લગ્ન બાદ પણ બ્રહ્મચારી? ભોજન બાદ પણ ઉપવાસી?

જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમના "પૂર્ણ અવતાર" માં પ્રગટ થયા, તેમણે હજારો પત્નીઓ સાથે લગ્ન કર્યા.


ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની જાતને હજારો સ્વરૂપોમાં વિસ્તૃત કરી, જેથી તેમાંથી કોઈ પણ ક્યારેય વંચિત ન રહે અને દરેક પત્ની પાસે કૃષ્ણ હોય.


કૃષ્ણ તે દરેક સાથે રહેતા હતા, પતિ તરીકેની તેમની તમામ ફરજો પૂરી કરતા હતા, જેમાં તેમની પારિવારિક ફરજોનો પણ સમાવેશ થાય છે.


એક દિવસ, શ્રી કૃષ્ણે તેમની બધી પત્નીઓ સાથે ગંગા નદીના એક કિનારે પડાવ નાખ્યો. દુર્વાસા મુનિ, તેમના તમામ શિષ્યો સાથે ગંગાના સામે કિનારે આરામથી બેઠા હતા.


દુર્વાસા તેની મોટી ભૂખ માટે જાણીતા હતા અને સ્વાદિષ્ટ ભોજન માટે પણ જાણીતા હતા. દુર્વાસા મુનિનો મહા ક્રોધી સ્વભાવ પણ એટલો જ પ્રખ્યાત હતો, અને જેઓએ તેમને આદર અને સત્કાર ન બતાવ્યા હોય તેમને શાપ આપવાનું વલણ હતું.


શ્રી કૃષ્ણની પત્નીઓ દુર્વાસા ઋષિના આશીર્વાદ લેવા માટે ખૂબ જ ઉત્સુક હતી અને તેમાંથી દરેકે તેમના માટે ખાસ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી કે જેથી મુનિ તેમના ઉપર પ્રસન્ન થાય.


જો કે જ્યારે તેઓ તેમના પ્રસાદ સાથે નદી પાર કરવા પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે નદીમાં પૂર હતું અને તેને પસાર કરવું અશક્ય હતું.


તમામ રાણીઓ કૃષ્ણ પાસે પહોંચે છે અને સમસ્યાની રજૂઆત કરે છે.


શ્રી કૃષ્ણ તેમને નદી પાસે જઈને આ પ્રમાણેની પ્રાર્થના કરવા કહે છે: " હે ગંગા માતા, જો અમારા પતિ શ્રી કૃષ્ણ "નિત્ય બ્રહ્મચારી"(eternally celibate) હોય , તો અમને સામે પાર જવાનો માર્ગ આપો." પત્નીઓ આ પ્રાર્થના સાંભળીને આશ્ચર્યચકિત થાય છે અને કહે છે પ્રભુ તમે તો બ્રહ્મચારી નથી, તમે દામ્પત્ય જીવન નિર્વાહ કરો છો તો આવું કઈ રીતે અમે કહી શકીએ! પરંતુ, શ્રી કૃષ્ણ આજ પ્રાર્થના નદી પાસે જઈ કરવાનો આગ્રહ કર છે.


તમામ રાણીઓ નદી પાસે જઈ, ઉપર પ્રમાણેની પ્રાર્થના કરે છે અને ગંગા નંદી તેમને સામે પર જવાનો માર્ગ કરી આપે છે, કે જેથી તેઓ દુર્વાસા મુનિ પાસે ભોજન લઈને જઈ શકે.


સામે પર પહોંચી દુર્વાસા મુનિને સ્વાદિષ્ટ ભોજન કરાવે છે, દુર્વાસા મુનિ પ્રસન્ન થાય છે અને તમામ રાણીઓ પાછી પોતાના પતિ શ્રી કૃષ્ણ પાસે જવા નીકળે છે. પરંતુ ગંગા નદીમાં ફરી પૂર હોય છે અને સામે કિનારે જવાનો માર્ગ સુઝતો નથી.


આથી તેઓ, દુર્વાસા મુનિ પાસે સામે કઈ રીતે જવું એ સમસ્યા લઇ પહોંચે છે.


