની મૈસોરના દીવાન શ્રી શેષાદ્રી સાથેની મુલાકાત બાદ મૈસોરના મહારાજા શ્રી ક્રિષ્નારાજ વોડયાર બેંગ્લોર સ્થિત 370 એકર જમીન ભેટમાં આપે છે. અહીં એ પણ નોંધવા જેવું છે કે મહારાજા ક્રિષ્નારાજના પિતા મહારાજ ચામરાજ વોડયાર સ્વામી વિવેકાનંદના સમર્પિત અનુયાયી હતા.


1904ની સાલમાં , સ્વામી વિવેકાનંદના મૃત્યું ના બે વર્ષ બાદ જમશેદજી ટાટા નું પણ નિધન થાય છે. આ ઘટનાના પાંચ વર્ષ પછી, 1909ની સાલમાં વાઇસરોય લોર્ડ મિન્ટો ઇન્સ્ટિટ્યૂટની સ્થાપનાને મંજૂરી આપે છે.



1909ની સાલમાં ‘ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સિસ’ ની સ્થાપના થાય છે અને 1911માં એનું નામ ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સિસ’ કરવામાં આવે છે. જે સંશોધન ક્ષેત્રની એક ખુબજ પ્રતિષ્ઠિત સંસ્થા છે. દોરાબજી જમશેદજી ટાટા પોતાના પિતાએ સેવેલું સપનું સાકાર કરી પ્રથમ સ્ટીલ મેન્યુફૅકચરિંગ પ્લાન્ટ 1907 માં જમશેદપુર ખાતે શરુ કરે છે અને સાલ 1940 ના સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યમાં સ્ટીલ નું સૌથી વધુ ઉત્પાદન કરતો પ્લાન્ટ બની રહે છે.


સાચેજ, મહાનુભાવોની આકસ્મિક મુલાકાતો પણ રાષ્ટ્ર માટે ફળદાયી થતી હોય છે.



રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ રાઇટર

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ટેક્નોલોજી વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature