સિંધુ ખીણ સંસ્કૃતિ પછીનો સમયગાળો એટલે કે ઈસ્વીસન પૂર્વે 1500 થી 500 ના સમયગાળા ને ભારતમાં વૈદિક સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. આજ વૈદિક સમયમાં સનાતન હિન્દૂ ધર્મ ગ્રંથો ના મૂળ એટલે કે વેદો અસ્તિત્વમાં આવ્યા. આ વેદોના કોઈ એક રચયતા નથી પરંતુ અલગ અલગ જ્ઞાની પુરુષો દ્વારા તેની રચના થઇ હશે એવું ઇતિહાસકારો માને છે. હજારો વર્ષો પેહલા રચાયેલા આ ગ્રંથો જ્ઞાનનો ભંડાર માનવામાં આવે છે. શ્રેણીબદ્ધ રજૂઆત અને દરેક વિષય ઉપર જ્ઞાન પૂરું પાડતાં આ વેદો ભારતીય સંસ્કૃતિના હૃદય સમાન છે. તેઓ વિશ્વના સૌથી પ્રાચીન ધાર્મિક ગ્રંથો ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વેદોની રચના ઋષિમુનિઓ એ ગહન ધ્યાનસ્થ અવસ્થા ( deep meditative state) માં કરી હશે. વેદ મૌખિક સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતા અને તેઓ જ્યાં સુધી એટલે કે ઈ.સ. પૂર્વે 1500 થી 500 (વૈદિક સમયગાળો) વચ્ચે લખવા માટે પ્રતિબદ્ધ ન થયા ત્યાં સુધી કેટલીય પેઢીઓથી ગુરુથી વિદ્યાર્થી સુધી મૌખિક રીતે જ પહોંચ્યા. તેથી વેદોને હિન્દુ ધર્મમાં શ્રુતિ તરીકે ગણવામાં આવે છે, જેનો અર્થ "જે સાંભળ્યું છે" તે, જયારે અન્ય ગ્રંથોને સ્મૃતિઓ (યાદ ઉપર આધારિત) તરીકે ઓળખવામાં આવે છે, જેમકે રામાયણ, મહાભારત, મનુસ્મૃતિ .
ઇતિહાસના (જ્ઞાતા નહિ પણ) વિધાર્થી તરીકે હંમેશા વેદો મારા માટે ખાસ વિષય રહ્યા છે. આ લેખમાં એના વિષે કેટલીક ધ્યાનમાં આવતી બાબતો રજુ કરી છે.
રાષ્ટ્રવિદ બાલ ગંગાધર તિલક પોતાના પુસ્તક "ઘી આર્કટિક હોમ ઈન ઘી વેદાસ" માં વેદોની રચના વિશેનો સમયગાળો જણાવે છે. જેનો આધાર તેઓ તારાઓના ખગોળીય સ્થાનો કે જેનો અભ્યાસ ખગોળશાત્રીઓ વિવિધ સંશોધનો માટે કરતા હોય છે એ હતો. તેમના જણવ્યા અનુસાર ઈસ્વીસન પૂર્વે 5000 થી 4000 વર્ષોના સમયગાળામાં વેદ અસ્તિત્વમાં આવ્યા હશે. તેમની સાથે જર્મન વિદ્વાન હર્મન જેકોબી સહમત થતા જણાય છે. પરંતુ બીજા જાણીતા જર્મન વિદ્વાન મેક્સ મુલેર (ઓક્સફોર્ડ પ્રધ્યાપક) વેદોની રચનાનો સમયગાળો ઈસ્વીસન પૂર્વે 1200 થી 800નું હોવાનું જણાવે છે. મોડર્ન પુરાતત્વવિદો પણ મુલેર સાથે સહમત થતા જણાય છે. સિંધુ ખીણ સંસ્ક્ર્તિના પતન પછી ઈન્ડો-આર્યન લોકો સંસ્કૃત ભાષા લઈને આવ્યા હશે કે હરપ્પા વાસીઓ પહેલેથીજ એ ભાષાનું જ્ઞાન ધરાવતા હશે એ વિષે પણ જાણકારી સીમિત છે. પરંતુ પુરાતત્વવિદોને મોહેંજો દરોમાંથી કોઈપણ જાતના લેખિત ધાર્મિક હસ્તપ્રતો મળ્યા નથી. પશુપતિ મુદ્રા( હાલ નેશનલ મ્યુઝિયમ , દિલ્હી) મળી આવી હતી પરંતુ એ પણ કયા દેવતાની છે એ વિષે પણ મતમતાન્તર છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે વેદિક સમયગાળો મહાવીર અને બુદ્ધ પહેલાનો રહ્યો હશે.
પશુપતિ મુદ્રા( હાલ નેશનલ મ્યુઝિયમ , દિલ્હી)
સનાતન હિન્દૂ માન્યતા પ્રમાણે વેદ હંમેશા અસ્તિત્વ ધરાવતા એટલે કે એ દૈવી છે - સીધી દેવો પાસેથી સાંભળેલ (શ્રુતિ) છે. અને અલગ અલગ વિદ્વાન રિષિમુનિઓ ના સૂત્રોચ્ચાર દ્વારા તેમના વિદ્યાર્થીઓ પાસે પહોંચ્યા. શ્રુતિ આધારિત રચના હોવાથી યાદ રાખવા માટે વિદ્યાર્થીઓ દ્વારા ગહન મૌખિક પાઠ થતા.
સંસ્કૃત શબ્દ “વેદ” નો અર્થ જ્ઞાન, વિદ્વતા(knowledge/wisdom) થાય છે.
વેદના ચાર પ્રકારો છે.
1.ઋગ્વેદ
2.સામવેદ
3.યજુર્વેદ(શુક્લ/કૃષ્ણ)
4.અથર્વવેદ
ઋગ્વેદ ઈન્ડો-આર્યન સંસ્કૃતિનો સૌથી પ્રાચીનતમ ગ્રંથ માનવામાં આવે છે. ઋગ નો અર્થ "સ્તુતિ" અને વેદ નો અર્થ જ્ઞાન થાય છે. ઋગ્વેદમાં 1028 જેટલા શ્લોક તથા 10,600 જેટલા છંદોનો સમાવેશ થાય છે. તે अपौरुषेय ગ્રંથ ગણાય છે એટલે કે મનુષ્યમાંથી આવતું ન હોય એવું - દેવોનું દીધેલ એવું. ઋગ્વેદમાં મુખ્યતવે ઇન્દ્ર અને અગ્નિ દેવતાની સ્તુતિ કરવામાં આવી છે. તે ઉપરાંત એમાં વાયુ, સૂર્ય, સોમ, વિષ્ણુ, રુદ્ર વિગેરે દેવતાઓનો પણ ઉલ્લેખ જોવા મળે છે.
સામવેદ ઋગ્વેદની સંહિતાઓમાં સંગીતનો સમન્વય કરવામાં આવે તો સામવેદ અસ્તિત્વમાં આવે છે. ઋગ્વેદનાજ ઘણા બધા શ્લોકોનો અહીં સમાવેશ છે. સામવેદ ના બે પ્રકાર છે. પ્રથમ છે મધુર સંહિતાઓ- गान(સંગીત સ્વરૂપે) અને બીજો છે आर्चिक જેમાં 'એક' શ્લોક આધારિત સ્તુતિ સંગ્રહ છે.
ઉદાહરણ ,
अग्न आ याहि वीतये (ઋગ્વેદ શ્લોક)
o gnā i / ā yā hi vā i / tā yā i tā yā i / (સામવેદમાં એજ શ્લોકનું સંગીતમય લયબદ્ધ ઉચ્ચારણ)
અર્થાત ઓ અગ્નિદેવ અમારા ભોજ/ઉજાણી/ઉત્સવ પર પધારો!!
યજુર્વેદ(શુક્લ/કૃષ્ણ) યજુર્વેદ ધાર્મિક કર્મકાંડોને સમાવિષ્ટ કરતું પુસ્તક છે. યજુર નો અર્થ "ઉપાસના/યજ્ઞબલિ-sacrifice" અને વેદ એટલે જ્ઞાન એ પ્રમાણે ભક્તિ/ઉપાસનાને લાગતો ગ્રંથ છે.
वाजसनेयि संहिता કે જે યજુર્વેદ ની જ સંહિતા છે એમાં કર્મકાંડો/યજ્ઞોના પ્રકાર જણાવ્યા છે.
અથર્વવેદ અથર્વવેદ એટલે अथर्वनस માટે જ્ઞાનનો ભંડાર. अथर्वनस એટલે રોગો અને આફતો સામે લડવા માટેના અથવા "રોજિંદા જીવનની પ્રક્રિયાઓ" ના સૂત્રો. અથર્વવેદ ધર્મગ્રંથ ‘જાદુઈ સૂત્રોનો વેદ’ છે. અથર્વવેદ સ્તોત્ર, જાપ, ભજન અને પ્રાર્થનાનું મિશ્રણ છે; અને માંદગીને મટાડવી, જીવનને લંબાવવું, એવા કેટલાક મુદ્દા સમાવિષ્ટ કરે છે, ઉપરાંત દુઃખ અને અસ્વસ્થતાને દૂર કરવા માટે કાળા જાદુ અને ધાર્મિક વિધિઓ જેવા મુદ્દાઓ પણ સામેલ કરે છે. અથર્વવેદ ફક્ત જાદુના સૂત્રોનો જ સમાવેશ નહીં, પણ શિક્ષણ (ઉપનયન), લગ્ન અને અંતિમ સંસ્કારમાં દીક્ષા માટેની દૈનિક વિધિઓ. રાજવી ધાર્મિક વિધિઓ અને દરબારના પૂજારીઓની ફરજો પણ અથર્વવેદમાં સામેલ છે. 20 જેટલા પુસ્તકોમાં વિભાજીત આ ગ્રંથ 730 જેટલી ઋચાઓ અને 6000 જેટલા મંત્રો ધરાવે છે.
અથર્વવેદ
આ ચાર મુખ્ય વેદો ના પેટા પ્રકાર નીચે મુજબ છે.
સંહિતા મંત્રો અને આશીર્વાદ/મંગળકામના
અરણ્યક ધાર્મિક વિધિ, અનુષ્ઠાન, બલિદાન
બ્રાહ્મણા ટિપ્પણીઓ અને વિવરણ
ઉપનિષદ ઋષિઓના આધ્યાત્મિક અનુભવની કાવ્યાત્મક અભિવ્યક્તિ - ધ્યાન અને દર્શનશાસ્ત્ર
સંહિતા:
ગાયત્રી મંત્ર પ્રખ્યાત હિન્દુ મંત્રોમાંનો એક છે. તે ઋગ્વેદ સંહિતામાં જોવા મળે છે.
કેટલીક સંહિતા જેવીકે ભૃગુ સંહિતા, ચરક સંહિતા વિગેરે વેદિક સમયગાળા પછીના ગ્રંથો છે અને તે વેદોમાં સમાવિષ્ટ નથી.
અરણ્યક:
ઐતરેય, કૌસિતાકી, સંખ્યાના, બ્રિહદારણ્યક વિગેરે અલગ અલગ અરણ્યક છે
ઉપનિષદ:
આ વેદો 108 જેટલા ઉપનિષદનો સમાવેશ કરે છે. જેમાના કેટલાક જાણીતા ઉપનિષદ.
બ્રીહદકરણ્ય ઉપનિષદ
ચાંદોગ્ય ઉપનિષદ
તૈત્રીય ઉપનિષદ
ઐતરેય ઉપનિષદ
કૌસિતાકી ઉપનિષદ
કેના ઉપનિષદ
કથા ઉપનિષદ
ઈશા ઉપનિષદ
સ્વેત્સ્વતારા ઉપનિષદ
મુંડક ઉપનિષદ
પ્રશાના ઉપનિષદ
મૈત્રી ઉપનિષદ
માંડુક્ય ઉપનિષદ
વિવિધ બ્રાહ્મણા:
એયતેરેય બ્રાહ્મણ
સમવિધાન બ્રાહ્મણ
દૈવત બ્રાહ્મણ
અરશેય બ્રાહ્મણ
જૈમિનીય બ્રાહ્મણ
ચાંદોગ્ય બ્રાહ્મણ
શતપથ બ્રાહ્મણ
ગોપથ બ્રાહ્મણ
વેદાંગ એ વેદોના અંગ સમાન છે. તેમાં વેદોના અધ્યયન અને સમજ સાથે સંકળાયેલ છ સહાયક શાખાઓ છે.
1. શિક્ષા - મંત્રોના ઉચ્ચાર સાથે સંબંધિત. ચાર વેદની વિવિધ શાખાઓને લગતા આમાં 32 પ્રકારો છે.
2. કલ્પ - કર્મકાંડની વિગતો
3. વ્યાકરણ - વ્યાકરણ ની સમજ
4. નિરુક્તા - મુશ્કેલ વેદિક શબ્દોનો અર્થ આપે છે
5. છંદ - કાવ્યાત્મક રચનાની વિગતો કે જેના પર વેદ સુયોજિત છે
6. જ્યોતિષ - જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર
वेद અને अंत શબ્દ થી વેદાંત શબ્દ બને છે. સરળ ભાષામાં એનો અર્થ વેદોનો અંત ભાગ અથવા તો વેદોનો નિષ્કર્ષ. ઉપનિષદો વેદોના સાર છે. વેદાંત ઉપનિષદોમાં, ખાસ કરીને જ્ઞાન અને મુક્તિમાં સૂચિત અટકળો અને દર્શનમાંથી ઉદભવેલા, અથવા તેની સાથે ગોઠવાયેલા વિચારોની ઓળખ આપે છે. આનાથી વધુ સરળ ભાષામાં કહીએ તો વેદાંતનો અર્થ વૈદિક વિદ્વતા(wisdom) ની પરાકાષ્ઠા અથવા આપણી આધ્યાત્મિક યાત્રા પરનું અંતિમ પગલું છે.
વેદોના પ્રખર અભ્યાસ કર્યા પછી વેદોના અંત(ઉપનિષદ) ભાગની સમજ લેવા તૈયાર થઇ શકાય। ઉપનિષદમાં હિન્દૂ ધર્મ નું ગહન દર્શન(deepest philosophy) રહેલી છે. ચાર મુખ્ય વેદ ધર્મ વિશેની સમાજ આપે છે. ધર્મ નો અર્થ અહીં મૂલ્યો, નૈતિકતા, સિદ્ધાંત, ઉપાસના, ધ્યાન, પ્રાર્થના, ધાર્મિક વિધિઓ તરીકે લેવામાં આવે છે. ત્યાર બાદ પ્રશ્ન ઉભો થાય છે "હું કોણ છું?". અને આ પ્રશ્ન નો જવાબ વેદાંત -ઉપનિષદમાં છુપાયેલો છે.
પ્રાચીન સમયમાં ગુરુ સાથે ઉપનિષદનું જ્ઞાન લેતા વિદ્યાર્થીઓ
આપણી પાસે હાલ જે 108 ઉપનિષદ ઉપલબ્ધ છે એ ઉપનિષદોને કેટલાક વર્ગોમાં વિભાજીત કરી શકાય છે. શૈવ(13), વૈષ્ણવ(14), શક્તિ(9), યોગ(19), સન્યાસ(16), સામાન્ય(27), દશોંઉપનિષદ-મુખ્ય(10).
અદ્વૈત વેદાંત (non-dualism )
વિશિષ્ટ અદ્વૈત (qualified non-dualism)
દ્વૈત (dualism)
વેદાંત ની સમજ લેવા આદિ શંકરાચાર્ય વિષે જાણકારી લેવી જરૂરી બને છે.
બુદ્ધ ભગવાન પછીના લગભગ એક હાજર વર્ષ પછી એટલેકે 7મી સદીમાં દક્ષિણ ભારતના કેરાલામાં શંકરનો જન્મ થયો હતો. તેમના નામના આધારે પરિવાર શૈવ સંપ્રદાય પાલન કરવા વાળો રહ્યો હશે એવું જણાય છે. શંકર દક્ષિણ ભારતના કેરાલાથી શરુ કરી પશ્ચિમ ભારત, ઉત્તર ભારત, પૂર્વીય ભારત એમ સમગ્ર ભારતવર્ષની યાત્રા કરે છે, ચાર મઠોની સ્થાપના કરે છે અને ભારતને અદ્વૈતવાદ ની સમજ આપી જાય છે. આદિ શંકરાચાર્ય દશોંઉપનિષદ વિષે પણ સમજ આપી જાય છે. આ ઉપનિષદો આ પ્રકારે છે - ઈશા, કેન, કથા, પ્રશ્ન, મૂંડ, માંડુક્ય, તૈતરેય, ઐતરેય, ચાન્દોગ્ય અને બ્રીહદકરણ્ય ઉપનિષદ.
આદિ શંકરાચાર્ય તેમના વિદ્યાર્થીઓ સાથે
આદિ શંકરાચાર્ય ભારતમાં 4 દિશાઓમાં 4 અલગ અલગ મઠની સ્થાપના કરે છે.
1. ગોવર્ધન મઠ, પુરી, ઓરિસ્સા
2. શારદા પીઠમ મઠ, શ્રીંગેરી , કર્ણાટક
3. દ્વારકા પીઠ, દ્વારકા, ગુજરાત
4. જ્યોતિર્મઠ, ચમોલી , ઉત્તરાખંડ
અદ્વૈત(non dualism) હિન્દુ દર્શનનો એક વિભાગ છે, અને ભારતીય પરંપરામાં આધ્યાત્મિક અનુભૂતિની ઉત્તમ પદ્ધતિ છે. અદ્વૈત શબ્દ એ વિચારને સૂચવે છે કે બ્રહ્મ એકલો આખરે વાસ્તવિક છે, અસાધારણ ક્ષણિક વિશ્વ એ બ્રહ્મનો ભ્રાંતિ દેખાવ (માયા) છે, અને સ્વ તથા આત્મ, બ્રહ્મથી જુદા નથી. વધુ સરળીકરણ નીચેના 4 મહાવાક્યોથી થશે.
प्रज्ञानम् ब्रह्म આંતરદૃષ્ટિ(સૂઝ) એ બ્રહ્મ છે, "અથવા" બ્રહ્મ આંતરદ્રષ્ટિ છે. (ઐતરેય ઉપનિષદ -ઋગ્વેદ )
अयम् आत्मा ब्रह्म આ સ્વ (આત્મા) પોતે બ્રહ્મ જ છે. ( માંડુક્ય ઉપનિષદ -અથર્વવેદ )
तत् त्वम् असि તે(બ્રહ્મ) તમેજ છો. (ચાન્દોગ્ય ઉપનિષદ, સામવેદ)
अहम् ब्रह्मास्मि હું બ્રહ્મ છું (બ્રીહદકરણ્ય ઉપનિષદ, યજુર્વેદ)
આદિ શંકરાચાર્ય ત્રણ બાબતો પર ભાર મૂકે છે - શ્રવણ(સાંભળવું), મનન( અહીં - પ્રતિબિંબ-reflection ), નિધિધ્યાસન ( પુનરાવર્તતિ ધ્યાન - repeated meditation). ઘણા વર્ષો એટલે કે 14મી સદી ની આસપાસ અદ્વૈત શાખામાં "સમાધિ(મુક્તિ- લિબરેશન)" નો પણ સમાવેશ કરવામાં આવ્યો જેના ઉપર સ્વામી વિવેકાનંદ પણ ભાર મુકતા.
અદ્વૈત વેદાંત માં ખરી રુચિ જીવન બાદની મુક્તિમાં નથી પરંતુ વર્તમાન જીવનમાં છે. આ વિચાર પ્રમાણે જીવિત અવસ્થામાં જ મુક્તિ પ્રાપ્ત થઇ શકે છે, અને જે વ્યક્તિ આ પ્રાપ્ત કરે છે તેને જીવન્મુક્ત કહેવામાં આવે છે.
11મી સદીમાં તામિલનાડુ, દક્ષિણ ભારતમાં રામાનુજાચાર્ય વિશિષ્ટઅદ્વૈત વિષે સમજ આપી જાય છે. વિશિષ્ટઅદ્વૈતનો શાબ્દિક અર્થ છે અનન્ય અદ્વૈત, એટલે કે કેટલાક સુધારાઓ સાથે અદ્વૈત. રામાનુજાચાર્ય વૈષ્ણવ સંપ્રદાયના મુખ્ય આચાર્યોમાંના એક છે.
રામાનુજાચાર્ય, જન્મ શ્રીપેરુમ્બુદુર , તામિલનાડુ
અદ્વૈત પ્રમાણે - બ્રહ્મ (એકલા) અસ્તિત્વ ધરાવે છે. બ્રહ્માંડ એક ભ્રાંતિ છે.
વિશિષ્ટઅદ્વૈત કહે છે કે વિશ્વ અવાસ્તવિક નથી પણ બ્રહ્મનો જ એક ભાગ છે.
વધુ સરળીકરણ - હું(મનુષ્ય) બ્રહ્મ(ભગવાન) નો જ એક હિસ્સો છું, એમનામાંથી જ મારી ઉત્પત્તિ થઇ છે અને અંત પછી એમનાંમાંજ સમાઈ જઈશ.
રામાનુજાચાર્યના જણાવ્યા મુજબ, આત્માઓ આંતરિક રૂપે સમાન છે અને તમામ આત્માઓ તેમની ગુણવત્તામાં સમાન છે. બ્રહ્મ(ભગવાન)ને કારણ તરીકે અને પ્રભાવ તરીકે જોવામાં આવે છે. રામાનુજાચાર્યની ફિલસૂફી એ વેદો અને ભાગવત પુરાણનું મિશ્રણ છે. વિશિષ્ટઅદ્વૈત એક યોગ્ય એકતત્વવાદ છે, જ્યાં ભગવાન એકલા જ અસ્તિત્વમાં છે, પરંતુ તે આત્માઓની બહુમતીને સ્વીકારે છે. તે અદ્વૈત અને દ્વૈત દર્શન વચ્ચેનો માર્ગ છે.
રામાનુજાચાર્ય વિષ્ણુ ને સર્વોચ્ચ દેવતા તરીકે સ્વીકારે છે અને 4 મહાવાક્યો ઉપર ટિપ્પણી કરતા જણાતા નથી.
રામાનુજાચાર્યે પુરી, ઓરિસ્સામાં એમ્બાર મઠની સ્થાપના કરી છે.
વેદાન્તની જ એક પેટાશાખા દ્વૈત વેદાંત છે. જેની સ્થાપના દક્ષિણ ભારતમાં માધવાચાર્યે કરી હતી. માધવાચાર્ય વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રમુખ સ્થાન પામ્યા છે.
દ્વૈત વેદાંતમાં વિષ્ણુ ને સર્વોચ્ચ માનવામાં આવે છે. આ શાખા પ્રમાણે - ભગવાન (વિષ્ણુ, સર્વોચ્ચ આત્મા) અને વ્યક્તિગત આત્માઓ (જીવાત્મા) સ્વતંત્ર વાસ્તવિકતાઓ તરીકે અસ્તિત્વ ધરાવે છે, અને આ વિશિષ્ટ છે, એમ કહેવામાં આવે છે કે વિષ્ણુ (નારાયણ) સ્વતંત્ર છે, અને આત્માઓ તેમના પર નિર્ભર છે.
માધવાચાર્ય, જન્મ પજાક, ઉડુપી, કર્ણાટક
ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતા આચાર્ય
અહીં સર્વોચ્ચ દેવતા તરીકે વિષ્ણુ ને લેવામાં આવ્યા છે.
માધવાચાર્ય અહીં આદિ શંકરાચાર્યના અદ્વૈત વેદાંત સાથે વિરોધાભાસ ઉભો કરે છે.
અદ્વૈત વેદાંત માં આદિ શંકરાચાર્યે રજુ કરેલા ઉપનિષદના 4 મહાવક્યોનું અર્થઘટન માધવાચાર્ય અલગ રીતે કરે છે. જે નીચે પ્રમાણે છે.
प्रज्ञानम् ब्रह्म બ્રહ્મ(વિષ્ણુ) સર્વોચ્ચ જ્ઞાન ધરાવે છે.
अयम् आत्मा ब्रह्म આત્મા અથવા જીવ બ્રહ્મ(વિષ્ણુ) સમાન છે.
तत् त्वम् असि તમે બ્રહ્મ(વિષ્ણુ)નું પ્રતિબિંબ છો.
अहम् ब्रह्मास्मि હું બ્રહ્મ(વિષ્ણુ) તરીકે શાશ્વત છું.
આ વક્યોના અર્થઘટનથી અદ્વૈત અને દ્વૈતનો તફાવત વધુ સ્પષ્ટ થશે.
ભક્તિ પોતે એક લક્ષ્ય બની શકે છે; વિષ્ણુની ભક્તિ, આરાધના કે ઉપાસના એ મુક્તિ (મોક્ષ) કરતા વધુ મહત્વપૂર્ણ છે
માધવાચાર્યે ઉડુપી, કર્ણાટક ખાતે અષ્ટ મઠ(આંઠ મઠનો સમહૂ ) તરીકે ઓળખાતા મઠની સ્થાપના કરી છે.
આધુનિક ભારતમાં રામકૃષ્ણ પરમહંસ વધુ સરળ ભાષા માં દ્વૈત અને અદ્વૈત નો અર્થ સ્પષ્ટ કરી જાય છે.
જ્યારે ભક્ત વિચારે છે કે તેણે ભગવાનને ઓળખવા છે, તેની દયા અને આશીર્વાદો મેળવવા છે - અહીં ભક્ત ભગવાનને પોતાથી જુદા જુએ છે. આ દ્વૈતનો માર્ગ છે.
આ બ્રહ્માંડની દરેક વસ્તુ ભગવાન દ્વારા વ્યાપી છે. તેથી જો ભગવાન એક મોટી અગ્નિ જેવા છે, તો પછી આપણે તણખા(સ્પાર્ક્સ) જેવા છીએ, તે સંપૂર્ણ છે અને આપણે તેનો જ હિસ્સો છીએ . આ વિશિષ્ટઅદ્વૈત છે.
જ્યાં કોઈને લાગે કે ભગવાન એકલા જ અસ્તિત્વમાં છે અને આપણે આ બ્રહ્માંડ તરીકે જે જોઈએ છીએ તે તેના સિવાય કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. તેથી હું, તમે, તે, તેણી અથવા ઘણા લોકો જેવું કંઈ નથી. અદ્વૈત સ્થિતિમાં પહોંચેલી વ્યક્તિ માટે, ભગવાન એકલા જ વાસ્તવિકતા છે, ભગવાન સિવાય બીજું કશું જ નથી (પોતાનો એહસાસ સુદ્ધા નહિ).
રામકૃષ્ણ પરમહંસ ના શિષ્ય -સ્વામી વિવેકાનંદ જ્ઞાન પ્રાપ્તિ પછી વેદ, વેદાંગ, યોગ અને વેદાંતના દર્શન પશ્ચિમી દુનિયાને કરાવે છે.
સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, ડો. સર્વપલ્લી રાધાક્રિશ્નન વિગેરે અદ્વૈત વેદાંત સાથે પોતાની સહમતી દર્શાવતા જણાય છે.
રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ
અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી, કરંટ અફેર્સ વિગેરે મારા ગમતા વિષયો છે.