દુર્વાસા મુનિ તેમને કહે છે, નદી પાસે જઈ આ પ્રમાણેની પ્રાર્થના કરો " હે ગંગા માતા, દુર્વાસા મુનિ જો "નિત્ય ઉપવાસી" (one who eternally fasts) હોય, તો અમને સામે પર જવાનો માર્ગ કરી આપો." તમામ રાણીઓ આશ્ચર્યચકિત થઇ દુર્વાસા મુનિને કહે છે હે ઋષિ તમે તો સ્વાદિષ્ટ ભોજન માણવા માટે પ્રખ્યાત છો, તો અમે આવી પ્રાર્થના કઈ રીતે કરી શકીએ. પરંતુ દુર્વાસા મુનિ તેમને આજ પ્રાર્થના કરવા માટે આગ્રહ કરે છે.


મુનિએ જણાવેલ પ્રાર્થના કરી ગંગા નદી તેમને માર્ગ કરી આપે છે.


આશ્ચર્યચકિત પત્નીઓ શ્રી કૃષ્ણ ને કહે છે કે હે પ્રભુ, નદી તમને નિત્ય બ્રહ્મચારી સમજે છે અને દુર્વાસા મુનિને નિત્ય ઉપવાસી કે જે હકીકત નથી.


ભગવાન શ્રી કૃષ્ણ સમજ આપે છે,


વિદ્વાન મનુષ્ય માટે સારા કર્મ અને ખરાબ કર્મને સમજવું ખુબજ મુશ્કેલ છે. અકર્મ (no action) અથવા તો કર્મોમાંથી મુક્ત કઈ રીતે થવું તે સમજવું વધારે મુશ્કેલ છે. કારણકે કર્મની ગતિ ગહન છે.


કર્તાપણાની ભાવના અને કર્મ ફળની આશા રાખ્યા વિના કરેલ તમામ કર્યો તથા પરમાત્મા પર મન લગાવીને કરેલ તમામ કાર્યો અકર્મ છે. અને જે વ્યક્તિ આ ધ્યાનમાં રાખીને વૈવાહિ સંબંધોમાં જોડાય છે એ નિત્ય બ્રહ્મચારી છે, અને જે વ્યક્તિ આ ભાવનાથી આહાર લે છે એ નિત્ય ઉપવાસી છે.


કમળનું પાન પાણીમાં રહે છે, પરંતુ તે ક્યારેય ભીનું થતું નથી. તેને જયારે બહાર કાઢી લેવામાં આવે ત્યારે તેના પર પાણીના ટીપા સુદ્ધા ટકતા નથી. તેજ રીતે આવી અવસ્થામાં પહોંચેલ વ્યક્તિ નિષ્પાપ છે. તેઓ ત્યાગ અને ભક્તિની ભાવનામાં પરમાત્મા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પ્રકૃતિને તેની ફરજો બજાવવા દે છે, તેઓ કમળના પાંદડા સમાન છે. શ્રી કૃષ્ણ વૈવાહિ સબંધોમાં છે પરંતુ તેઓ સતત ધર્મ વિષે વિચારે છે અને તેના નિયમોનો ભંગ કરતા નથી આથી તેઓ નિત્ય બ્રહ્મચારી છે. દુર્વાસા મુનિ પણ આજ દરજ્જો ધરાવતા ઋષિ છે, તેઓ આહારની ઈચ્છાથી આકર્ષાઈને નહિ પરંતુ રાણીઓનું મન રાખવા માટે આહાર લે છે તેથી તેઓ નિત્ય ઉપવાસી છે.



અહીં શ્રી કૃષ્ણ અને દુર્વાસા મુનિ , કર્મ માં અકર્મ અને અકર્મ માં કર્મ ને જુએ છે. અને આ અવસ્થામાં પહોંચેલ વ્યક્તિજ ખરા અર્થમાં સિદ્ધ યોગી છે. કર્મ માંથી છુટકારો મળી શકતો નથી. કર્મ કર્યા વિના મનુષ્ય પોતાનો જીવન નિર્વાહ પણ કરી શકતો નથી.



આમ કમળના પાન જેવા બનવું, અને બધી ક્રિયાઓ ભક્તિ અને ત્યાગની ભાવનાથી કરવી.


સંદર્ભ: गार्ग्यसंहिता





રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી, કરંટ અફેર્સ વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature