સાંખ્ય દર્શન : તર્કસંગત અભિગમ


સાંખ્ય દર્શન હિન્દુ ધર્મના છ આસ્તિક દર્શનોમાંનું એક છે. એ સિવાયના અન્ય પાંચ દર્શનો યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, ન્યાય, વૈશેશિખા આમ સાંખ્ય સાથે કુલ છ. સાંખ્ય દર્શનના જનક કપિલ મુનિ ને માનવામાં આવે છે. કપિલ મુનિ દ્વારા સાંખ્ય સૂત્રની રચના ઈસ્વીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં થઇ હશે એવું માનવામાં આવે છે. દુર્ભાગ્યે મહર્ષિ કપિલ દ્વારા રચાયેલો મૂળ ગ્રંથ આપણી પાસે આજે ઉપલબ્ધ નથી. કપિલ સિવાય અન્ય આચાર્યો જેવા કે પંચશિખચાર્ય, આસુરી વિગેરે દ્વારા લખાયેલા ગ્રંથો પણ ઉપલબ્ધ નથી. પરંતુ 3જી સદીની આસપાસ ઈશ્વરકૃષ્ણ દ્વારા રચિત "સાંખ્યકારિકા" એ હાલમાં સાંખ્ય દર્શન વિશેના સૌથી જૂના ગ્રંથ તરીકે ઉપલબ્ધ છે.


ભગવદ ગીતામાં કપિલ મુનિનો ઉલ્લેખ:


अश्वत्थः सर्ववृक्षाणां देवश्रीणां च नारदः |

गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः || (Chp 10, shlok 26)


ભાવાર્થ; ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને કહે છે, "હું સર્વ વૃક્ષોમાં વડ નું વૃક્ષ છું અને હું જ દેવ રીશીઓમાં નારદ છું, હું ગંધર્વોમાં ચિત્રરથ છું અને સિધ્ધ પુરુષોમાં હું જ કપિલ મુનિ છું."


ભગવદ ગીતામાં પણ આપણને સાંખ્યદર્શન નો પ્રભાવ જોવા મળે છે.


પ્રાચીન કાળમાં સાંખ્ય દર્શન ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત હતું. સાંખ્ય તત્વજ્ઞાન એક સમયે ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ ઉચ્ચ સ્થાન ધરાવતું. સિદ્ધ પુરુષો અને મહાન ચિંતકો સાંખ્ય પદ્ધતિ દ્વારા વિચારતા હતા. મહાભારતે તો એમ પણ કહ્યું છે કે,


ज्ञानं च लोके यदिहास्ति किंचित् सांख्यागतं तच्च महन्महात्मन् (शांति पर्व 301.109)


અર્થાત, આ સંસાર માં જે કઈ પણ જ્ઞાન છે, એ બધું સાંખ્ય માંથી આવ્યું છે.


શાંતિ પર્વના ઘણા સ્થળોએ સાંખ્ય દર્શનના વિચારોનો ઉલ્લેખ ઘણા કાવ્યાત્મક અને રસપ્રદ રીતે કરવામાં આવ્યો છે આનાથી સમજી શકાય કે મહર્ષિ વેદવ્યાસ ઉપર સાંખ્યનો કેટલો પ્રભાવ રહ્યો હશે.


ભગવાન બુદ્ધે પણ સાંખ્ય શાસ્ત્રની વિદ્યા મેળવી હતી. હવે સાંખ્યદર્શન છે શું એ સમજવાની કોશિશ કરીએ.



સંખ્યા શબ્દ પરથી સાંખ્ય શબ્દ બન્યો, મૂળ ચોવીસ તતવો અને પુરુષ પોતે એમ કુલ પચીસ તતવોના સમન્વયથી સાંખ્ય નામ રાખવામાં આવ્યું હશે એવું માનવામાં આવે છે.



કયા છે આ 25 તત્વો ?


मूलप्रकृतिविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयः सप्त |

प्रोड्शकस्तु विकारो न प्रकृतिनॅविकृतिः पुरुषः ||


1. મૂળ પ્રકૃતિ

2. મહત્ તત્વ (બુદ્ધિ-intellect)

3 . અહંકાર (ego)

4. પાંચ તન્માત્રાઓ ( સ્વરૂપ-ઘાટ{દ્રષ્ટિ દ્વારા નક્કી થાય}, ધ્વનિ, ગંધ, સ્વાદ, સ્પર્શ)

5. પાંચ જ્ઞાનેન્દ્રિયો (આંખ, કાન, નાક, જીભ, ત્વચા)

6. પાંચ કર્મેંદ્રિયો ( હાથ, પગ, વાણી, ઉત્સર્જન અંગ, પ્રજનન અંગ)

7. પંચ મહાભૂત ( જળ, અવકાશ, અગ્નિ, વાયુ, પૃથ્વી)

8. મન (mind)

9. પુરુષ(આત્મા-soul/individual)


આમ મૂળ પ્રકૃતિ અને તેમાંથી ઉત્પન્ન થનારા 23 તત્વો એમ કુલ ચોવીસ અને પચીસમો પુરુષ(આત્મા) પોતે.


दुःखत्रयाभिघाताज्जिज्ञासा तदभिघातके हेतौ ।

दृष्टे सापार्था चेन्नैकान्तात्यन्ततोऽभावात् ॥ (સંખ્યાકારિકા, શ્લોક 1)


અર્થાત, ત્રણ પ્રકારના દુઃખ(આધિ ભૌતિક, આધિ દૈવિક, આધ્યાત્મિક)ને કારણે, તેના પ્રતિકાર કરવાના સાધન જાણવા માટે આ તપાસ ઉભી થાય છે. જો એવું કહેવામાં આવે કે આવી તપાસ નકામી છે કારણ કે તે દૂર કરવાના સ્પષ્ટ માધ્યમ અસ્તિત્વમાં છે, તો એનો જવાબ આપણે ‘ના’ માં આપીશું, કારણકે આવું સાધન લાબું ચાલે એવું નથી અથવા તો (એટલું) અસકારક નથી.


વધુ સરળીકરણ,


દુખના કારણો સ્વ, બાહ્ય પ્રભાવો અને દૈવિક ક્રિયાઓ છે. શરીર અને મન દુખનું કારણ બને છે. દુઃખ ઉપર વ્યક્તિનું નિયંત્રણ હોય છે. જીવનમાં વ્યક્તિ દરરોજ પસંદગી કરે છે. અને આ પસંદગીઓ એક વ્યક્તિને(બીજી વ્યક્તિથી જુદી) વ્યાખ્યાયિત કરે છે. સાચી પસંદગી ખુશીનું કારણ છે અને ખોટી પસંદગી દુઃખનું કારણ છે. ભૂતકાળની પ્રવૃત્તિને ધ્યાનમાં લીધા વિના વ્યક્તિ તેના નિર્ણયને તર્કસંગત બનાવે છે.


અન્ય શ્લોક,


શ્લોક 2,3: સંખ્યાકારિકાના બે સિદ્ધાંતો છે- પ્રકુતિ અને પુરુષ. પ્રવર્તમાન ક્ષણની જાગૃતિ એ નિર્ણય લેતી વખતે પ્રકૃતિ પુરૂષને કેવી અસર કરે છે તે સમજવામાં પરિણમી છે. પુરુષ ન તો સર્જાયો છે કે નથી નાશ પામ્યો છે. તે પ્રકૃતિ સાથે અસ્તિત્વમાં છે.


શ્લોક 4: કલ્પના, અનુમાન અને વિશ્વસનીય શબ્દો, જ્ઞાનના ત્રણ વિશ્વાસપાત્ર માધ્યમો છે.


શ્લોક 5: ધારણા(સમજ-perception) એ ઇન્દ્રિય અંગો વચ્ચેની પારસ્પરિક ક્રિયાઓનું પરિણામ છે.


શ્લોક 6: અવલોકન(observation) જ્ઞાન આપનારું છે.


શ્લોક 12: ચકાસણીનું પ્રથમ પગલું એ વિવિધ ગુણનું મૂલ્યાંકન છે.


શ્લોક 20,21: વ્યક્તિ એ પુરુષ અને પ્રકૃતિનું સંયોજન છે.


શ્લોક 26,27: ગુણ અને મનની ક્રિયાઓ.


શ્લોક 32, 33: પ્રકૃતિ હંમેશા સંતુલનની સ્થિતિમાં રહે છે. ગુણની સ્થિતિ (સત્વ, રજસ, તમસ), જેની અસર બુદ્ધિથી(ntellect) શરૂ થાય છે જે અહમ દ્વારા વિકસિત થાય છે, અહમ મન(mind) દ્વારા ઉત્પન્ન થાય છે, મન પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પંચ મહાભુતથી વિકસિત થાય છે. બુદ્ધિ, અહમ અને મન વ્યક્તિને આંતરિક પરિસ્થિતિને સમજવા મદદ કરે છે અને દસ અંગો(પાંચ કર્મેંદ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો) બાહ્ય પરિસ્થિતિને સમજવા મદદ કરે છે.


સંદર્ભ : Srinivasan, G., From, T., & Krishna, I. (2000). Secret of Sankhya: Acme of Scientific Unification.

પ્રકૃતિ: સત્વ, રજસ અને તમસ આમ ત્રણ ગુણોની સંતુલિત વ્યવસ્થાનું નામ પ્રકુતિ છે. પ્રથમ બુદ્ધિ(intellect)ની રચના થાય છે. તેમાંથી અહંકાર(ego)ની અને અહંકારમાંથી પાંચ તન્માત્રાઓની(રૂપ, શબ્દ, સ્પર્શ, સ્વાદ, ગંધ) રચના થાય છે. ત્યાર પછી પાંચ જ્ઞાનેન્દ્રિયો , પાંચ કર્મેન્દ્રિયો અને અંતે પાંચ મહાભૂતની રચના થાય છે.



પુરૂષ(self soul): પુરૂષ એ ગુણાતીત, ઉત્તમોઉત્તમ અથવા શુદ્ધ ચેતના છે. તે નિરપેક્ષ, સ્વતંત્ર, મુક્ત, અગોચર, અને અન્ય માધ્યમો દ્વારા અજાણ છે. મન અથવા ઇન્દ્રિય દ્વારા ઉત્પન્ન કોઈપણ અનુભવથી ઉપર અને કોઈપણ શબ્દો અથવા ખુલાસાઓ થી આગળ છે. તે શુદ્ધ રહે છે. પુરૂષ ન તો ઉત્પન્ન થાય છે, ન તો ઉત્પન્ન કરી શકાય છે. પુરુષ જન્મ, મરણથી મુક્ત છે અને શાશ્વત છે. પુરુષ કર્તા નથી પણ પ્રકૃતિ કાર્ય કરે છે અને ભોક્તા(ભોગવનાર) હોવાને લીધે પુરુષ દુઃખી થાય છે. પુરુષ એક નથી પણ અનેક છે.



બ્રહ્મ/ઈશ્વર વિષે શું મત ધરાવે છે સાંખ્ય દર્શન?


ઈશ્વરકૃષ્ણની સંખ્યાકારિકા નાસ્તિક છે તેમાં એવું કહેવાયું છે કે પ્રકૃતિ સ્વયં વિશ્વની રચના કરી શકે છે. કર્મફળ ભોગાવવામાં પણ તેને ઈશ્વરની જરૂર નથી જણાતી. આમ સાંખ્યદર્શનનો એક ભાગ ઈશ્વરની આવશ્યકતા અનુભવતો નથી. જૈન અને બૌદ્ધ દર્શન ઉપર સાંખ્યદર્શનના આ ભાગની અસર જણાઈ રહી છે.


સાંખ્યદર્શનનો બીજો પણ એક ભાગ છે જે સાંખ્યની બધીજ વાતને ગ્રાહ્ય રાખે છે અને સાથોસાથ ઈશ્વરનો પણ સ્વીકાર કરે છે. જેને સેશ્વર સાંખ્ય કહેવામાં આવે છે. તેમના મત પ્રમાણે પુરુષ કદી ઈશ્વર બની શકે નહિ કારણકે ઈશ્વર કલેશ અને વાસનાથી મુક્ત હોય છે. મોક્ષ પામેલ પુરુષ પણ કદી ઈશ્વર બની ના શકે.


पूर्वेषामपि गुरकलेनानवच्छेदात |


અર્થાત ઈશ્વર મુક્ત થયેલા લોકોનો પણ ગુરુ છે.


सत्कार्यवाद શું છે?


સાંખ્ય દર્શનનો મુખ્ય આધાર સત્કાર્યવાદ છે. આ સિદ્ધાંત મુજબ, કાર્ય(effect) કારણ(cause) વગર ઉદ્ભવી શકતું નથી. પરિણામે, આ સિદ્ધાંત બૌદ્ધોનો પણ છે.


કાર્ય તેના મૂળના પૂર્વ કારણમાં અસ્તિત્વમાં છે. કાર્ય એ તેના કારણનો સાર છે. કાર્ય અને કારણ ખરા અર્થમાં સમાન પ્રક્રિયાના સ્પષ્ટ અને અસપષ્ટ સ્વરૂપો છે.



સત્કાર્યવાદના બે વિભાગ છે a) પરિણામવાદ અને b) વિવર્તનવાદ


પરિણામવાદી , માને છે કે કાર્ય તેના કારણનું વાસ્તવિક રૂપાંતર(transformation) છે.


ઉદાહરણ , તલનું તેલમાં રૂપાંતર અને દૂધ નું દહીંમાં રૂપાંતર



વિવર્તનવાદી, માને છે કે કાર્ય અવાસ્તવિક છે.


જેમકે દોરીમાં સાપનો આભાસ થવો.


સાંખ્ય દર્શનનો દૃષ્ટિકોણને પ્રકૃતિ-પરિણામવાદ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે દરેક કાર્ય (પરિણામ) પ્રકૃતિ(23 તત્વો) ને લીધે થાય છે.




આત્મા વિષે શું કહે છે સાંખ્ય દર્શન?


સાંખ્ય મત પ્રમાણે, આત્માઓ અનેક છે, એટલેકે દરેક શરીરમાં જુદો જુદો આત્મા છે. તે શરીરના આકાર પ્રમાણે સંકોચિત(contract) કે વિસ્તૃત(expand) થતા નથી, પરંતુ હંમેશા સર્વવ્યાપી રહે છે. પરંતુ શરીર અથવાતો તેની સાથે સંકળાયેલ મન અને આત્મા વચ્ચેનો સંબંધ એવો છે કે મનમાં જે પણ માનસિક ઘટના બને છે તે તેના આત્માના અનુભવ તરીકે અર્થઘટન કરવામાં આવે છે.


સાંખ્ય મત પ્રમાણે(argue), આત્મા જો અનેક ના હોતે અને એકજ હોત તો એકનું જન્મ અને મરણ થતા બધાનું જન્મ -મરણ થયું હોત. અંતમાં આ બધી આત્માઓથી પર જે છે એ છે પરમાત્મા.


મોક્ષ વિષે શું કહે છે?


સાંખ્ય દર્શનમાં, મુક્તિને સામાન્ય રીતે કૈવલ્ય તરીકે ઓળખવામાં આવે છે.


કૈવલ્ય એટલે પુરુષ(સ્વ આત્મા)ની અનુભૂતિ, મન અને શરીરથી સ્વતંત્ર, પ્રકૃતિથી અલગ.


હિન્દુ ધર્મના સાંખ્ય દર્શનમાં, મુક્તિ માટે જ્ઞાન અથવા વિદ્યા અથવા જ્ઞાનની પ્રાપ્તિ પર ભાર મૂક્યો છે. મૂળ પ્રકૃતિના નિવૃત્ત થઇ જવાથી પુરુષ(આત્મા) એકાંતિક અને આત્યંતિક રુપથી કૈવલ્યની પ્રાપ્તિ કરી લે છે. આમ પ્રકૃતિની નિવૃત્તિને જ મોક્ષ માનવામાં આવે છે. પુરુષ(સ્વ-આત્મા) ભોક્તા હોવાને લીધે દુઃખી થાય છે અને તેથી જ, જ્યાં સુધી પ્રકૃતિ નિવૃત્ત ન થાય ત્યાં સુધી એને મોક્ષનો આનંદ મળી શકે નહિ.



ભગવદ ગીતા સાંખ્ય વિષે શું કહે છે?


ભગવદ ગીતા સાંખ્યને સમજણ કે જ્ જ્ઞાનથી ઓળખે છે. પ્રાચીન(classical) સાંખ્યના સમાન અર્થમાં તેમનો ઉપયોગ થતો ન હોવા છતાં પણ ત્રણ ગુણોનો ઉલ્લેખ ગીતામાં પણ કરવામાં આવ્યો છે. ગીતા સાંખ્ય વિચારને ઇષ્ટવાદી ભક્તિ અને વેદાંતના નૈતિક બ્રહ્મ સાથે સાંકળે છે.


ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય સાંખ્ય યોગ છે. ભગવદ્ ગીતાનો આ સૌથી મહત્વપૂર્ણ અધ્યાય છે કારણ કે ભગવાન શ્રીકૃષ્ણ આ અધ્યાયમાં આખી ગીતાના ઉપદેશોનો સાર કરે છે. આ અધ્યાય એ સંપૂર્ણ ગીતાનો સાર છે.


ભયંકર દુઃખ, રાગ અને શોકમાં સારી પડેલ અર્જુનને અહીં મધુસુદન નાશવંત શરીર અને અવિનાશી આત્મા વિશેની સમજ આપે છે.


ઉદાહરણ,


અધ્યાય 2, શ્લોક 11


अशोच्यानन्वशोचसत्वं प्रज्ञावादांश्च भाषसे |

गतासुनगतासूंश्च नानुशोचन्ति पंडिताः ||


પરમેશ્વર અર્જુન ને કહે છે "તું વિદ્વતા ભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેનો શોક તું કરી રહ્યો છે. જેઓ વિદ્વાન હોય છે, તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી".


ભાવાર્થ: આ શરીર જન્મ આપે છે અને આજે કે આવતીકાલે એનો નાશ ચોક્કસ થવાનો છે, તેથી આત્મા જેટલો મહત્વપૂર્ણ છે, તેટલું શરીર મહત્વપૂર્ણ નથી. જે આ જાણે છે એજ ખરેખર વિદ્વાન છે.


શ્લોક 17


अविनाशि तू तद विद्वि येन सर्वमिदं ततम |

विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमहरति ||


જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તેને જ તું અવિનાશી જાણ. તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ સમર્થ નથી.


ભાવાર્થ: જે દુઃખનો અનુભવ થાય છે એ શરીરની ચેતનાને લીધે થાય છે. અને આ ચેતનાનો વ્યાપ મનુષ્યના શરીર પૂરતો જ માર્યાદિત છે. બીજું કોઈ શરીર આ જ ચેતના અનુભવતું નથી. દરેક શરીર વ્યક્તિગત આત્માનું મૂર્તરૂપ છે.


શ્લોક 22


वासांसि जीर्णानि यथा विहाय

नवानि गृह्णाति नरोऽपराणि |

तथा शरीराणि विहाय जीर्णा

न्यन्यानि संयाति नवानि देही || 22||


જેમ વ્યક્તિ જુના કપડાં ઉતારી નવા વસ્ત્ર ધારણ કરે છે એમ, આત્મા મૃત્યુ સમયે વૃદ્ધ અને ઘસાયેલા શરીરને ત્યજી નવું શરીર ધારણ કરે છે.


ભાવાર્થ : વ્યક્તિગત આત્માનું અન્ય શરીરમા સ્થળાન્તર પરમાત્માની કૃપાથી થાય છે. આમ પિતામહ અને ગુરુ દ્રોણ ના દેહાન્તર માટે શોક ના કર.



શ્લોક 39


एषा तेऽभिहिता सांख्ये बुद्धिर्योगे त्विमां श्रृणु।

बुद्ध्यायुक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि।।


હે પાર્થ ! મેં તને સાંખ્ય દ્વારા આ જ્ઞાનનું વર્ણન કર્યું. હવે નિષ્કામ ભાવે કર્મ કરવા વિષે સમજાવું છું તે સાંભળ. હે પૃથાપુત્ર, જો તું એવા જ્ઞાનથી કર્મ કરીશ, તો કર્મબંધનમાંથી પોતાને મુક્ત કરી શકીશ.


આમ ઉપર જણાવ્યું એમ, ગીતા સાંખ્યને ઈશ્વરવાદી માને છે. જે કપિલ મુનિના અનીશ્વરવાદી સાંખ્ય થી અલગ છે.


સાંખ્ય અને વેદાંત વચ્ચે શું તફાવત છે?



સાંખ્ય કહે છે કે પ્રકૃતિ એ વિશ્વનું મુખ્ય ભૌતિક કારણ છે. પ્રકૃતિ એ તમામ સ્થૂળ અને સૂક્ષ્મ ચીજોનું પ્રથમ અને અંતિમ કારણ છે.પ્રકૃતિ એ ચેતના વિનાની અને સમજ વિનાની છે અને તે પુરુષ (આત્મા) દ્વારા ખૂબ પ્રભાવિત થાય છે.



વેદાંત અદ્વૈતવાદી ફિલસૂફી છે કારણ કે ત્યાં એક માત્ર આત્મા છે જે વાસ્તવિક છે.


કારણમાં તફાવત:


ઉપર જોયું એમ સાંખ્ય, સત્કાર્યવાદ માં પરિણામવાદી છે. અસર તેના કારણનું વાસ્તવિક રૂપાંતર(transfromation) છે.



જયારે વેદાંત વિવર્તનવાદી છે એટલે કે તેના માટે કાર્ય (effect) અવાસ્તવિક છે. કોઈ વાસ્તવિક પરિવર્તન થતું નથી. બ્રહ્મ જ એકમાત્ર સાચું કારણ છે.


આ વિશ્વના નિર્માતા:


પુરુષ ન તો ઉત્પન્ન થાય છે, ન તો ઉત્પન્ન કરી શકાય છે. પ્રકૃતિ ઉત્પન્ન થતી નથી, પરંતુ તે આ વિશ્વનું નિર્માણ કરે છે.


અદ્વૈત વેદાંત કહે છે કે આત્મા એકલો જ આ જગતનું કારણ અને નિર્માતા છે.


સાંખ્ય પ્રકૃતિ(અચેતન)ને આ જગતનું કારણ માને છે, જે વેદાંત પ્રમાણે શક્ય નથી. વેદાંત કહે છે કે જડ પદાર્થ (પ્રકૃતિ) કંઈપણ બનાવી શકતો નથી.


જ્ઞાનના સાધનો:


સાંખ્ય પ્રમાણે, જ્ઞાન મળે છે પ્રત્યક્ષ (perception-ધારણા), અનુમાન (inference) અને શબ્દ (કપિલ દ્વારા લખાયેલ તેમના લખાણ અથવા આધારભૂત સૂત્રો )


અદ્વૈત તમામ છ પ્રમાણોને જ્ઞાનના સાધન તરીકે સ્વીકારે છે - પ્રત્યક્ષ (સમજ), અનુમાન (inference), ઉપમાન (તુલના-comparison), અર્થપટ્ટી (postulate -પૂર્વધારણા), અનુપલભ્ધી (Non-apprehension), અને શબ્દ (વેદો, ગ્રંથો)


બંધન અને મુક્તિ:


વેદાંત અને સાંખ્ય બંને અજ્ઞાનતાને બંધન અને દુખના મૂળ કારણ તરીકે ગણે છે.


તેમના મતે સ્વ-આત્મા શાશ્વત, શુદ્ધ ચેતન છે, પરંતુ અજ્ઞાનતાને લીધે આત્મ પોતાને શારીરિક રીતે ઓળખે છે.


એકવાર આ ખોટી ઓળખ અને ભૌતિક બંધનોથી સ્વ મુક્ત થઈ જાય, પછી મુક્તિ પ્રાપ્ત થાય છે.


નિર્ણય લેવામાં(decision making) સાંખ્ય દર્શન:


સભાન મન(conscious mind) પાછલાં અને આવનારા નિર્ણયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને બાહ્ય વાતાવરણ નિર્ણય લેવા માટેનો પાયો છે. જોકે પાછલાં નિર્ણયોને બદલી શકાતા નથી પરંતુ એનું વિવેચન શક્ય છે. સાંખ્ય દર્શન પચીસ તત્વો સાથે વ્યક્તિગત વર્તનના સંબંધને સમજાવે છે. અને આ તત્વો વ્યક્તિના નિર્ણયોમાં ફેરફાર કરે છે.


કોઈ વ્યક્તિ કયા સંજોગોમાં નિર્ણય લે છે તે સાંખ્ય દર્શનથી સમજી શકાય છે. પ્રકૃતિ(ઉપરના બધા 23 તત્વો સાથે) પુરુષ(આત્મા/ચેતના) ને તેના વર્તન ઉપર અસર કરે છે જે તેને નિર્ણય લેવા તરફ દોરી જય છે. પુરુષનો પ્રયાસ પરિસ્થિતિ અનુસાર સૌથી ઉત્તમ નિર્ણય લેવાનો છે અને એ કાર્યમાં પ્રકૃતિ સંજોગોને પ્રભાવિત કરે છે.

આયુર્વેદ અને સાંખ્ય દર્શન નો સંબંધ:

Source: Interrelation Between Tridosha & Triguna

સાંખ્ય યોગમાં આપણે પ્રકૃતિ(તમામ 24 તત્ત્વો) અને પુરુષ જોઈ ગયા. પાંચ જ્ઞાનેંદ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ તન્માત્રાઓ અને પંચ મહાભૂત વિષે જોયું આપણે ત્રિવિધ દુઃખો(આધિ ભૌતિક, આધિ દૈવિક, આધ્યાત્મિક) જોઈ ગયા. ત્રણ ગુણો(સત્વ, રજસ તમસ) વિષે સમજ મેળવી. ત્રણ પ્રકારના પ્રમાણ જોયા. સત્કાર્યવાદ વિષે સમજ મેળવી.

આયુર્વેદમાં સાંખ્યાના આ મૂળભૂત સિદ્ધાંતો લેવામાં આવ્યા છે. આયુર્વેદ અનુસાર વ્યક્તિમાં અસ્તિત્વ ધરાવતા ત્રણ ગુણધર્મો ત્રિદોષ તરીકે ઓળખાય છે; તે વાત, પિત્ત અને કફ છે. આયુર્વેદ મહત્તમ આરોગ્ય પ્રાપ્ત કરવા સાંખ્ય દર્શનના આ તમામ પાસાઓને આયુર્વેદિક સિદ્ધાંતના નામે ઓળખે છે. દોષના ગુણધર્મો સમય, ખોરાક, ઋતુ અને અન્ય પરિબળો દ્વારા વ્યક્તિના મન અને શરીરને પ્રભાવિત કરે છે. આયુર્વેદાચાર્ય ચરક ઉપર સાંખ્ય દર્શનનો પ્રભાવ જોઈ શકાય છે.


રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી, કરંટ અફેર્સ વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature