ભારતની પ્રથમ આત્મકથા : બનારસીદાસ કૃત "અર્ધકથાનક"
ભારતની પ્રથમ આત્મકથા : બનારસીદાસ કૃત "અર્ધકથાનક"
આધુનિક સમયમાં ઘણા લેખકો દ્વારા આત્મકથા લખવામાં આવે છે. ભારતીય ઉપમહાદ્વીપમાં મહાત્મા ગાંધીની આત્મકથા ઘણી વિખ્યાત છે. હજી પણ, એ વાચકોમાં લોકપ્રિય સ્થાન ધરાવે છે. ત્યારે કુતુહલતા એ જાગે કે ભારતીય ભાષામાં સૌથી પેહલા કઈ આત્મકથા લખાઈ હશે. મુઘલ બાદશાહ બાબર (સાલ 1483-1530) ફરગના થી દિલ્હી સલ્તનત ઉપર આક્રમણ કરવા આવે છે. તે દરમિયાન તે તેના પ્રદેશમાં બોલાતી ભાષા (ચગતાઈ ભાષા ) માં "બાબરનામા" આત્મકથા રૂપે રજુ કરે છે. જેનું ફારસીમાં ભાષાંતર અકબર ના કાર્યકાળમાં તેના મકતાબ ખાના (ભાષાંતર વિભાગ) દ્વારા કરવામાં આવે છે. અહીં નોંધવા જેવું એ છે કે, બાબર એક વિદેશી તરીકે ભારત વિશેની નોંધ કરે છે.
ઉપમહાદ્વીપમાં ભારતીય ભાષમાં સૌપ્રથમ આત્મકથા લખવાનો શ્રેય આગ્રાના બનારસીદાસ ને જાય છે. તેની રચના "અર્ધકથાનક" (a half story ) બ્રજ ભાષામાં લખાયેલી તેની આત્માકથા છે. બ્રજ ભાષા એ હાલના હિન્દીની ઉદ્ભવ ભાષા માનવમા આવે છે. અર્ધકથાનક તે સમયના મુઘલ શાષન હેઠળના ભારત વિશેની માહિતી આપી જાય છે, તેને લીધે તે વાચકોમાં એક ઉત્સુકતા જગાવે છે. રોહિણી ચૌધરી દ્વારા મૂળ અર્ધકથાનકનું હિન્દીમાં ભાષાંતર સાલ 2007માં પેંગ્વિન પ્રકાશન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
અહીં ધ્યાન રહે કે, બનારસીદાસ પોતાની આત્મકથા એવા સમયે લખી રહ્યા હતા જે સમયે તેમની પાસે એ પ્રકારનું બીજું કોઈ પહેલાનું સાહિત્ય ઉપલબ્ધ નોહતું.
બનારસીદાસનો જન્મ મુઘલકાળના ભારતમાં, સાલ 1587માં શ્રીમાળ જૈન પરિવારમાં આગ્રાના જૌનપુર ખાતે થયો હતો. તેના સાહિત્ય ક્ષેત્રે અન્ય યોગદાનમાં મોહ વિવેક યુદ્ધ, બનારસી નામમાળા (સાલ 1613), બનારસવિલાસ (સાલ 1644), સમયસરા નાટક (સાલ 1636) નો સમાવેશ થાય છે.
જૈન પરંપરામાં મનુષ્યનું આખું જીવન 110 વર્ષનું માનવામાં આવતું. જયારે બનારસીદાસ પોતાની આત્મકથા લખે છે ત્યારે તેની ઉમર 55 વર્ષની હતી. જેથી તેણે, પોતાની આત્મકથાનું નામ અર્ધકથાનક ( Half a Life) રાખ્યું. જોકે અર્ધકથાનક લખ્યાના 2 વર્ષબાદ તેમનું મૃત્યુ થયું હતું.
રોમન ઇતિહાસમાં આત્મકથા 4થી સદીની આસપાસ જોવા મળે છે. પરંતુ દક્ષિણ એશિયામાં આત્મકથા લખવાનું ચલણ પ્રમાણમાં ઘણું નવું છે. અને તે કારણે સમગ્ર દક્ષિણ એશિયામાં ભારતીય ભાષામાં સૌપ્રથમ લખાયેલ આ આત્મકથા ઘણું અગત્યનું સ્થાન ધરાવે છે.
जैनधर्म श्रीमाल सुबंस | बानारसी नाम नरहंस
तिन मन मांहि बिचारी बात | कहौं आपनी कथा बिख्यात
"ઉમદા શ્રીમાળ પરિવારના જૈન,
પુરુષો વચ્ચેનો તે રાજકુમાર, તે માણસ બનારસી છે,
તેણે વિચાર્યું,
“ચાલો, હું મારી કથા બધાને જણાવું" (4)
जैसी सुनी बिलोकी नैन | तैसी कछू कहौं मुख बैन
कहौं अतीत दोष गुणवाद | बरत मानतांई मरजाद
"મેં જે બધું સાંભળ્યું છે અને મારી પોતાની આંખોથી જોયું છે,
મને તે બાબતો મારા પોતાના શબ્દોમાં જણાવવા દો.
મને મારા પાછલા દોષો અને ગુણો વિશે જણાવવા દો,
શિષ્ટતા અને સભ્યતાની મર્યાદાને ધ્યાનમાં રાખીને. ” (5)
અર્ધકથાનક કુલ 675 જેટલા પદોનો સંગ્રહ છે. આ પદોની રચના મુખ્યત્વે દોહા અને ચોપાઈ સ્વરૂપમાં થઇ છે. વિદ્વાનો એ નિષ્કર્ષ ઉપર આવ્યા છે કે, બનારસીદાસે આ રચના પેહલા તેના મિત્રોને ગાઈને સંભળાવી હશે અને ત્યારબાદ તેનું લેખિત સ્વરૂપ જાહેર કર્યું હશે.
આત્મકથામાં શું ન હોવું જોઈએ એ વિષે નીચેના દોહામાં જાણવા મળે છે.
आउ बित्त निज गृहचरित | दान मान अपमान
औषध मैथुन मंत्र निज | ए नव अकह कहान
"ઉંમર અને આવક, અને ઘરની બાબતો,
કોઈએ દાનમાં શું આપ્યું છે, વ્યક્તિગત સન્માન અને અપમાન,
દવાઓ , વ્યક્તિના જાતીય સબંધ, અને પોતાના માટેની યોજના
આ નવ બાબતો છે જેના વિશે વાત કરવી ટાળવી." (460)
ઉપરની ચોપાઈ લખ્યા છતાં, બનારસીદાસ પોતાની આર્થિક હાલત વિષે જણાવતા અચકાતા નથી. તેઓ જણાવે છે કે અર્થકથાનકની રચના વખતે ઘણું શાંતિપૂર્ણ જીવન વ્યતીત કરી રહ્યા હતા. પરંતુ યુવાન વયે તેમણે ઘણા નિષ્ફળ ઉદ્યોગ સાહસોનો સામનો કરવો પડ્યો હતો. જેમકે, તેના પિતા ખરગસૅન તેને જૌનપુરથી મોટા શેહર આગ્રામાં વ્યાપાર કરવા મોકલે છે. પરંતુ વ્યાપારી કોઠાસૂઝના અભાવે એ ધંધો નુકસાનીમાં ફેરવાઈ સીહી અને તેના બધા પૈસા ડૂબી જાય છે.એની સ્થિતિ એવી થાય છે કે એ મુશ્કેલથી પોતાના ખોરાક માટે ફક્ત કચોરી જ લઇ શકે છે.
અર્ધકથાનકમાં બનારસી પોતાના પ્રેમ વિષે પણ જણાવે છે. તેને 14 વર્ષની ઉંમરે પ્રેમ થયો હતો.
तजि कुल कान लोक की लाज | भयौ बनारसी आसिखबाज
"કુટુંબનું સન્માન અવગણી અને બધી શરમ દૂર ફેંકી દઈ,
બનારસીને પ્રેમ થયો." (170)
चोरै चूंनी मानिक मनी | आनै पान मिठाई घनी
भेजै पेसकसी हित पास | आपु गरीब कहावै दास
“તે કિંમતી પથ્થરો, માળા અને અન્ય રત્નોની ધૂળ ચોરી લેતો
અને તેનો ઉપયોગ પાન અને મીઠાઈ ખરીદવા માટે કરતો
ભેટ તરીકે તેની પ્રેયસીને મોકલવા,
પોતાને તેનો ગુલામ કહે છે.” (172)
બનારસીનો જન્મ સોના ચાંદીનો વ્યાપાર કરતા પરિવારમાં થયો હતો, જે તેના શૈક્ષણિક અને લેખન કાર્ય માટે એટલો ઉત્સાહિત નોહતો. એ નિષ્ફળ વ્યાપારી તરીકે આગ્રાથી જૌનપુર પીછો ફરે છે ત્યારે તે પરિવારનું તેની સાથે નું વર્તન જણાવે છે.
आए नगर जौनपुर फेरि | कुल कुटुंब सब बैठे घेरि
गुरुजन लोग दैंहि उपदेस | आसिखबाज सुनें दरबेस
"બનારસી જૌનપુર પાછો ફરે છે,
પરિવારે એને બેસાડ્યો,
અને કુટુંબના વડીલોએ એને એની ભૂલો ઉપર પ્રવચન આપ્યું,
કહ્યું "તું પ્રેમ માં ભટકેલો છે"
સાલ 1605માં બાદશાહ અકબરના મૃત્યુ વખતે કેવી અરાજક્તા ફેલાઈ હતી એ વિષે અર્ધકથાનક માં જણાવાયું છે. બનારસીદાસ પોતાના જીવનકાળમાં ત્રણ બાદશાહ ના શાષનબો સાક્ષી બને છે. અકબર , જહાંગીર અને શાહજહાં. તે સમયે ઉઝબેક, ફારસી આક્રમણો નો ભય હંમેશા રહેતો. દિલ્હીની ગાદી નબળી દેખાતા હંમેશા આવા આક્રમણોનો ભય રહેતો. મુઘલકાળમાં બાદશાહ સ્થિરતા જાળવવા માટે કેટલા જરૂરી હોઈ શકે એ બનારસી સામાન્ય માણસની નજરે જણાવે છે.
“સંવત 1662.
કાર્તિક મહિનો અને વર્ષા ઋતુનો અંત,.
મહાન સમ્રાટ અકબરનું
આગ્રા શહેરમાં અવસાન થયું.” (246)
“તેમના મૃત્યુના સમાચાર જૈનપુર પહોંચ્યા.
લોકો, તેમના સમ્રાટથી મૃત્યુથી, અનાથ અને લાચાર લાગ્યાં.
નગરજનો ભયભીત હતા,
તેમના હૃદયમાં ખળભળાટ મચી ગયો છે, તેમના ચહેરા ભયથી નિસ્તેજ છે.” (247)
બનારસી આ સમાચાર સાંભળીને પડી જાય છે અને તેને ઇજા થાય છે. લોહીલુહાણ થયેલા તેને તેની માતા તથા અન્ય સભ્યોએ સંભાળવો પડે છે.
“દરમિયાન શહેરમાં અંધાધૂંધી હતી,
બધે હંગામો થયો હતો.
લોકોએ તેમના ઘરના દરવાજા બંધ કરી દીધા,
દુકાનદારો તેમની દુકાનમાં બેસતા નોહતા.” (252)
“સુંદર કપડાં અને મોંઘા ઝવેરાત–
આ, લોકોએ ભૂગર્ભમાં દફન કર્યા,
તેમના વ્યવસાયિક વ્યવહારોને રેકોર્ડ કરતી પુસ્તકોને તેમને ક્યાંક દફનાવી,
અને તેમની રોકડ અને અન્ય માલ સલામત અને સુરક્ષિત સ્થળોએ છુપાવી દીધો.” (253)
“અકબરનો સૌથી મોટો દીકરો
સાહેબ શાહ સલીમ,
, અકબરના મહેલમાં, આગ્રા શહેરમાં, સિંહાસન સંભાળે છે. ” (258)
“તેણે નુરુદ્દીન જહાંગીર સુલતાન નામ ધારણ કર્યું.
આ સમાચાર આખા રાજ્યમાં આપવામાં આવી રહ્યા છે,
દરેક જગ્યાએ જ્યાં સમ્રાટનો અધિકાર ચાલે છે. " (259)
“આ પત્રમાં સમાચાર હતા
જે ઘરે ઘરે વાંચવામાં આવતું
જૌનપુર અને આસપાસ ફેલાયેલ વિસ્તારમાં
લોકોએ રાહત લીધી અને આભાર માન્યો.” (260)
“ખરગસેનના ઘરે આનંદ હતો
સુખાકારીની સ્થિતિ પ્રવર્તતી હતી, દુઃખ અને કચવાટ ગાયબ થયા
બનારસી સ્વસ્થ થયો અને સ્નાન કર્યું;
કુટુંબમાં આનંદ પ્રસર્યો અને તેમની ખુશીમાં ઉદારતાથી દાન આપ્યું”. (261)
રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ
અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી, કરંટ અફેર્સ વિગેરે મારા ગમતા વિષયો છે.