વાત શાંતિપાઠનાં શાંતિમંત્રોની

મનુષ્યમાટે "શાંતિ" અનિવાર્ય છે. જો મનુષ્યના જીવનમાં શાંતિ નથી હોતી તો તે અન્ય સમસ્યાઓને નોતરે છે અથવા તો અન્ય સમસ્યાઓ શાંતિ હણે છે. હિન્દુ ધર્મમાં હજારો વર્ષો પેહલા આ પાયાની જરૂર "શાંતિ"ની જરૂરિયાત વેદોના રચયિતાઓએ જાણી લીધી હતી. તે ઉપરાંત હિન્દૂ ધર્મમાંથી જ ઉત્પન્ન થયેલા જૈન તથા બૌદ્ધ ધર્મ તો એમાં અહિંસા જોડે છે, જે શાંતિ માટેનું વધુ એક આગળનું પગલું છે. કોરોનાકાળમાં મે મહિનામાં અમેરિકન રાષ્ટ્રપતિ નિવાસ વ્હાઇટ હાઉસ ખાતે શાંતિ મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. આમ રાષ્ટ્માં, સમાજમાં અને અંગત જીવનમાં શાંતિ હોવી અતિ આવશ્યક છે.

વેદો અને ઉપનિષદમાં આ બાબતને ધ્યાનમાં રાખી કેટલાક શાંતિ મંત્રો ઘડવામાં આવ્યા છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત તથા સમાપ્તિ પર આવા શાંતિ મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. આ મંત્રોના ઉચ્ચારણ પછી ૐ શબ્દ પછી ત્રણ વાર શાંતિ, શાંતિ , શાંતિ બોલવામાં આવે છે. નાનપણ માં આ વાતની નોંધ લીધી હતી પણ ત્યારે ખબર નોહતી કે આ ત્રણ વાર ઉચ્ચારણ કેમ કરવામાં આવે છે. ઉપનિષદો ગહન અધ્યયન માંગતા હોઈ તેમાં કેટલાક વિષયનોની શરૂઆતમાં શાન્તિમંત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એની પાછળનો હેતુ એ કે શાંતિમંત્રો વિદ્યાર્થીના મનને તથા આસપાસના વાતાવરણને શાંત કરે છે એવું માનવામાં આવે છે. અને વધુ બહોળા અર્થમાં જોઈએ તો ઉદાહરણ તરીકે, કોરોના સામેની લડાઈ ફક્ત ભારતની નથી પરંતુ સમગ્ર વિશ્વની છે તો એ કાર્ય માટે પણ એટલેકે, સાર્વત્રિક સુખાકારી અને શાંતિ માટે પણ શાંતિ મંત્ર યોગ્ય પુરવાર થાય.



શા માટે શાંતિ શબ્દનું ત્રણ વાર ઉચ્ચારણ થાય છે?


ત્રણ વખત બોલવાનું કારણ એ કે ત્રણ ક્ષેત્રમાં અવરોધો દૂર કરવા અને શાંતિ સ્થાપવી.


आधि -भौतिका એટલે કે બાહ્ય(physical) સ્વરૂપે આવતી બાધા કે અડચણ, જેમકે પ્રાકૃતિક આફતો, લોકો, જંગલી પશુઓનો હુમલો વિગેરે..


आधि-दैविका એટલે કે દૈવી(divine) સ્વરૂપે આવતી બાધા જેવીકે પરમાત્મા અને મનુષ્ય વચ્ચેના દેવતાઓ, આત્માઓની દુનિયા વિગેરે દ્વારા આવતી


आध्यात्मिक એટલેકે આંતરિક(internal) સ્વરૂપે આવતી બાધા જેવીકે પીડા, રોગ, આળસ, અનુપસ્થિત મન(absent mind) વિગેરે.


જ્યારે શાંતિ મંત્રનો પાઠ કરવામાં આવે છે, ત્યારે આ ક્ષેત્રમાંથી અવરોધો શાંત થયા હોવાનું માનવામાં આવે છે. આમ ઉપનિષદોમાં શાંતિનો અર્થ બોહળો છે.



કયા કયા છે શાન્તિમંત્રો?


મુખ્ય ચાર મંત્રોમાંનો પ્રથમ મંત્ર


ॐ भद्रं कर्णेभिः श्रुणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः

स्थिरै रङ्गैस्तुष्टुवाग्ंसस्तनूभिः व्यशेम देवहितम् यदायुः।

ॐ शान्तिः शान्तिः शान्तिः॥


હે દેવો ! આપણે ( ભગવાનનું યજ્ઞ, પૂજન વિગેરે સત્કર્મો કરતા કરતા) કાનોથી શુભ વચનો જ સાંભળતા રહીએ; આંખોથી શુભ વસ્તુ નિહાળતા રહીએ; સુદ્યઢ અંગો તથા શરીર દ્વારા દેવતાઓના માટે નિર્મિત થયેલું પૂર્ણ આયુષ્ય તથા કલ્યાણકારી આયુષ્ય ભોગવતા રહીએ.


આ મંત્ર અથર્વવેદમાંથી લેવામાં આવ્યો છે અને તે પ્રશ્ન, મુણ્ડક, અને માંડુક્ય ઉપનિષદ ના શાંતિપાઠમાં ખાસ ઉપયોગમાં લેવાયો છે.


શાંતિ પાઠનો બીજો મંત્ર છે


स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः।

स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु॥

ॐ शान्तिः शान्तिः शान्तिः॥


યશશ્વી ઇન્દ્ર આપણા માટે શુભ રહે; વિશ્વના જાણકાર પૃથ્વીના દેવ અમને કલ્યાણ પ્રદાન કરે; વિઘ્નોને હણનાર ગરુડ અમને કલ્યાણ આપે, બુદ્ધિના આચાર્ય બૃહસ્પતિ આપણું કલ્યાણ સુનિશ્ચિત કરે.


આ મંત્ર પણ પ્રશ્ન, મુણ્ડક, અને માંડુક્ય ઉપનિષદ ના શાંતિપાઠમાં ખાસ ઉપયોગમાં લેવાયો છે.


શાંતિ પાઠનો ત્રીજો મંત્ર છે


ॐ सह नाववतु | सह नौ भुनक्तु | सह वीर्यं करवावहै |

तेजस्विनावधीतमस्तु । मा विद्विषावहै॥

ॐ शान्तिः शान्तिः शान्तिः॥


હે ભગવાન અમારા બંનેનું સાથે રક્ષણ કરો, ભગવાન અમને બંનેને એક સાથે પોષણ આપે; અમે મહાન શક્તિ સાથે સંયુક્ત રીતે કામ કરીએ; અમારો અભ્યાસ ઉત્સાહી અને અસરકારક બને; અને અમે પરસ્પર વિવાદ ન કરીએ (અથવા આપણે કોઈને ધિક્કારીએ નહીં).


આ મન્ત્ર ગુરુ અને શિષ્ય એમ બંને દ્વારા બોલાય છે. શાળામાં આ મંત્ર સવારની પ્રાર્થનાનો હિસ્સો અચૂક હોય છે. આ મંત્ર તૈતેરેય, કથા તથા શ્વેતાશ્વતર ઉપનિષદ માં પ્રયોજાયો છે.


શાંતિ પાઠનો ચોથો મંત્ર છે



पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्यते |

पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ||

ॐ शान्तिः शान्तिः शान्तिः


તે ( પ્રકૃતિથી પર) બ્રહ્મ પૂર્ણ છે, આ જગત પણ પૂર્ણ છે ; પૂર્ણમાંથી પૂર્ણ જ પ્રગટ થાય; પૂર્ણમાંથી પુર્ણને લઇ લેવામાં આવે તો પણ પૂર્ણ(બ્રહ્મ) અવશિષ્ટ રહે છે.


બ્રિહદકરણ્યક ઉપનિષદ અને ઈશાવાસ્ય ઉપનિષદ માંથી લેવામાં આવ્યો છે.



વેદમાં અન્ય ઘણા શાંતિમંત્ર છે, જેમાંના બે સૌથી પ્રખ્યાત


ॐ द्यौः शान्तिरन्तरिक्षं शान्तिः

पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः ।

वनस्पतयः शान्तिर्विश्वेदेवाः शान्तिर्ब्रह्म शान्तिः

सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि ॥

ॐ शान्तिः शान्तिः शान्तिः ॥


ત્યાં સમગ્ર આકાશમાં તેમજ વિશાળ અંતરિક્ષમાં શાંતિ થાય ( પરમાત્મા દ્વારા )આ પૃથ્વી પર, પાણીમાં અને બધી ઔષધીઓમાં, વનસ્પતિમાં આખા બ્રહ્માંડમાં શાંતિ પ્રગતિ થાય. આખા બ્રહ્માંડમાં શાંતિ રહે. અને હંમેશાં શાંતિમાં અસ્તિત્વ રહે.


असतो मा सद्गमय ।

तमसो मा ज्योतिर्गमय ।

मृत्योर्माऽमृतं गमय ॥

ॐ शान्तिः शान्तिः शान्तिः ॥


(હે પ્રભુ)અમને અવાસ્તવિક થી વાસ્તવિક તરફ દોરો; અમને અંધકારથી પ્રકાશ તરફ દોરો; અમને મૃત્યુથી અમરત્વ તરફ લઇ જાઓ .


વ્યક્તિગત રીતે શાન્તિમંત્રોનું શું મહત્વ છે?


(સ્વ) મન, (સ્વ) ચિત્ત તથા (સ્વ) આત્મા, ઉપર જણાવેલ ત્રણે રીતે (ભૌતિક, દૈવિક, આધ્યાત્મિક) શાંત રહે કે કે જેથી આપણે અદ્યયન તથા સત્કર્મો કરી શકીએ.

શાંતિ મંત્ર વ્યક્તિગત ધ્યાનને સુષુપ્તિ( deep sleep) માં જવા વગર કુદરતી શાંતિ સાથે સ્થાયીકરણ કરવામાં મદદ કરે છે. જેને લીધે તે ધ્યાન માટેનું ઉપયોગી સાધન બની રહે છે.


રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી, કરંટ અફેર્સ વિગેરે મારા ગમતા વિષયો છે.

કૉમેન્ટ્સ (Responses)
Copyright @gujaratibynature