ઔરંગઝેબ ને ઝુકાવનાર એક વ્યાપારીની વાત


સુરત ઇતિહાસના પાનાં ઉપર એક ઔદ્યોગિક શહેરની છાપ ધરાવે છે. સૌપ્રથમ સુરજપુર ત્યારબાદ સુર્યપુર અને અને પછી સુરત તરીકે ઓળખાયું. સાલ 1514માં પોર્ટુગીઝ પ્રવાસી ડ્યુઅર્ટ બાર્બોસાએ સુરત એક મહત્વપૂર્ણ દરિયાઈ બંદર હોવા વિષે નો ઉલ્લેખ કર્યો અને માલાબાર તથા વિશ્વના વિવિધ ભાગોથી વહાણો આવતા. સુરતની વાત એટલે કરી કેમકે એ સમયગાળાના સુરતના એક વ્યાપારીની આ વાત છે.



[ઈ.સ. 1612 અંગ્રેજોની ભારતમાં પ્રથમ કોઠી -સુરત ]

[17મી સદીમાં ધમધમતું સુરત બંદર ]

વિશ્વનું સૌપ્રથમ પ્રિન્ટેડ (મુદ્રિત) પુસ્તક આશરે 868ની સાલમાં ચીનમાં છપાઈ હતી. તાંગ સામ્રાજ્યમાં ચીનના દુહાન્ગ નું બદ્ધિસ્ટ પુસ્તક "ડાયમંડ સૂત્ર" એ વિશ્વનું સૌપ્રથમ મુદ્રિત પુસ્તક માનવામાં આવે છે. પરંતુ ચીનની આ ટેક્નોલોજીથી હજી યુરોપ કે ભારત અવગત નોહતા. જયારે 15મી સદીમાં યુરોપમાં મુદ્રણ થયું ત્યારે કોઈએ ધાર્યું નહિ હોય કે આ સમગ્ર માનવસમાજના બૌદ્ધિક વિકાસ માટે અગત્યનું પરિબળ પુરવાર થશે. એ એક નવા સમયની શરૂઆત હતી. રોમન સામ્રાજ્યમાં પુસ્તકોનો ફેલાવો, સ્વતંત્રતાની અનુભૂતિ અને લોકશાહી ચેતનાના ઉદયનો સમય હતો. એમાં મુખ્ય પરિબળ જર્મન શોધકર્તા જોહાન્સ ગુટેનબર્ગ હતા જેમણે 1440માં પ્રિન્ટિંગ પ્રેસની શોધ કરી, જેના પરિણામે યુરોપીય પુનર્જીવન અને આધુનિક યુગનો ઉદભવ થયો. ભારતમાં પ્રિન્ટિંગ પ્રેસ ક્યારે આવ્યું હશે એ વિષે આપણને કુતુહલતા થાય એ સ્વાભાવિક છે. ભારતમાં આ સમયગાળા દરમિયાન જ સર ટોમસ રો મુઘલ બાદશાહ જહાંગીરના દરબારમાં ભારતમાં ઉદ્યોગ શરુ કરવાનો પરવાનો માંગે છે. ભારતમાં હજી પ્રિન્ટિંગ પ્રેસ પહોંચ્યું નોહતું.



પોર્ટુગીઝ વેપારીઓ ભારતમાં અંગ્રેજો પહેલાં આવ્યા પરંતુ પ્રિન્ટિંગ પ્રેસ ટેકનોલોજીમાં એમનું યોગદાન બાઇબલ વિતરણ સુધી સીમિત હતું. અંગ્રેજો વર્ષ 1612 માં ભારતમાં પોતાની પ્રથમ વ્યાપારિક કોઠી સુરતમાં સ્થાપે છે. આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતમાં શરૂઆત હતી, હજી તેણે પોતાની મજબૂત હાજરી પુરાવી નોહતી. શરૂઆતના વર્ષોમાં વ્યાપારિક હેતુ સિદ્ધ કરવા કંપની દ્વારા ગુજરાતી વ્યાપારીઓની મદદ લેવાતી. આવાજ એક સુરતી વ્યાપારી હતા ભીમજી પારેખ.

[મુઘલ બાદશાહ ઔરંગઝેબ]

17મી સદીમાં સુરત ક્રૂર મુઘલ બાદશાહ "આલમગીર" ઔરંઝેબનાં આધિપત્યમાં આવતું. ઔરંગઝેબ એની ધાર્મિક કટ્ટરતા માટે બદનામ હતો. મુઘલ અધિકારીઓ દ્વારા એ સમયે સુરતના ઉચ્ચ વેપારી વર્ગમાં જબરજસ્તીથી ધર્માંતરણ કરવામાં આવતું. સુરત નગરશેઠ ભીમજી પારેખનું નામ ઔરંગઝેબના દરબાર સુધી પ્રખ્યાત હતું. ભીમજી પારેખ મુઘલ શાસનની આ દમનકારી પ્રવૃત્તિના વિરોધમાં સુરતમાં જડબેસલાક બંધનું એલાન આપે છે. આ આંદોલનમાં તમામ પ્રકારની વ્યાપાર વાણિજ્યની ગતિવિધિ બંધ થઇ ગઈ અને મામલો ઔરંગઝેબના દરબાર સુધી પહોંચ્યો. ગાંધીજીના જન્મના લગભગ 200 વર્ષ પેહલા સાલ 1669માં ભીમજી પારેખ દ્વારા શરુ કરાયેલું આ પ્રથમ અહિંસક આંદોલન હતું. એટલુંજ નહિ, ત્રણ મહિના સુધી ચાલેલા આ આંદોલનથી ‘કર’ ની ઓછી અવાક થતા ઔરંગઝેબ અકળાય છે એની અક્કલ ઠેકાણે આવે છે કે મુઘલોની જાહોજલાલી આ વ્યાપારીઓના લીધે જ છે. અંતે તે વ્યાપારી ગતિવિધિ પુન: શરુ કરવા માટે માફી પણ માંગે છે અને આગળથી આવું ન થાય એની ખાતરી પણ આપે છે. સુરત ફરી વેપાર વાણિજ્યમાં ધમધમતું થાય છે.

તે સમયે મુંબઈ હજી આધુનિક શહેર તરીકે વિકસી રહ્યું હતું. સુરતની કોઠી તથા મુંબઈના ગવર્નર તરીકે કંપની દ્વારા જેરાલ્ડ ઓનગિયારની નિમણુંક થાય છે. ઓનગિયાર આ તકનો લાભ લઇ અને મુંબઈને વિકસિત કરવાના હેતુથી સુરતના વેપારીઓ તથા કુશળ કારીગરોને મુંબઈ સ્થળાંતરિત થવાનું આમંત્રણ આપે છે. સાલ 1674માં ભીમજી પારેખ લગભગ 800 હિન્દૂ અને જૈન વ્યાપારીઓ સાથે મુંબઈ સ્થાનાંતરિત થાય છે. વધુમાં એમાં સુરતમાં વસેલા પારસી, યહૂદી, આર્મેનિયન, બોહરા, તુર્કીશ વિગેરે લોકો પણ મુંબઈ જતા રહે છે. મુંબઈમાં શરૂઆતી વર્ષોમાંજ બહુસાંસ્કૃતિક સ્વરૂપ બહાર આવવા માંડે છે. ત્યાં મોટી ઇમારતો બનવાનું અને ઝડપી શહેરીકરણ શરુ થાય છે. મુંબઈ પ્રાંતના ગવર્નર જેરાલ્ડ ઓનગિયારના પ્રયત્નોથી સૌ પ્રથમ 1670 માં મુંબઈમાં ટંકશાળની સ્થાપના કરવામાં આવી હતી.


સાલ 1675માં ભીમજી પારેખ દ્વારા મુંબઈમાં પ્રિન્ટિગ પ્રેસ સ્થાપવામાં આવે છે. તેઓ આ પ્રેસ સુરતમાં શરુ કરવા માંગતા હતા. તેમનામાં નવા યુગનું સપનું અને અદભુત જુસ્સો હતો. ભીમજી પારેખે પ્રિન્ટિંગ મશીન ઇંગ્લેન્ડથી આયાત કર્યું હતું. ઇતિહાસકાર મકરંદ મહેતા તેમના પુસ્તક “ઇન્ડિયન મર્ચેન્ટ એન્ડ ઇન્ટોપ્રિનર્સ ઈન હિસ્ટોરિકલ પર્સપેકટીવ" માં લખે છે કે 'ભીમજી પારેખ ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે કમિશન એજન્ટ હતા અને સિક્કાઓની આપ-લે કરતા હતા. તેમની સેવાઓથી પ્રભાવિત થઈને, કંપનીએ તેમને મેડલ અને સોનાની ચેઇન પણ આપી, જેની કિંમત 1683 માં 150 શિલિંગ્સ હતી.’


જે. બી. પ્રીમરોઝ પોતાના પુસ્તક "અ લંડન પ્રિન્ટર્સ વિઝિટ ટુ ઇન્ડિયા" માં લખે છે કે ભીમજી પારેખે મુંબઈ પ્રાંતના તત્કાલીન ગવર્નર, જેરાલ્ડ ઓનગિયારને વિનંતી કરી હતી કે, પ્રિન્ટિંગ મશીન ની સાથે તેનો એક નિષ્ણાત પણ આવે જે બ્રાહ્મી લિપિ(આધુનિક દેવનાગરી)માં મુદ્રણ કરી શકે અને એના માટે પારેખ તેને ત્રણ વર્ષ માટે 50 પાઉન્ડનું મહેનતાણું ચૂકવવા પણ તૈયાર હોય છે.


ભીમજીની વિનંતી પર, ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ હેનરી હિલ્સ નામના એક છાપકામ નિષ્ણાતને અહીં મોકલ્યો. તે બ્રાહ્મી લિપિના અક્ષરો તૈયાર કરવાનું કામ શરુ કરે છે. પરંતુ તેની ભારતીય ફોન્ટમાં એટલી નિપુણતા હોતી નથી એટલે કામ અટકી પડે છે. ભીમજી ઈસ્ટ ઇન્ડિયા કંપની ને બ્રાહ્મી લિપિના અક્ષરોનું કાસ્ટિંગ કરી શકે એવા ટાઈપ ફોઉંડેરને બોલાવવા વિનંતી કરે છે. તેઓ ભારતની ઐતિહાસિક બ્રાહ્મી લિપિમાં લખાયેલા શાસ્ત્રો, ગ્રંથો, પાંડુલિપિ વિગેરે હસ્તપ્રતોને પાંદડા માંથી કાગળ ની દુનિયામાં લાવવા માંગતા હતા. હેનરી હિલ્સ કામ અધૂરું મૂકીને પાછો ફરે છે. આ માટે ભીમજી કરારભંગ બદલ હેનરી હિલ્સ પર કેસ પણ કરે છે. ભીમજીએ સ્થાનિક લોકોને આ કાર્ય કરાવવા માટે પ્રયાસ કર્યા પરંતુ ઝાઝી સફળતા હાથ ન લાગી. તેમનો આ પ્રયાસ તેમના જીવનના અંત સુધી તેમણે ચાલુ રાખ્યો. જોકે એમના પ્રેસમાં રોમન લિપિમાં છાપકામ ચાલતું રહ્યું.


1680 માં ભીમજી પારેખના મૃત્યુ પછીના ઘણા વર્ષો પછી, અંગ્રેજી ટાઇપોગ્રાફર અને ભારત વિશેના વિદ્વાન ચાર્લ્સ વિલ્કિન્સે દેવનાગરી ફોન્ટ્સ બનાવ્યાં અને 1805 માં દેવનાગરીમાં છપાયેલું પહેલું પુસ્તક 'ભગવદ ગીતા' હતું. ત્યારબાદ તો ભારતીય મુદ્રણ વ્યવસાયે પાછા વળીને જોયું નથી. આજની ડિજિટલ યુગમાં રહેતી યુવા પેઢીને કદાચ આશ્ચર્ય થશે કે પ્રારંભિક વુડબ્લૉક પ્રિન્ટિંગ થી શરુ થયેલી આ ગાથા સમય જતા મેટલ ટાઈપ, રોટરી પ્રેસ, લિથોગ્રાફી, ઓફસેટ પ્રિન્ટિંગ, સ્ક્રીન પ્રિન્ટિંગ, ત્યારબાદ લેઝર પ્રિન્ટિંગ અને આજે ડિજિટલ પ્રિન્ટિંગ અને 3D પ્રિન્ટિંગ સુધી પહોંચી છે.


આવી અદભુત ગાથાના પાત્ર ભીમજી પારેખને ભારત હંમેશા યાદ રાખશે.



રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature