વાત ભારતની હૂંડી વ્યવસ્થા ની

[બોમ્બે પ્રાંતમાં પ્રિન્ટેડ રેવન્યુ સ્ટેમ્પ સાથે 2500 રૂપિયાની એક હુન્ડી]

હૂંડી શબ્દ સાંભળતાજ નરસિંહ મેહતાના લોકપ્રિય ભજનની પંક્તિ "મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરિધારી.." યાદ આવે એ સ્વાભાવિક છે. આ રચના બની ત્યારે એક વાતનો સંદર્ભ મળે છે કે એ સમયે હૂંડી વ્યવસ્થા ચાલતી હશે. આ વ્યવસ્થા વિષે સમજવા વિષે આપણે ઇતિહાસમાં જવું પડે.


ભારતમાં નાણાં ધીરવાની વ્યવસ્થા પ્રાચીન કાળથી ચાલતી આવે છે. પ્રાચીન વેદિક ગ્રંથો જેવાકે शतपथब्राह्मण વિગેરેમાંથી આપણને સંસ્કૃત શબ્દ “कुसीदिन्” નો ઉલ્લેખ જોવા મળે છે જેનો અર્થ વ્યાજવટું કરનાર થાય છે. ऋग्वेदःમાં પણ “ऋण -લોન” શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. વેદિક સંસ્કૃતિમાં લોન માટેના દસ્તાવેજ ને ऋणपत्र तथा ऋणलेख् કહેવામાં આવતા. બેન્કિંગ વ્યવસ્થા અંગેના સંદર્ભો રામાયણ તથા મહાભારત માંથી પણ મળી આવે છે. બુદ્ધિસ્ટ સૂત્રો અને જાતકો કે જે મુખ્યત્વે પાલી ભાષામાં છે, ત્યાં આપણને इणपन्ना - પ્રોમિસરી નોટ નો ઉલ્લેખ જોવા મળે છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં મૌર્ય યુગ દરમિયાન બેન્કરોની હાજરીનો ઉલ્લેખ છે. મૌર્ય સમયગાળામાં आदेशा નામનો દસ્તાવેજ ઉપયોગમાં લેવામાં આવતો, આ એક પ્રકારનો આદેશપત્ર હતો કે જેમાં બેન્કર ઉપર આદેશ કરાતો કે એ કોઈ લાભ મેળવનારી ત્રીજી વ્યક્તિને પ્રોમિસરી નોટમાં ઉલ્લેખિત રકમની ચુકવણી કરે. આ આધુનિક સમયની હૂંડી વ્યવસ્થાને મળતી આવતી વ્યવસ્થા જણાય છે. બૌદ્ધ સમયગાળા દરમિયાન, આ દસ્તાવેજી પત્રોનો નોંધપાત્ર ઉપયોગ થતો હતો. મોટા શહેરોમાં વેપારીઓ એક બીજાને ક્રેડિટના પત્રો(ધિરાણ પત્રો) આપતા હતા. પ્રોમિસરી નોટોના અસંખ્ય સંદર્ભો પણ ઉપલબ્ધ છે.


મુઘલ કાળમાં ઋણ પત્રોનો વપરાશ ચાલુ રહ્યો. આ સાધનોને દસ્તાવેજ કહેવામાં આવતા અને તે મુખ્યત્વે બે પ્રકારનાં હતા: દસ્તાવેઝ-એ-ઇન્દુલિબ જે માંગ પર ચૂકવવા પાત્ર હતા અને દસ્તાવેઝ-એ-મિયાદી જે નિર્ધારિત સમય પછી ચૂકવવા પાત્ર હતા. તે સમય દરમિયાન ઘણા વિદેશી યાત્રીઓની નોંધ પુરાવા સ્વરૂપે હાજર છે જેમાં વ્યાપારિક કેન્દ્રો પર આવી હૂંડી વ્યવસ્થાનો ઉપયોગ જોવા મળે છે. તેમના લખાણોથી આપણને જાણવા મળે છે કે ભારતીય બેન્કરો દ્વારા દરિયાઈ વિદેશી વ્યાપારમાં આવી હૂંડી વ્યવસ્થાનો ઉપયોગ થતો. મુસ્લિમ સમયગાળા દરમિયાન ઉપયોગમાં લેવાતા અન્ય નાણાકીય લેખપત્ર "પે ઓર્ડર" હતા. શાહી ખજાના માંથી કોઈ જિલ્લા અથવાતો પ્રાંતીય ખજાના પર આવા પે ઓર્ડર આપવામાં આવતા, જેને ‘બેરેટ્સ’ કહેવામાં આવતા જે આજના સમયના ડ્રાફ્ટ કે ચેક ને સમાન ગણી શકાય.


ભારતમાં વિકસિત ધિરાણ વ્યવસ્થામાં સૌથી અગત્યના વર્ગને હૂંડી તરીકે ઓળખાઈ. તેનો ઉપયોગ બારમી સદીમાં સૌથી વધુ વ્યાપક હતો, અને આજ સુધી ચાલુ રહ્યો છે. એક અર્થમાં, તેઓ ધિરાણ વ્યવસ્થાના સૌથી પ્રાચીન હયાત સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે.



હૂંડી મૂળરૂપે કાગળનો એક દસ્તાવેજ હતો, જે પછીથી કોઈ ચોક્કસ જગ્યાએ રોકડની ચુકવણી કરવાનું વચન આપતો. લાંબા અંતર માટે રોકડની મોટી માત્રામાં વહન કરવામાં ઘણી સમસ્યાઓ આવતી. તેથી વેપારીઓ તેમના પૈસા શ્રોફને આપતા, અને આ શ્રોફ તે વેપારીને એક હુન્ડી કાઢી(Issue) આપતા. પછી વેપારી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી તે શહેરના શ્રોફના એજન્ટ પાસે આ હૂંડી રજુ કરી તેના બદલામાં પોતાની રોકડ મેળવતા. આ રોકડ શ્રોફ પોતાનું કમિશન કે ફી કાપીને આપતા. સમય જતાં, હુન્ડી પોતે જ ચુકવણીનું માધ્યમ બની ગઈ. તેનો ઉપયોગ કોઈપણ વ્યવહાર માટે થઈ શકતો અને ઇસ્યુ થયા પછી મુક્તરૂપે સ્થાનાંતરિત કરી શકતી. ઇરફાન હબીબ પોતાના પુસ્તક "ઘી સિસ્ટમ ઓફ બિલ્સ ઓફ એક્સચેન્જ (હૂંડીસ) ઈન ઘી મુઘલ એમ્પાયર" માં જણાવે છે : “હૂંડીની વટાવક્ષમતા ને લીધે એવી સ્થિતિ ઉભી થઈ, જેમાં મોટી સંખ્યામાં હૂંડીને વાસ્તવિક રોકડ ચુકવણીની મધ્યસ્થી વિના, અન્ય હુંડીઓ સામે રજુ કરવામાં આવતી.” શ્રોફ ના એજન્ટ્સ મોટાભાગે તેઓ પોતાના પરિવારમાંથી જ રાખાતા અને તેમની ફી જુદા જુદા શહેરો માટે અલગ રહેતી.


મુખ્યત્વે ત્રણ રીતે તેનો ઉપયોગ થતો.


ઉપાડ કરવા ( રોકડ ને એક સ્થળથી બીજા સ્થળે મોકલવા)

ધિરાણ તરીકે (પૈસા ઉધાર લેવા)

વ્યાપારિક વ્યવહારો માટે (વિનિમયના બીલ- bills of exchange તરીકે)


અંગ્રેજો જયારે ભારતમાં આવ્યા ત્યારે ભારતમાં પ્રવર્તમાન હૂંડી વ્યવસ્થાના મુખ્ય પ્રકારો:


દર્શિની હૂંડી- આ એક એવું વિનિમય પત્ર કે જે તે સ્થળે ચાલતા તેના ઉપયોગ અને રીત મુજબ પ્રસ્તુતિ પર ચૂકવવા પાત્ર હતું.



દર્શિની હૂંડીનાં મુખ્ય ચાર પ્રકારો હતા.


1 શાહ-જોગ હૂંડી - ફક્ત શાહ ને ચૂકવવા પાત્ર હૂંડી. શાહ એ બજારના એક આદરણીય, જવાબદાર અને આર્થિક રીતે સદ્ધર વ્યક્તિ. અહીં ૠણ જવાબદારી ચુકવણી પ્રાપ્ત કરનારની હતી.

2 ધન્ની-જોગ - કોઈપણ વ્યક્તિ(ધન્ની)ને ચુકવવાપાત્ર.

3 ફિરમાન હૂંડી - ફિરમાન એ પર્શિયન શબ્દ છે અને મુસ્લિમકાળમાં હૂંડી નો આ પ્રકાર અસ્તિત્વમાં આવ્યો હશે. ફિરમાન નો અર્થ આદેશ થાય છે, તેથી આદેશ પ્રમાણે જે તે વ્યક્તિને તેની ચૂકવણી થતી.

4 દેખણ-હાર હૂંડી : રજુ કરનાર કોઈપણ વ્યક્તિને ચૂકવવા પાત્ર. આ એક બેરર ચેક ગણી શકાય


મુદતી હૂંડી - નિર્ધારિત સમય પછી અથવા આપેલ તારીખે અથવા કોઈ નક્કી કરેલી ભાવિ તારીખે અથવા ચોક્કસ નિયત ઘટના બનવા પર ચૂકવવાપાત્ર હતી. ઉપરના ચારે પ્રકાર સમયની બાધ્યતા સાથે અહીં પણ સમાવિષ્ટ હતા. મુદતી હૂંડીમાં સૌથી અગત્યની હતી “જોખમી હૂંડી”.


જોખમી હૂંડી મોકલાયેલા માલ સમાન માટેની હૂંડી કે જેમાં માલસમાન ને પરિવહનમાં નુકસાન થાય તો જવાબદારી હૂંડી લખનારની હતી અને હૂંડીની રકમ લેનારની એમાં કોઈ જવાબદારી બનતી નહિ. આ ભારતમાં સેંકડો વર્ષોથી વપરાશમાં આવતી હૂંડી હતી.


ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ભારતમાં પ્રવેશની સાથે જ પરિસ્થિતિ ફરીથી બદલાવા લાગી. તેઓ પોતાની સાથે પશ્ચિમી પદ્ધતિ લઈને આવ્યા. તેમણે 1770માં બેન્ક ઓફ હિન્દોસ્તાનની સ્થાપના કરી. બેન્ક શરુ થતા ચેક પ્રણાલી અસ્તિત્વમાં આવી. ક્રમશઃ કલકત્તા, બોમ્બે અને મદ્રાસમાં પ્રસિડેંસીમાં બેંક અસ્તિત્વમાં આવી. જેને 1921માં ઈમ્પૅરિઅલ બેન્ક ઓફ ઇન્ડિયામાં સમાવિષ્ટ કરી દેવામાં આવી. સ્વદેશી આંદોલનને કારણે હાલની વિવિધ રાષ્ટ્રીયકૃત બેન્ક જેવી કે બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇંડિયા વગેરેએ કાર્ય કરવાનું શરૂ કર્યું.



[1939 ની પ્રોમિસરી નોટ, રંગૂન, બર્મા]


સમયની સાથે ચેક અને ડ્રાફ્ટ્સનો વપરાશ વધતાં તેને ક્લિયર કરાવવા બેન્ક કર્મચારીએ એક બેન્કમાંથી બીજી બેંકમાં જાતે જવું પડતું અને ત્યાંથી પોતે ઉપાડ કરી પોતાની બેંકમાં જેતે વ્યક્તિના ખાતામાં રકમ જમા કરાવવી પડતી. આ એક ગંભીર સમસ્યા હતી કેમકે મોટી રકમ વખતે જોખમ પણ વધુ રહેતું, જેને લીધે પ્રેસિડેંસી શહેરોમાં ક્લિયરિંગ હાઉસ અસ્તિત્વમાં આવ્યા.


આરબીઆઈ એક્ટ 1935 અંતર્ગત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઇ, ત્યારબાદ તમામ પ્રેસિડેંસી શહેરોના ક્લિયરિંગ હાઉસ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતે હસ્તગત કરી લીધા.



રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature