બુદ્ધ એક ફિલોસોફર તરીકે

બુદ્ધ એ વ્યક્તિ છે કે જેમના ઉપદેશો બૌદ્ધ પરંપરાનો આધાર છે. આ ઉપદેશો "નિયક" અને "આગમ" જેવા પ્રાચીન ગ્રંથોમાં સરંક્ષિત છે, જે દુઃખમાંથી મુક્તિ કઈ રીતે મેળવી શકાય એ વિષે છે. બુદ્ધના તમામ ઉપદેશોનો અંતિમ ઉદ્દેશ દુઃખથી પીડિત વ્યક્તિ ઉત્તમ જીવન પ્રાપ્ત કરી શકે તે માટેનો છે. તેમના વિશ્લેષણમાં દુઃખના કારણ ના મૂળમાં વ્યક્તિની પ્રકૃતિ વિશેના દાવા સમાવિષ્ટ છે, તથા દુનિયા અને એમાં આપણા સ્થાન વિષે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરીએ તે છે. તેમના ઉપદેશોએ એક દાર્શનિક પરંપરાનો આધાર બનાવ્યો, કે જેણે અધ્યાત્મશાસ્ત્ર અને જ્ઞાનમીમાંસાના વિવિધ પ્રકારોનો વિકાસ કર્યો.


બુદ્ધ અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ એશિયન ચિંતકોમાંના એક અને આધ્યાત્મિક ગુરુ છે અને તેમણે જ્ દર્શનશાસ્ત્ર, આધ્યાત્મશાસ્ત્ર અને નૈતિકતા સહિતની ફિલસૂફીના ઘણા ક્ષેત્રોમાં ફાળો આપ્યો. બુદ્ધના ઉપદેશથી બૌદ્ધ દર્શનની પાયાની રચના થઈ, શરૂઆતમાં તે દક્ષિણ એશિયામાં વિકસિત થઈ, પછીથી બાકીના એશિયામાં ફેલાવો થયો. હાલમાં બૌદ્ધ ધર્મ અને બુદ્ધિસ્ટ ફિલોસોફી વૈશ્વિક સ્તરે જોવા મળે છે.



બુદ્ધ એક ફિલોસોફર તરીકે


સિદ્ધાર્થ ગૌતમ નો જન્મ સાકય વંશમાં રાજા સુદબોધન ના ત્યાં થયો હતો. તેમનો સમયગાળો ઇતિહાસકારોના મત પ્રમાણે આશરે ઈસ્વીસન પૂર્વે 550 થી 480 સુધીનો રહ્યો હશે. જીવનમાં પ્રવર્તમાન દુઃખોના નિવારણ નો માર્ગ શોધવા યુવાન વયે જ પત્ની તથા પુત્રનો ત્યાગ કરી રાજમહેલ છોડી દે છે. પોતાના માર્ગમાં તેઓ વિવિધ પરંપરાઓ જેવી કે વૈદિક, જૈન, સાંખ્ય, યોગિક વિગેરે ના શ્રમણો સાથે મુલાકાત કરે છે. આ વિવિધ માર્ગોનો દાવો છે કે દુઃખો નો અંત તેમના માર્ગ માં રહેલો છે, એ વાત સાથે સિદ્ધાર્થ સહમત થતા જણાતા નથી. તેઓ પોતાના જ માર્ગમાં દ્રઢ રહે છે અને, પોતાની આંતરસૂઝ અને ગહન ધ્યાન ના સંયોજન દ્વારા જ્ઞાન ( બોધિ ) પ્રાપ્ત કરે છે જે, તમામ વેદનાઓના અંતનો માર્ગ છે. જ્ઞાનપ્રાપ્તિ પછીના વર્ષો તેઓ અન્ય લોકોને ઉપદેશ અને શિક્ષણ આપવામાં વિતાવે છે.



મુખ્ય ઉપદેશો

બુદ્ધના મૂળ ઉપદેશોનો સાર મુખ્યત્વે ચાર ઉમદા સત્યના રૂપે રજુ કરવામાં આવે છે:


  1. દુ:ખ છે.

  2. દુ:ખની ઉત્પત્તિ છે.

  3. દુ:ખનો અંત છે.

  4. દુ:ખને સમાપ્ત કરવાનો માર્ગ છે.


અહીં પ્રથમ દાવા પરથી સ્પષ્ટ પ્રતીત થાય છે કે, "વેદના" નો અર્થ ફક્ત દુઃખ નહિ પરંતુ, ખરેખર અસ્તિત્વમાં રહેલ પીડા, હતાશા, વિમુખતા, નિરાશા વિગેરે જેવી ભાવના સમાવિષ્ટ છે, જે અસ્થિરતાના અનુભવથી ઉત્પન્ન થાય છે. પરંતુ આ સત્યના વિભિન્ન સ્તર છે., કેટલાક સૂક્ષ્મ અને પ્રાપ્ત કરવા મુશ્કેલ છે, આમાં સૌથી ઉચ્ચતમ અનુભૂતિ એ છે કે બધુજ દુઃખની પ્રકૃતિ યુક્ત છે.


બીજા દાવાના વિકાસ અને વિસ્તરણથી જ મુખ્ય દાર્શનિક વિવાદ શરૂ થાય છે. અહીં સામાન્ય દાવો છે કે, દુઃખ ઉત્પન્ન થવાના કારણ અને પરિસ્થિતિ છે. આ પરથીજ ત્રીજો દાવો સ્પષ્ટ થાય છે કે જો દુઃખની ઉત્પત્તિ જો કારણ ઉપર નિર્ભર હોય તો આ કારણોને સમાપ્ત કરીને ભવિષ્યમાં થનારી પીડાને રોકી શકાય છે. ચોથો દાવો કેટલીક કાર્ય પદ્ધતિઓ નર્દિષ્ટ કરે છે કે જે દુઃખનો અંત લાવવામાં અસરકાર હોવાનું કહેવાય છે.




મધ્યમમાર્ગ


બુદ્ધ દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે અને પૂર્ણ રીતે જાગૃત જીવન જીવવા માટે મધ્યમમાર્ગ અપનાવવા કહે છે. બુદ્ધે તેમના ઉપદેશને "મધ્યમ માર્ગ" (પાલિ: મજ્જિમપાપીપદે) તરીકે વ્યાખ્યાયિત કર્યા હતા . ધર્મચક્રપ્રવર્તન સુત્તામાં, તેનો ઉપયોગ એ હકીકતનો સંદર્ભ લેવા માટે થાય છે કે તેમના ઉપદેશો તપની પરાકાષ્ઠા અને શરીરનો અસ્વીકાર (જૈનો અને અન્ય તપસ્વી જૂથો દ્વારા આચરણ કરવામાં આવતી) અને ઇન્દ્રિયજન્ય સુખ અથવા ભોગવિલાસ વચ્ચેનો માર્ગ છે. બુદ્ધના સમયના ઘણા શ્રમણોએ શરીરનો અસ્વીકાર કરી ઉપવાસ જેવી પ્રથાઓનો ઉપયોગ કરીને મનને શરીરથી મુક્ત થવા પર ખૂબ ભાર મૂક્યો હતો. જોકે, બુદ્ધને સમજાયું કે મન સંયુક્ત (શરીર અને મન) અને કારણભૂત રીતે શરીર પર આધારિત છે, અને તેથી કુપોષિત શરીર મનને પ્રશિક્ષિત અને વિકસિત થવા દેતું નથી. વધુ સરળ ભાષામાં કહીએ તો, ભૂખથી તડફડતું શરીર મનને ધ્યાનમાં કેવી રીતે કેન્દ્રિત થવા દે ? આમ, બૌદ્ધ ધર્મનો મુખ્ય સંબંધ વૈભવવિલાસ અથવા દરિદ્રતા સાથે નથી, પરંતુ તેના બદલે સંજોગો માટે માનવીય પ્રતિભાવ સાથે છે.



અષ્ટાંગ માર્ગ


બુદ્ધે શીખવ્યું કે જ્ઞાનનો અહેસાસ કરવા માટે માણસે પોતાને પોતાના અહંકારથી મુક્ત કરવો જોઈએ, અને બધી ઇચ્છાઓ છોડી દેવી જોઈએ. તેમણે શીખવ્યું કે ઘણી બધી ઇચ્છાઓ (જેમ કે આનંદ, સંપત્તિ, સુખ, સલામતી, સફળતા, લાબું જીવન, વગેરે) રાખવાથી, માણસ પોતે દુઃખ ઉભું કરે છે અને પુનર્જન્મના ચક્રમાંથી ક્યારેય બચી શકે નહિ.


તેથી બૌદ્ધ ધર્મ માને છે કે દુઃખ ઉપાર્જિત છે.


બદ્ધ પોતાના ઉપદેશોમાં ચોથા સત્યમાં દુઃખની સમાપ્તિ ની વાત કરે છે. આ માટે તેઓ અષ્ટાંગ માર્ગ નું પાલન કરવા જણાવે છે. જે માર્ગનું પાલન કરી વ્યક્તિ દુઃખ, પીડા કે વેદનામાંથી મુક્ત થઇ શકે.


બુદ્ધિમતા - પ્રજ્ઞા



1. સમ્યક દ્રષ્ટિ (દ્રષ્ટિકોણ, પરિપેક્ષ્ય)


ચાર ઉમદા સત્ય માં વિશ્વાસ. દુઃખના સંદર્ભમાં દુઃખના ઉદ્ભવને લાગતું જ્ઞાન, યોગ્ય સમજણ.



2. સમ્યક વિચાર ( ઉદ્દેશ, અથવા ઉકેલ)


ત્યાગ પર સંકલ્પ કરવામાં આવે છે, કુવિચારોથી મુક્તિ, નિર્દોષતા, આને સમ્યક-યોગ્ય વિચાર કહેવામાં આવે છે.



નૈતિકતા - શીલ



3. સમ્યક વાણી


જુઠ્ઠાણાથી દૂર રહેવું, વિભાજનશીલ ભાષણથી દૂર રહેવું, અપમાનજનક ભાષણથી દૂર રહેવું, ક્ષુલ્લક બકબકથી દૂર રહેવું.


4. સમ્યક કર્મ


જીવ લેવાથી દૂર રહેવું, ચોરી કરવાનું ટાળવું, અશાંતિથી દૂર રહેવું.


5. સમ્યક જીવિકા


અપ્રમાણિકતાની આજીવિકાનો ત્યાગ કરીને, પોતાનું જીવન યોગ્ય જીવનનિર્વાહ સાથે ચાલુ રાખવું.



એકાગ્રતા - સમાધિ


6. સમ્યક પ્રયાસ


દુર્ગુણ, દુષ્ટતા, અનિષ્ટતા, નિષ્ઠુરતા વિગેરે ગુણોનો ત્યાગ કરવો. પોતાની જાતને સુધારવા પ્રયત્ન કરવા.


7. સમ્યક સ્મૃતિ


ઉત્સાહી, વિચારશીલ, જાગૃત અને સમજદારી જેવા માનસિક ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરવું. સ્પષ્ટ જ્ઞાન દ્વારા જોવાની માનસિક યોગ્યતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો.



8. સમ્યક સમાધિ (ધ્યાન)


સમાનતા અને માઇન્ડફુલનેસની શુદ્ધતા, ન તો આનંદ અને ન પીડા. નિર્વાણ પામવું.



"સ્વ/આત્મા" નો અસ્વીકાર


બૌદ્ધ ધર્મ અનુસાર, બધા મનુષ્ય અને જીવંત જીવોના મૂળમાં, કોઈ "શાશ્વત, આવશ્યક અને નિરપેક્ષ વસ્તુ નથી જેને સ્વ અથવા આત્મા" કહેવામાં આવે છે. બૌદ્ધ ધર્મ, તેના શરૂઆતના દિવસોથી જ, તેના મૂળ દાર્શનિક અને સત્વ ગ્રંથોમાં "સ્વ, આત્મા" ના અસ્તિત્વને નકારે છે.



આ માટે તે કેટલીક દલીલો રજુ કરે છે, જેમ કે


જો ખરેખર સ્વ હોત તો તે કાયમી હોત.

પાંચ પ્રકારના મનોશારીરિક (કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય ) તત્વોમાંથી કોઈ પણ કાયમી નથી.


અને તેથી સ્વ હોઈ શકે નહિ.



સ્વ ના અસ્વીકાર માટેની બીજી દલીલ


જો કોઈ સ્વ-આત્મ હોત, તો કોઈ ઇચ્છા ન કરતે કે તેને બદલવામાં આવે.


મનોશારીરિક તત્વના પાંચ પ્રકારોમાંથી દરેક એવા છે કે કે વ્યક્તિ તેને ઈચ્છે છે કે તે બદલવામાં આવે.


અને તેથી સ્વ હોઈ શકે નહિ.



કર્મ અને પુનર્જન્મ



કર્મ (પાલી: કમ્મા) એ સંસ્કૃત શબ્દ છે જેનો શાબ્દિક અર્થ થાય છે ક્રિયા. બૌદ્ધ પરંપરામાં, કર્મ ઇરાદાથી ચાલતી ક્રિયાને સૂચવે છે જે ભવિષ્યના પરિણામો તરફ દોરી જાય છે. તે ઇરાદા સંસારમાં પુનર્જન્મના ચક્રનું નિર્ધારક પરિબળ માનવામાં આવે છે. બૌદ્ધ ધર્મ કર્મફળ માં માને છે.


સારી નૈતિક ક્રિયાઓ યોગ્ય પુનર્જન્મ તરફ દોરી જાય છે અને ખરાબ નૈતિક ક્રિયાઓ અયોગ્ય પુનર્જન્મ તરફ દોરી જાય છે. મુખ્ય પરિબળ એ છે કે વ્યક્તિ કેવી રીતે હકારાત્મક અથવા નકારાત્મક અર્થમાં અન્યની સુખાકારીમાં ફાળો આપે. "દાન" ને બૌદ્ધ ધર્મ માં સત્કર્મોમાં ઉચ્ચતમ સ્થાન પ્રાપ્ત થયું છે.


બૌદ્ધ ધર્મ પ્રમાણે જન્મમરણ ચક્ર અજ્ઞાન (અવિદ્યા), ઈચ્છા (તૃષ્ણા) અને ધિક્કાર(દ્વેષ ) ઉપર આધાર રાખે છે. પુનર્જન્મ ચક્રને સંસાર (samsāra) તરીકે ઓળખવામાં આવે છે. તે એક અવિરત અને સતત પ્રક્રિયા છે. બૌદ્ધ પથને અનુસરીને સંસારમાંથી મુક્તિ મેળવી શકાય છે. આ પાઠને અનુસરીને વિદ્યા પ્રાપ્ત થાય છે જેને લીધે તૃષ્ણા અને દ્વેષ સ્થિર(શાંત) બને છે. આ દ્વારા અવિરત ચાલુ રહેતી પુનર્જન્મ ની પ્રક્રિયાને રોક લાગે છે.


સરળભાષામાં કહીએ તો વાણી, વ્યહારમાં સદાચાર રાખવાથી અને અને સત્કર્મ કરવાથી ભવિષ્યમાં સારા કર્મફળની પ્રાપ્તિ થાય છે. અને અંતે વ્યક્તિ જન્મમરણ ચક્રમાંથી (સંસાર) મુક્તિ મેળવે છે.



નિર્વાણ


નિર્વાણ એ સંસ્કૃત સંજ્ઞા છે, જેનું ઘણીવાર “લુપ્ત થવું” તરીકે ભાષાંતર કરવામાં આવે છે. હિન્દૂ ધર્મના વિવિધ સંપ્રદાયો તથા જૈન ધર્મમાં પણ નિર્વાણની કલ્પના છે. તેનો સચોટ અર્થ ભિન્ન હોઈ શકે. પરંતુ તે વ્યક્તિત્વપણા થી મુક્તિ અને પરમાનંદ ની સ્થિતિ તથા જન્મમરણ ચક્રની વેદનામાંથી મુક્તિની આસપાસ ફરે છે.


નિર્વાણ એ બૌદ્ધ ધર્મનું અંતિમ આધ્યાત્મિક લક્ષ્ય છે અને સંસારચક્રમાં પુનર્જન્મથી મુક્તિની સ્થિતિ છે. હિન્દૂ ધર્મમાં આ સ્થિતિને મોક્ષ તરીકે ઓળખવામાં આવે છે.


વધુ પ્રાકૃતિક દ્રષ્ટિકોણ જોઈએ તો, નિર્વાણ એ વ્યક્તિગત શિસ્ત અને સ્વાધ્યાયની એક લાંબી પ્રકિયાની પરાકાષ્ઠા છે. એક પ્રબુદ્ધ જીવન જીવવાથી, વ્યક્તિ ભ્રાંતિ, લોભ, દ્વેષ માંથી મુક્ત થાય છે, અને અંતે નિર્વાણનો ઉદય થાય છે. તે એક માનવ શ્રેષ્ઠતાની સ્થિતિ છે.



રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી, કરંટ અફેર્સ વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature