કોરોના સામેની લડતમાં ભારત સરકારે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન કર્યું. લગભગ આખો દેશ થંભી ગયો. જાહેર હિલચાલ, નાગરિકોના મેળાવડા, અનિચ્છનીય પ્રવાસો વિગેરે ઉપર રોક લાગી. હવે આપણે આતુરતાથી કોરોના સામેની રસીની રાહ જોઈ રહ્યા છીએ, જેથી કરીને સામાન્ય જીન્દીગી પાછી પાટા પાર આવી શકે.
આવીજ કઈંક પરિસ્થિતિ આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં ભારતમાં દમનકારી બ્રિટિશકાળ દરમિયાન સર્જાઈ હતી.
રશિયાના ઑડેસા (હાલ યુક્રેન) પ્રાંતમાં એક વેપારી કુટુંબમાં જન્મેલા વાલ્દેમાર હેફકિન આંઠ વર્ષની નાની વયે માતાની છત્રછાયા ગુમાવે છે. બિનરૂઢીવાદી પિતા તરફથી ભણતર માટે પ્રોત્સાહન સતત મળતું રહે છે અને પોતાના યુનિવર્સિટી અભ્યાસ વખતે તેઓ પ્રખ્યાત માઇક્રોબાયોલોજિસ્ટ અને નોબેલ પુરસ્કાર વિજેતા મેટકીનીકોફના સંપર્કમાં આવે છે. હેફકીન 1890ની સાલમાં લુઇ પેસ્ચર દ્વારા સ્થાપિત સંશોધન સંસ્થા માં ગ્રંથપાલ તરીકે જોડાઈ છે.
વાલ્દેમાર હેફકિન “પેસ્ચર સંશોધન સંસ્થા” પેરિસ ખાતે સમગ્ર એશિયાને હેરાન કરનાર કોલેરાની રસી શોધવાનાં કામમાં લાગી જાય છે. પ્રાણીઓ પર કરાયેલ પ્રાથમિક પરીક્ષણ સફળ રહે છે. ત્યારબાદ તેઓ પ્રથમ માનવીય પરીક્ષણ પોતાના પર કરે છે. ત્યારબાદ તબક્કાવાર રીતે બીજા સ્વયંસેવકો પર કરે છે. સફળ રહેલ આ તમામ પરીક્ષણો બાદ એમને મોટી સઁખ્યામાં આ રસીનું પરીક્ષણ કરવાનું હોય છે જેથી તેઓ દરેક પ્રમુખ રાષ્ટોના દૂતાવાસોને આ વિષયમાં પત્ર લખે છે. આ પત્રનો સૌપ્રથમ ઉત્તર બ્રિટિશ ઇન્ડિયા સરકાર આપે છે અને હેફકિનને કલકત્તા આવવાનું નિમંત્રણ આપે છે. સાલ 1893માં કલકત્તા પહોંચી તેઓ બ્રિટિશ ઇન્ડિયા શાસન અંતર્ગત એવી પ્રેસિડેંસી હોસ્પિટલ માં બેકટેરીઓલોજિસ્ટ તરીકે પોતાની સેવા આરંભે છે.અહીં તેઓ બ્રિટિશ ઇન્ડિયા આર્મી તેમજ બીજા અસરગ્રસ્ત લોકોનું રસીકરણ શરુ કરે છે. સાલ 1893 થી 1895 સુધીમાં હેફકિન આશરે 40,000 લોકો નું એન્ટી-કોલેરા રસીકરણ કરે છે. તેઓ આ રસીકરણથી મૃત્યુદરમાં 75% જેટલો ઘટાડો લઇ આવે છે. આ સફળ રસીકરણથી બ્રિટિશ ઇન્ડિયા સરકાર હેફકિનથી ઘણી પ્રભાવિત થાય છે અને આ એન્ટી-કોલેરા રસીને ભારતના અન્ય ભાગોમાં પહોંચાડવાનું કામ શરુ કરે છે.
[બંગાળમાં રસીકરણ કરતા હેફકિન]
1896ની સાલમાં પ્લેગ નામની મહામારીએ માથું ઉચક્યું હતું. એ વખતે પણ, આરોપી કિંગ(Qing) સામ્રાજ્યમાં ગોથા ખાઈ રહેલું ચીન જ હતું. દર્દીઓને ક્વોરેન્ટાઇન કરવાની અનિચ્છા આ પ્લેગને વિશ્વમાં બીજે ફેલાવા જઈ રહ્યું હતું. ચીનના અંતરિયાળ વિસ્તારથી ફેલાયેલો પ્લેગ દક્ષિણ પૂર્વ એશિયાના બંદર શહેરો પછી લગભગ 1896ના ઉનાળામાં નૌકા વેપાર માર્ગે લીધે મુંબઈ પહોંચે છે અને ફેલાઈ છે. મુંબઈમાં કેસોની સંખ્યા વધતા બ્રિટિશ પ્રશાશન મુખ્યત્વે બે અગ્રતા નક્કી કરે છે એક તો એનો ફેલાવો રોકવો અને બીજું, એનો ઉપચાર શોધવો. આ માટે પ્લેગ સંશોધન સમિતિ બને છે અને એ સમિતિ બેકટેરીઓલોજિસ્ટ વાલ્દેમાર હેફકિનને આ માટેનું બીડું સોંપે છે.
[પ્લેગના દર્દીઓની સારવાર માટે મુંબઈની હંગામી હોસ્પિટલ]
વાલ્દેમાર હેફકિનને પ્લેગની રસી શોધવા કાલકાત્તાથી મુંબઈ બોલાવવામાં આવે છે. બ્રિટિશ ઇન્ડિયા સરકાર પ્લેગનો ફેલાવો રોકવા તમામ પગલાંઓ લે છે. રેલવે બુકિંગ, હજ યાત્રા , ધાર્મિક સ્થાળો પર એકત્ર થવા વિગેરે ઉપર પ્રતિબંધ લાદે છે. આર્મીની મદદ લઇ "door to door" તાપસ શરુ કરે છે. આ, હાલની કોરોના સ્થિતિના ક્વોરેન્ટાઇન સમાન લગતી સ્થિતિ છે. એનું કારણ એ છે કે ક્વોરેન્ટાઇનના આ પગલાં તેની અગાઉ નોંધાયેલ અસરકારકતાને લીધે બદલાયા નથી. હાં એમાં PPE કીટ જેવી આધુનિક વસ્તુઓ ઉમેરાઈ હશે પરંતુ હેતુ એજ છે "સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ ". બ્રિટિશ સરકારના નિર્દેશને પગલે સાલ 1896માં વાલ્દેમાર હેફકિન મુંબઈમાં ગ્રાન્ટ મેડિકલ કોલેજના કોરીડોરમાં ત્રણ જેટલા સહાયક સ્ટાફ સાથે રસીની શોધ શરુ કરે છે.
હેફકિને રોગ નિવારણ રસીનો માર્ગ લેવાનું નક્કી કર્યું, જેમાં રોગપ્રતિકારક શક્તિને ઉજાગર કરવા માટે તંદુરસ્ત શરીરમાં રોગકારક ઇન્જેક્શન આપવાની પ્રક્રિયા શામેલ છે, આમ રોગપ્રતિકારક શક્તિ વધારી રોગ સામે રક્ષણ મળી શકે. જોકે પ્રાણીઓમાં થયેલ સફળ પરીક્ષણ છતાં માનવીય પરીક્ષણ માટે એમને સ્વયંસેવકો મળતા નથી. હેફકિન સૌપ્રથમ પરીક્ષણ પોતાના શરીર પર કરે છે, અને એનું અવલોકન કાર્ય બાદ મુંબઈની ભાયખલ્લા જેલના સ્વયંસેવકો પર એનું પરીક્ષણ કરે છે. આ બાદ આ રસી નો ત્વરિત ઉપયોગ શરુ થાય છે. મુસ્લિમ ખોજા સમાજના આગા ખાન સાહેબ હેફકિન ના કાર્યની નોંધ લઇ પોતાના સમાજ ના 12000 જેટલા લોકો માટે આ રસીની વ્યવસ્થા કરે છે. તેજ રીતે બરોડાના મહારાજા સયાજીરાવ એમને બરોડામાં રસીકરણ હાથ ધરવા આમંત્રણ આપે છે. આ ઘટના બાદ ભારતના અન્ય પ્રાંતોમાં રસી પહોંચાડવાનું કામ ઝડપી બને છે.
સાલ 1899માં મુંબઈના પરેલ ખાતે "પલેગ રિસર્ચ લેબોરેટરી" ની સ્થાપના થાય છે. બ્રિટિશ સરકાર વાલ્દેમાર હેફકીનને એ સંસ્થાના ડિરેક્ટર નીમે છે. સાલ 1906 માં સંસ્થાનું નામ “બોમ્બે બેક્ટેરિયોલોજી લેબોરેટરી” તરીકે રાખવામાં આવે છે. આજ સમયગાળામાં તે આખા ભારતીય ઉપમહાખંડ તેમજ દક્ષિણ પૂર્વ એશિયા ની રસીકરણ ક્ષેત્રે સંશોધન કરતી સૌથી મોટી સંસ્થા બની રહે છે. આખરે 1925માં ફરી નામ બદલીને વાલ્દેમાર હેફકિનના માનમા "હેફકિન ઇન્સ્ટિટ્યૂટ" થાય છે. આજે પણ આ સંસ્થા એજ નામથી કાર્યરત છે અને મહારાષ્ટ્ર સરકારને આધીન રસીકરણ ક્ષેત્રે ઉમદા સેવા આપી રહી છે.
પોતાના 20 વર્ષના ભારતમાં રોકાણ માં વાલ્દેમાર હેફકિન કરોડો લોકોને મોતના મુખમાંથી બચાવે છે. આવા ઉમદા અને કર્મનિષ્ઠ વ્યક્તિને નમન.
રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ રાઇટર
અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ટેક્નોલોજી વિગેરે મારા ગમતા વિષયો છે.